પીએમ અને રક્ષા મંત્રી અમિત શાહને આડેહાથ લેવાનું ન ચુક્યાં મમતા બેનર્જી
Face of Nation:પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી હિંસા વચ્ચે મુખ્યમંત્રી મમતા બેનરજીએ મંગળવારે સમાજ સુધારક ઇશ્વરચન્દ્ર વિદ્યાસાગરની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. ત્યારબાદ તેમણે પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધતા જણાવ્યું હતું કે બંગાળ કોઇ રમકડું નથી.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ જણાવ્યું હતું કે, બંગાળ કોઇ રમકડું નથી. તમે બંગાળની સાથે રમી શકતા નથી. તમે બંગાળ સાથે જે કાંઈ ઇચ્છો તે કરી શકતા નથી. પ્રતિમા અનાવરણના કાર્યકર્મમાં ટીએમસીના કાર્યકર્તાઓની સાથે મંત્રીઓ પણ હાજર હતા.
મમતાએ આ બહાને પીએમ અને રક્ષા મંત્રી અમિત શાહને આડેહાથ લેતા જણાવ્યું હતું કે હું બંગાળને કોઈ કાળે ગુજરાત નહીં બનવા દઉં. મમતાએ વધુમાં જણાવ્યું કે હું ગુજરાતીઓની વિરોધી નથી પરંતુ ગુજરાતના હુલ્લડખોરો વિરુદ્ધ છું.
લોકસભા ચૂંટણીના પ્રચાર વખતે 14મી મેના રોજ અમિત શાહની રેલી દરમિયાન બંગાળમાં વિદ્યાસાગર કોલેજમાં ઇશ્વરચન્દ્ર વિદ્યાસાગરની પ્રતિમાને ખંડિત કરવામાં આવી હતી. આ મામલે મમતા બેનરજીએ ભાજપ અધ્યક્ષ અમિત શાહને જવાબદાર ઠેરવ્યા હતા. જો કે અમિત શાહે મૂર્તિ ખંડિત કરવાના આક્ષેપોને ફગાવી દીધા હતા.