- શોપિયાના અનવીરા વિસ્તારમાં પ્રદર્શન રોકવા માટે વધારાની સેના તહેનાત કરવામાં આવી
- અફવાઓને રોકવા માટે ઈન્ટરનેટ સેવા બંધ
- આ વર્ષે 31 મે સુધી કાશ્મીરમાં 101 આતંકીઓને ઠાર કરાયા
Face of Nation:જમ્મુ-કાશ્મીરના શોપિયામાં મંગળવારે સેના સાથેના એન્કાઉન્ટરમાં બે આતંકીઓને ઠાર કર્યા છે. આ ઘટના અવનીરા વિસ્તારમાં થઈ હતી. સીઆરપીએફની 178 બટાલિયન, એસઓજી જૈનપોરા અને રાષ્ટ્રીય રાઈફલ્સે આ વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન મંગળવારે સવારે 3.25 વાગ્યે સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. બીજી બાજુ સેનાએ પુંછની કૃષ્ણા ઘાટી પુલ પર આતંકીઓ દ્વારા લગાવવામાં આવેલા આઈઈડી બોમ્બને નિષ્ક્રિય કરી દેવામાં આવ્યો છે.
સેનાએ કહ્યું કે, સર્ચ ઓપરેશન દરમિયાન જવાનોએ બે આતંકીઓના મૃતદેહ કબજે કર્યા છે. પ્રદર્શન રોકવા માટે અનવીરા સહિત ઘણાં વિસ્તારોમાં મોટી માત્રામાં સેના તહેનાત કરી દેવામાં આવી છે. શોપિયામાં અફવાને રોકવા માટે ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.
કાશ્મીરમા આઈજીપી એસપી પણીએ મંગળવારે કહ્યું કે, આતંકીઓની લાશ તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવી છે. ઘટના સ્થળેથી હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. સર્ચ ઓપરેશન પુરૂ થઈ ગયું છે. ઘટનાની તપાસ ચાલી રહી છે.
આ વર્ષે 101 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા
સેનાના ઓફિસર્સે કહ્યું પ્રમાણે સેનાએ ખીણમાં આ વર્ષે 31 મે 2019 સુધીમાં 101 આતંકીઓને ઠાર કરી દીધા છે. તેમાં 23 વિદેશી અને 78 સ્થાનિક આતંકી સામેલ છે. સૌથી વધારે શોપિયામાં 25 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. તેમાંથી 16 સ્થાનિક હતા. પુલવામામાં 15, અવંતીપોરામાં 14 અને કુલગામમાં 12 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. ઓફિસર્સે કહ્યું કે, માર્ચથી અત્યાર સુધી 50 યુવકો વિવિધ આતંકી સંગઠનમાં સામેલ થઈ ચૂક્યા છે. મોટી સંખ્યામાં સ્થાનીક યુવતો આતંકી સંગઠનોમાં જોડાયા તે ચિંતાનો વિષય છે.