ફેસ ઓફ નેશન, (ધવલ પટેલ) 16-04-2020 : શહેરનું ભણતર આજે કાંઈ સમજવા તૈયાર નથી. લોકોને અનેક વિનંતી અને કાયદાના પાઠ ભણાવ્યા છતાં કોઈ અસર ન થતી હોય તેમ લાગી રહ્યું છે. પોલીસ હવે કંટાળી ગઈ છે. લોકોની અજ્ઞાનતા સામે કોરોના હાવી થઇ રહ્યો છે. ટેક્નોલોજી અને પુસ્તકોમાં પોતાની જાતને કાબેલ માનતી શહેરની પ્રજા કોરોના મામલે ગંભીર નથી. કોરોનાએ સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું છે ત્યારે આજે શહેરની પરિસ્થિતિ જોતા ચોક્કસ એમ કહી શકાય કે, કોરોના યુદ્ધમાં શહેરનું ભણતર હારી રહ્યું છે અને ગામડાનું ભોળપણ જીતી રહ્યું છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ તમામ શહેરો કોરોનાગ્રસ્ત છે. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં કર્ફ્યુ છે છતાં લોકો બહાર નીકળે છે. જયારે સુરતમાં પણ કેટલાક વિસ્તારોમાં કર્ફ્યુ નાખી દેવામાં આવ્યો છે.
ગુજરાતમાં કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદને ગુજરાતનું સૌથી અગ્રેસર શહેર માનવામાં આવે છે. જો કે આજે આ શહેર કોરોનાની ઝપટે ચઢી ગયું છે. લોકડાઉન હોવા છતાં રોજ બરોજ લોકો નીતનવા બહાના કાઢીને રસ્તા ઉપર ટહેલવા નીકળી પડે છે. સોસાયટીમાં ટોળે વળીને ગપ્પા મારતા નજરે ચઢે છે. ત્યારે ગામડામાં આથી તદ્દન વિપરીત સ્થિતિ છે. ગામડામાં લોકો આ કેસની ગંભીરતા સમજી રહ્યા છે. કોઈ પોલીસ બળની જરૂરિયાત ઉભી થતી નથી. લોકો સ્વેચ્છાએ બહાર નીકળવાનું બંધ કરી દીધું છે. કેટલાક ગામમાં તો આવવાના અને જવાના રસ્તાઓ બંધ કરી દીધા છે તો કેટલાક ગામડાએ તો બહાર નીકળતા લોકોને સખ્ત દંડ ફટકારવાનું શરૂ કર્યું છે. એક દિવસ એવો આવશે કે, ગામડાઓ સંપૂર્ણ કોરોના મુક્ત બનશે અને શહેરો કોરોનાગ્રસ્ત બની જશે. હાલ ગુજરાતના જિલ્લાઓમાં કોરોનાએ પ્રવેશ શરૂ કરી દીધો છે પરંતુ ગામડાઓમાં હજુ નહિવત પ્રમાણમાં કેસ નોંધાઈ રહ્યા છે. જે શહેરના ભણેલા ગણેલા લોકોની જાગૃતતા કરતા તેમની જાગૃતતા વધારે હોવાના પુરાવા છે.
શહેરમાં આજે એ સ્થિતિ ઉદભવી છે કે, પોલીસ વિભાગમાં પણ કોરોનાના ચેપ ચાલુ થતા પોલીસ વિભાગ પણ હવે કોઈ કાર્યવાહી માટે આગળ આવવા તૈયાર નથી. જે જે વિસ્તારોમાં કોરોના નથી તેવા વિસ્તારના લોકો પણ કાંઈ સમજવા તૈયાર નથી. કોરોના વિસ્તાર જોઈને કે પ્રજા જોઈને નથી ફેલાતો. આજે કોરોનાને લઈને જે વિસ્તારો હોટ સ્પોટ છે ત્યાં અગાઉ એક કેસ નહોતો પરંતુ ક્યાંથી આવ્યો અને કેવી રીતે કોરોના ફેલાઈ ગયો કે તેને કોઈ રોકી શક્યું જ નહીં. વધુ પડતો આત્મ વિશ્વાસ, વધુ પડતું ભણતર, વધુ પડતી બુદ્ધિ હંમેશા વ્યક્તિ માટે ક્યારેક આફત ઉભી કરી દે છે. ભણ્યા પણ ગણ્યા નહીં તે ગામડાની કહેવત આજે શહેર સાર્થક કરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.
આ અહેવાલ રજૂ કરવાનો અમારો આશય માત્ર લોકોમાં જાગૃતતા માટેનો છે. ખરેખર ! એક પત્રકાર તરીકે અમે જયારે સમાચાર લેવા જઈએ છીએ, શહેરની પરિસ્થિતિ જોઈએ છીએ ત્યારે દુઃખ થાય છે કે, કેમ આવા ભણેલા લોકો સમજતા નથી. જેના ઘરમાં કોરોના છે તેઓ જાણે છે કે આ રોગ શું છે ? પરંતુ જ્યાં નથી ત્યાં લોકો જાગૃત નથી. વોકિંગના બહાને બહાર ટહેલવા નીકળી જતા કે સોસાયટીમાં ટોળે વળીને બેસનારા સામે અવાજ ઉઠાવો, રોકો તેમને. પોલીસને જાણ કરો. સંબંધ બગડશે તેની ચિંતા ન કરો કારણ કે આજે એક સંબંધ સાચવવાના વિચારમાં તમારી સોસાયટીમાં કે સોસાયટી બહાર ટોળે વળતા લોકોની જાણ પોલીસને નહીં કરો તો એક દિવસ સોસાયટીના તમામ લોકોની તબિયત બગડી જશે. આરોગ્ય બગાડવા કરતા સંબંધ બગાડવો વધુ હિતાવહ રહેશે. કેમ કે, આજે જે લડાઈ છે તે દેશના તમામ લોકોની સુરક્ષા માટેની લડાઈ છે. જો આ લડાઈ નહીં જીત્યા તો પતન નક્કી સમજો. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
AMC : સેમ્પલ ટેસ્ટિંગની પ્રક્રિયામાં રહેલા કર્મચારીને કોરોનાનો ચેપ લાગ્યો
ટ્રમ્પની ભારત મુલાકાત ટાણે અમેરિકામાં 35 અને ભારતમાં 3 કોરોના પોઝિટિવ કેસ હતા