Home Uncategorized અંધશ્રધ્ધાની આડમાં બાળકીને પેટે ડામ અપાવી મોત અપાવનાર ભુવા સામે ફરિયાદ

અંધશ્રધ્ધાની આડમાં બાળકીને પેટે ડામ અપાવી મોત અપાવનાર ભુવા સામે ફરિયાદ

  • ભુવાનું ભૂત કેટકેટલા માસુમોને ભરખી જશે ? 
  • લાખણીના ગણતા ગામની સાત માસની બાળકીને ડામ આપતાં મોત થયું હતું
  • બાળકીના પિતા અને દાદા વિરુદ્ધ પણ ફરિયાદ કરવામાં આવી

Face Of Nation:પાલનપુર: લાખણી તાલુકાના ગણતા ગામની સાત માસની માસૂમ બાળકીને ડામ આપનાર અસાસણના વૃદ્ધ ભુવા વિરૂદ્ધ આખરે બાળ સુરક્ષા વિભાગની ટીમે થરાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. બાળકીના પિતા અને દાદા તેમજ ભુવા વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. આ પ્રકારની ફરિયાદનો રાજ્યમાં પહેલો કિસ્સો હોવાનું સામે આવ્યુ છે. અસાસણ ગામનો વૃદ્ધ ભુવો પાછલા 20 વર્ષથી ડામ આપે છે.અમદાવાદ સારવાર માટે જાય તે પહેલા મોત: ગણતા ગામની દલાભાઇ ગોવાભાઈ ઠાકોરની આશરે સાત માસની દીકરીને તેના કુમળા શરીરે અંધશ્રદ્ધા કારણે ડામ આપવામાં આવ્યા હતા. જે બાદ ડીસા સારવાર માટે ખસેડાઇ હતી અને અમદાવાદ સારવાર લેવા જાય તે પૂર્વે જ બાળકીનું મોત નીપજ્યું હતું. ઘટનાની ગંભીરતા બાદ કલેકટરે તપાસનો આદેશ કરતા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એમ. કે. જોષી અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડો. એન.વી.મેનાત દ્વારા ઘટનાની તપાસ માટે જિલ્લા બાળ સુરક્ષા એકમની કચેરીના ટી. એ.ઠાકોર અને સામાજિક કાર્યકર એસ. એચ. રાણાને સમગ્ર મામલાની તપાસ સોપવામાં આવી હતી. જે તપાસ બાદ પિતા દલાભાઈ ઠાકોર અને દાદા ગોવાભાઈ ઠાકોર દીકરીને તેના કુમળા શરીરે ડામ આપનાર માવજીભાઈ સવદાસજી ઠાકોર, (રહે. ગામ અસાસણ, તા. લાખણી, જી. બનાસકાંઠા) પાસે લઈ ગયા હોવાનું ખુલ્યું હતું. જેથી ત્રણેય વિરૂધ્ધ ધ જુવેનાઈલ જસ્ટીસ (કેર એન્ડ પ્રોટેક્શન ) હેઠળ ફરીયાદ નોંધાવવામાં આવી હતી.
કાયદેસરની કાર્યવાહી: ફરિયાદની વિગતો આપતા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડો. એન.વી.મેનાતએ જણાવ્યું હતું કે, ” સમગ્ર મામલાની ગંભીરતા જોતા ગુન્હો દાખલ કરાયો છે. ગુન્હામાં જેમની મદદગારી પોલીસ તપાસમાં સાબિત થશે તે તમામ સામે જુવેનાઇલ જસ્ટીસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે છે. આ ગુન્હામાં આરોપીને ત્રણ વર્ષ સુધીની કેદની સજા અથવા એક લાખ રૂપિયા સુધી દંડ અથવા બન્ને થઇ શકે છે. કોઈ પણ બાળકને અંધશ્રદ્ધાથી પ્રેરાઈ ડામ આપવા એ કાયદેસર ગુન્હો બને છે બીમાર બાળકને ભુવા પાસે લઈ જવાના સ્થાને હોસ્પિટલમાં લઈ જવો જોઈએ.