પોલીસ કાર્યવાહી સામે સ્કૂલ રિક્ષા-વાન ચાલકની હડતાળ
વાલીઓએ એફઆરસી અને કલેક્ટરને રજૂઆત કરી
Face Of Nation:સુરતઃ કતારગામ ખાતે આવેલી ગજેરા સ્કૂલમાં છેલ્લા બે દિવસથી વાલીઓ ફી વધારાનો વિરોધ કરી રહ્યા છે. જેમાં આજે સ્કૂલ વાન અને રિક્ષા ચાલકોની હડતાળના પગલે ગજેરા સ્કૂલ ખાતે વાલીઓએ હંગામો મચાવ્યો હતો. બાળકોને પોતાના વાહનોમાં વાલીઓ સ્કૂલે મૂકવા પહોંચ્યા હતા. જેથી સ્કૂલ પાસે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.
બાળકોને અભ્યાસથી અળગા રાખ્યા
કોઇ પણ જાણ કર્યા વગર જ ફી વધારો કરી દેવાયો હોવા ઉપરાંત ચાલુ વર્ષ માટે એફઆરસીએ નક્કી કરેલી ફીનું માળખું પણ નથી અપાયું હોવાનું વાલીઓએ જણાવ્યું હતું. એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ભગીરથ સિંહ પરમારે સહિતના અધિકારીઓ શાળા પર ગયા હતા અને વાલીઓ સાથે ચર્ચા કરી હતી. જોકે, ત્યારબાદ મોટી સંખ્યામાં વાલીઓ એફઆરસીની કમિટી પાસે જઇને રજૂઆત કરી હતી. તેમજ જિલ્લા કલેક્ટરને ધવલ પટેલને આવેદનપત્ર આપી ફી વધારો પાછો ખેંચવા માંગણી કરી હતી. વાલી અગ્રણી દિપક અંકોલિયાએ જ્યાં સુધી ફી વધારાનો નિવેડો નહીં આવે ત્યાં સુધીમાં બાળકોને શાળાએ નહીં મોકલવા અપીલ કરી હતી.
સ્કૂલ રિક્ષા-વાન ચાલકોની હડતાળ
આજે ત્રીજા દિવસે વાલીઓમાં વધારો રોષ જોવા મળી રહ્યો છે. એક તરફ ફી વધારાનો વિરોધ જ્યારે બીજી તરફ સ્કૂલ રિક્ષા-વાન ચાલકો હડતાળ પર ઉતરી ગયા છે. ગત રોજ આરટીઓ અને ટ્રાફિક પોલીસે સ્કૂલ વાહન જેવા કે, વાન, રિક્ષા અને બસ પર વોચ ગોઠવી ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં 300થી વધુ સ્કૂલ વાહનોને ડિટેઇન કરાયા હતાં. જેથી રોષે ભરાયેલા ચાલકો આજે હડતાળ પર ઉતરી ગયા છે. જેથી વાલીઓએ બાળકોને પોતાના વાહનોમાં સ્કૂલે મૂકવા જવાની ફરજ પડી હતી.