ફેસ ઓફ નેશન, 07-05-2020 : ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે તેવામાં મુખ્યમંત્રી નિષ્ફ્ળ રહ્યા હોવાની નોંધ છેક દિલ્હી સુધી લેવામાં આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ગુજરાત ભાજપ રાજ્યસભાના સાંસદ મનસુખ માંડવિયાને હાઈકમાન્ડનું તેડું આવ્યું છે. જેને લઈને ગુજરાતની સત્તા બદલાય તેવી શક્યતાઓ સેવાઈ રહી હતી. મનસુખ માંડવીયા વડાપ્રધાન મોદીના વિશ્વાસુ વ્યક્તિ તરીકેની છાપ ધરાવે છે. તેવામાં ગુજરાતની સત્તાનો તાજ તેમના માથે પહેરાવવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ સાથે ઠેર ઠેર ચર્ચાઓ ઉઠી હતી. જો કે આ શક્યતાઓ અને ચર્ચાઓ હાઈકમાન્ડથી સત્તાવાર જાહેરાત કરવામાં આવે ત્યારે જ સાચી ઠરે તેમ હતી.
તેવામાં મનસુખ માંડવીયાએ સાંજે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, “આજે માનવતા કોરોના સામે લડાઈ લડી રહી છે અને ગુજરાત પણ માન. મુખ્યમંત્રી શ્રી @vijayrupanibjpજીનાં નેતૃત્વ હેઠળ મક્કમતાપૂર્વક લડાઈ લડી રહ્યું છે, ત્યારે નેતૃત્વ પરિવર્તનની અફવાઓ ફેલવાવી એ ગુજરાતનાં હિતોને નુકશાન કરવાનું કૃત્ય છે. નાગરિકોને વિનંતી કે કોરોનાની સાથે અફવાથી પણ બચે.” ગુજરાતના રાજકારણમાં છેલ્લા બે મહિનાથી આ વાત ચાલી રહી હતી. આખરે મનસુખ માંડવીયાએ ટ્વીટ કરીને તે અંગે ખુલાસો કર્યો હતો.
હાલના ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની કોરોનાની કામગીરીને લઈને કેન્દ્ર નારાજ હોવાનું પણ જાણવા મળ્યું છે. વિજય રૂપાણી કોરોના મામલે અસરકારક કામગીરી કરવામાં નિષ્ફ્ળ રહ્યા હોય તેવી પણ ચર્ચાઓ ઉઠતા આખરે મુખ્યમંત્રી બદલવાનો નિર્ણયો લેવામાં આવ્યો હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. સામાન્ય રીતે વડાપ્રધાન અને હાઇકમાન્ડ સાથે મનસુખ માંડવિયાની નિયમિત બેઠક ચાલે છે પરંતુ હાલ ખુદ ભાજપના જ વર્તુળોમાં આ મામલે ચર્ચા ઉઠી છે કે, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે મનસુખ માંડવિયાની નિયુક્તિ થાય તેવી શક્યતા છે.
મળતી માહિતી પ્રમાણે, ગાંધીનગર સચિવાલયમાં મુખ્ય જવાબદારી નિભાવતા અધિકારીઓ ઉપર વિજય રૂપાણીની મજબૂત પકડ રહી નથી. ધારાસભ્યો-સાંસદો અને ભાજપના નેતાઓનું કોઈ અધિકારીઓ માનતા નથી. જેને લઈને અનેક વાર જાહેરમાં વિરોધ અને નારાજગી પણ દેખાઈ છે. અમદાવાદમાં પણ તાજેતરમાં મેયર અને કોર્પોરેશન કમિશનર વચ્ચેનો ખટરાગ સામે આવતા રૂપાણીએ મધ્યસ્થી કરવી પડી હતી. આ તમામ બાબતોની પણ કેન્દ્રએ નોંધ લીધી હોવાનું જાણવા મળ્યું છે. સાથે જ રૂપાણીની સંગઠનમાં પણ કોઈ મજબૂત પકડ ન હોઈ તેમની કામગીરી વિરુદ્ધ વિરોધનો સુર ઉઠ્યો હતો. તેવામાં કોરોના મામલે થયેલી કાર્યવાહી પણ તેમની કાર્યશૈલીની ચાડી ખાતા સમગ્ર દેશમાં ગુજરાત કોરોનાના કેસોને લઈને બીજા નંબરનું રાજ્ય બનતા મોદી સહિત હાઇકમાન્ડની ટીમે તેની ગંભીરતાથી નોંધ લીધી હતી.
વડાપ્રધાન અને હાઇકમાન્ડ વિજય રૂપાણીની કામગીરીથી સંતુષ્ટ નથી જેને લઈને તેઓએ ગુજરાતમાં જ્યાં જ્યાં કેસો વધી રહ્યા છે તેને કાબુમાં લેવા માટે આઇએએસ અધિકારીઓની ફોજ ઉતારી દીધી છે. જેમને કોરોનાને કાબુમાં લેવા તમામ પ્રકારની સ્વતંત્રતા પણ આપી દેવામાં આવી હોવાની જાણકારી સૂત્રો પાસેથી મળી છે. આમ પણ આવા કેસોમાં ભાજપનું હાઇકમાન્ડ છેક સુધી કોઈને ખબર પડવા દેતું નથી, અને અંતે નિર્ણય સૌને ચોંકાવનારો જ હોય છે. જેથી હાલ ચાલી રહેલી ચર્ચામાં ઓચિંતો શું નિર્ણય લેવાશે તે આખરે ભાજપ હાઈકમાન્ડ જ જાણે. આનંદીબેન સમયે પણ છેક સુધી કોઈને અણસાર પણ નહોતો કે બેન જાય છે. તે સમયે પણ અચાનક જ ફેસબુક ઉપર આનંદીબેને રાજીનામુ ધર્યું અને સત્તા બદલાઈ ગઈ હતી. (સમાચારની અપડેટ મેળવવા માટે ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)
આગામી દસ દિવસ અમદાવાદ માટે મહત્વના, શહેરને બચાવવું પડશે : મેયર બીજલ પટેલ
આગામી દસ દિવસ અમદાવાદ માટે મહત્વના, શહેરને બચાવવું પડશે : મેયર બીજલ પટેલ
જુઓ અમદાવાદની તસ્વીરો : ભાગતું અમદાવાદ શાંત થયું, શહેરમાં પેરા મિલિટ્રી ફોર્સ તૈનાત
આગામી દસ દિવસ અમદાવાદ માટે મહત્વના, શહેરને બચાવવું પડશે : મેયર બીજલ પટેલ
આગામી દસ દિવસ અમદાવાદ માટે મહત્વના, શહેરને બચાવવું પડશે : મેયર બીજલ પટેલ