ફેસ ઓફ નેશન, (ધવલ પટેલ) 25-04-2020 : ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. રાજ્ય સરકાર આ મામલે રોજ એક જ ઢોલ પીટી રહી છે કે, “ગભરાવવાની જરૂર નથી”, “પહેલા કે બીજા નંબરને કોઈ લેવાદેવા નથી”, “સરકારની કામગીરી સફળ રહી છે”, “કોઈએ ચિંતા કરવાની જરૂર નથી”. સત્તા સ્થાને કે અધિકારી બનીને બેઠા છે ત્યારે તેઓના આ પ્રકારના નિવેદનો વ્યાજબી છે તે પણ એક મોટો સવાલ છે. આ બધી વાતો રોજ સરકારના અધિકારીઓ કરે છે. પરંતુ આ બધી સુફિયાણી વાતો વચ્ચે જ આજે અમદાવાદ સમગ્ર દેશમાં બીજા નંબરનું શહેર બની ગયું છે. જ્યાં સૌથી વધુ કેસ 2003 નોંધાયા છે. હાલ, દેશમાં પ્રથમ નંબરનું શહેર મુંબઈ છે. જ્યાં 4447 કેસો નોંધાયા છે.
શરમજનક કામગીરી કહેવાય કે શરમજનક સત્તા કહેવાય એ ખબર નથી પરંતુ સતત વધતા જતા કેસોને લઈને આજે ગુજરાત રાજ્ય દેશમાં બીજા ક્રમાંકે ધકેલાઈ ગયું છે. સાથે જ ગુજરાતનું અમદાવાદ પણ દેશમાં સૌથી વધુ કેસ ધરાવતું બીજા નંબરનું શહેર બની ગયું છે. હંમેશા અન્ય સરકારની કામગીરીઓ ઉપર નજર રાખતી ભાજપ સરકાર આજે ખુદ તેના જ ઘરમાં ભંગાણ પડી રહ્યું છે ત્યારે કેમ કાંઈ બોલવા તૈયાર નથી તે એક મોટો પ્રશ્ન છે. વધતા જતા કેસોની સ્થિતિ કેમ સામાન્ય લાગી રહી છે તે કાંઈ સમજણ પડી રહી નથી.
કોરોનાના સૌથી વધુ જ્યાં કેસ હતા તેવા દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, તમિલનાડુ, ઉત્તરપ્રદેશને પણ પાછળ રાખીને ગુજરાત બીજા ક્રમાંકે ધકેલાઈ ગયું છે તે સત્તાની કામગીરી કેવી છે તેની સ્પષ્ટ ચાડી ખાય છે. જયારે આ મામલે પ્રશ્ન પુછાય છે ત્યારે હંમેશા એક જ વાતનું રટણ થાય છે કે, અમે સામે ચાલીને શોધી શોધીને કેસો કાઢ્યા છે એટલે આંકડો ઉંચો ગયો છે. અહીં હંમેશા સવાલ થાય કે, તમે એવી કેવી કામગીરી કરી કે કેસો વધી ગયા અને તમે સામે ચાલીને શોધવા ગયા ત્યારે ખબર પડી કે આટલી મોટી માત્રામાં પોઝિટિવ કેસો એક્ટિવ છે.
અસરકારક કામગીરી દેખાતી નથી ત્યાં લોકડાઉનમાં છૂટ આપવાની આટલી બધી ઉતાવળ તંત્રને કેમ છે તે સમજાતું નથી. તંત્ર દ્વારા અપાયેલી છૂટ બાદ જો કેસો વધુ માત્રામાં ફેલાશે તો તેના જવાબદાર કોણ રહેશે ? શું કમિશનર કે મુખ્યમંત્રી પોતાની નૈતિક જવાબદારી સ્વીકારશે ખરા ? પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરવાનો કોઈને અધિકાર નથી. લોકડાઉન દરમ્યાન ગુજરાતમાં પોલીસ-આરોગ્ય તમામ વિભાગો સતર્ક રહ્યા છતાં કેસો આટલી મોટી માત્રામાં વધ્યા છે. તો પછી લોકડાઉન ખુલ્લુ મૂકીને છૂટછાટ આપી દેવામાં આવશે તો શું પરિસ્થિતિ સર્જાશે તેનો કોઈ નેતા કે અધિકારીએ વિચાર કર્યો છે ખરો ? હજુ લોકડાઉનના દિવસો પણ પુરા થયા નથી ત્યાં છૂટછાટ આપવા અધીરા બનેલા સત્તાધીશો કોરોનાના કેરને નોતરું આપશે તેમ કહેવામાં કોઈ બે મત નથી.
અમારો આ સમાચારો રજૂ કરવાનો ઈરાદો નેગેટિવિટી રજૂ કરવાનો નથી. માત્ર એટલું દેખાડવાનો છે કે, જો ખરા અર્થમાં સરકારની કે તંત્રની અસરકારક કામગીરી છે તો પછી કેમ કેસોમાં દિવસે દિવસે વધારો થઇ રહ્યો છે. અન્ય રાજ્યો જો અસરકારક કામગીરી કરી શકતા હોય તો ગુજરાત સરકાર કેમ નથી કરી શકતી ? કેસો વધી રહ્યા છે ત્યારે સત્તાને તેની ગંભીરતા ન હોય અને એવા નિવેદનો કરે કે, “કોઈએ ગભરાવવાની જરૂર નથી, આંકડાતો વધ્યા કરે” તો તે લોકશાહીમાં વ્યાજબી નથી. અમદાવાદ શહેરના મ્યુ. કમિશનરે પણ ગઈકાલે એમ કહ્યું કે, જો સાવધાની નહીં રખાય તો 15 મે સુધીમાં કેસો 50 હજાર સુધી પહોંચી જશે. જો કે તેમનું આ નિવેદન જ લાલબત્તી સમાન છે એમ કહેવામાં કોઈ શંકાને સ્થાન નથી. ફેસ ઓફ નેશનના પેજને faceofnation.news ફેસબુકમાં લાઈક અને ફોલો કરવા દરેકને વિનંતી (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં જોડાવવા માટે ક્લિક કરો : faceofnation.news )
ગંભીરતા જરૂરી : લોકડાઉનમાં છુટ આપવાની ઉતાવળ આફતને નોતરું દેનારી બનશે
“મહામારી સમયે દેશના દુશ્મન” : જોડાઓ અમારા આ અભિયાનમાં, લોકડાઉનનો ભંગ કરનારની તસવીરો મોકલો
“મહામારી સમયે દેશના દુશ્મન” : જોડાઓ અમારા આ અભિયાનમાં, લોકડાઉનનો ભંગ કરનારની તસવીરો મોકલો