- ભાજપ કાર્યકર્તાઓના કોલકાતા પોલીસ સ્ટેશનન સામે વિરોધ ધરણાંના કારણે 3 હજાર જવાન તહેનાત
- ભાજપે બંગાળ હિંસામાં તેમના ચાર કાર્યકર્તાઓની હત્યાનો આરોપ તૃણમૂલ કોંગ્રેસ પર લગાવ્યો
Face Of Nation:પશ્ચિમ બંગાળમાં કાર્યકર્તાઓની હત્યાના વિરોધમાં ભાજપે બુધવારે કોલકાતાના લાલ બજારમાં આવેલા પોલીસ સ્ટેશનને ઘેરી લીધું હતું. આ દરમિયાન અમુક લોકોએ બેરેક તોડવાનો પ્રયત્ન કર્યો હતો અને તેને રોકવા પોલીસે ટીયરગેસના સેલ છોડ્યાં હતા તેમજ ટેન્કર દ્વારા પાણીનો મારો કર્યો હતો. બીજેપી કાર્યકર્તાના વિરોધ-પ્રદર્શનને ધ્યાનમાં રાખીને 3 હજારથી વધારે જવાન તહેનાત કરવામાં આવ્યા હતા. ભાજપના નેતા મુકુલ રોયનો આરોપ છે કે, 8 જૂન રાત્રે તૃણમૂલ સમર્થકોએ બશીરહાટમાં તેમના 4 કાર્યકર્તાઓની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.
ભાજપના એક કાર્યકર્તાએ કહ્યું- અમે કોઈ બેરિકેડ તોડ્યા નથી. અમે શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહ્યા હતા. બંગાળ પોલીસે ખોટી રીતે બળ પ્રયોગ કર્યો છે. મુખ્યમંત્રી મમતા બેનરજી અને કોલકાતાના પોલીસ કમિશ્નરે તેનો જવાબ આપવાનો રહેશે.
મમતાએ કહ્યું હતું- બંગાળને ગુજરાત બનાવવાનો પ્રયત્ન: મુખ્યમંત્રી મમતા બેનરજીએ મંગળવારે કહ્યું હતું કે, રાજ્યમાં ફેલાયેલી હિંસામાં તૃણમૂલના 8 અને ભાજપના 2 કાર્યકર્તાઓને મારવામાં આવ્યા છે. આ ખુબ દુખદ વાત છે. તેમણે કહ્યું કે, ભાજપ બંગાળને ગુજરાત બનાવવાનો પ્રયત્ન કરી રહી છે. હું જેલ જઈશ પણ આવું નહીં થવા દઉં. મમતાએ આ દિવસે જ કોલેજ સ્ટ્રીટ અને વિદ્યાસાગર કોલેજમાં ઈશ્વચંદ્ર વિદ્યાસાગરની પ્રતિમાનું પણ અનાવરણ કર્યું હતું.
ભાજપનો આરોપ- જયશ્રી રામ બોલવાથી થાય છે હત્યા: નોર્થ 24 પરગણા જિલ્લામાં સોમવારે થયેલા વિસ્ફોટમાં 2 લોકોના મોત થયા છે. જ્યારે ચાર લોકો ઘાયલ થયા હતા. બીજી બાજુ ભાજપે આરોપ લગાવ્યો છે કે, જયશ્રી રામના નારા લગાવવાથી તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓએ પાર્ટીના કાર્યકર્તાઓની ગળુ દબાવીને હત્યા કરી દીધી. જોકે પોલીસે હજી હત્યાના કારણ વિશે કશું કહ્યું નથી.