Face Of Nation : ગુજરાત ઉપર આજ મધરાતથી વાવાજોડાની આફત ત્રાટકશે જેને લઈને તંત્ર સતર્ક બની ગયું છે. અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશનથી સર્જાયેલુ ‘વાયુ વાવાઝોડું’ સૌથી પહેલા સૌરાષ્ટ્રના કોડિનાર, દીવ અને ત્યારબાદ ઉનામાં ત્રાટકશે. વાવાઝોડાને લઈને રાજ્ય સરકાર દ્વારા રાહત બચાવની ટીમો એલર્ટ રાખવામાં આવી છે. NDRF, SDRF અને આર્મીની 22 જેટલી ટીમો દરિયાકાંઠાના વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે. 12 જૂને મધરાતે 2 વાગ્યાની આસપાસ આ વાવાઝોડું વણાકબારા અને દીવમાં ત્રાટકશે. ત્યારબાદ ધીમે-ધીમે આગળ વધશે. ઉના, કોડિનાર, વણાકબારા, દીવ સહિતના આજૂબાજૂના વિસ્તારોમાં વાવાઝોડાની તીવ્રતા રહેશે. 12મીએ મધરાતે ત્રાટકનાર વાવાઝોડું 13મી બપોર બાદ ધીમું પડશે, આ સમય. દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અન્ય રાજ્યોની NDRF ટુકડીઓને ગુજરાત બોલાવાઇ
એનડીઆરએફની બે ટીમ નલીયા અને કંડલા જશે. વડોદરાથી અલગ-અલગ બચાવ ટુકડીઓ મોરબી, રાજકોટ, જોડીયા, જામનગર, દ્વારકા, પોરબંદર, સોમનાથ, અમરેલી અને જૂનાગઢ જશે. આ ઉપરાંત રાજ્ય બહારથી પણ એનડીઆરએફની ટીમો બોલાવાઇ રહી છે જેમાં પુના અને ભટીંડાથી પાંચ-પાંચ ટીમો જ્યારે અજમેરથી એક ટીમ આવી જશે. 12મી જૂનના સાંજથી ગુજરાતમાં સાયક્લોન ત્રાટકશે અને 14મી સુધી તેની અસર રહેશે. દીવ, સોમનાથ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, પોરબંદર, જામનગર, રાજકોટ અને કચ્છમાં તે ગંભીર અસર કરે તેવી સંભાવના છે.