- બેઠકમાં પાર્ટીમાં થનારી સંગઠનની અને આ વર્ષે થનારી વિધાનસભા ચૂંટણી વિશે ચર્ચા વિચારણાં કરવામાં આવશે
- બીજેપી એક પદ પર એક જ વ્યક્તિની નીતિથી કામ કરતાં હોવાથી બીજેપી અધ્યક્ષ સહિત યુપી-બિહારના અધ્યક્ષ વિશે પણ ચર્ચા કરવામાં આવશે
Face Of Nation:લોકસભા ચૂંટણીમાં ઐતિહાસીક જીત મેળવીને સરકારનું ગઠન કર્યા પછી ભારતીય જનતા પાર્ટી તેમના આગામી મિશનમાં જોડાઈ ગઈ છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ આજે પાર્ટીના રાજકીય નેતાઓ સાથે બેઠક શરૂ કરી છે. આ બેઠકમાં પાર્ટીમાં થનારી સંગઠનની ચૂંટણી વિશે ચર્ચા વિચારણાં કરવામાં આવશે. આ બેઠકમાં દરેક રાજ્યોના પ્રમુખ, મહામંત્રી અને રાજ્ય પ્રભારી સામેલ થયા છે.
આ બેઠકમાં આગામી અધ્યક્ષ વિશે પણ ચર્ચા વિચારણાં કરવામાં આવશે. કારણકે અમિત શાહ હવે સરકારમાં ગૃહમંત્રી છે અને બીજેપી હંમેશા એક પદ પર એક જ વ્યક્તિની નીતિથી કામ કરે છે. હવે સવાલ એ છે કે, અમિત શાહ અધ્યક્ષ પદ છોડશે કે બંને પદ સાથે રાખશે?
તે ઉપરાંત ઉત્તર પ્રદેશ અને બિહારના અધ્યક્ષ પદ વિશે પણ ચર્ચા-વિચારણા થશે, કારણ કે યુપીના રાજ્ય અધ્યક્ષ મહેન્દ્ર નાથ પાંડે અને બિહારના નિત્યાંનદ રાય હવે મોદી કેબિનેટનો હિસ્સો છે. તેથી એક વ્યક્તિ એક પદનો નિયમ અહીં પણ લાગુ પડે છે.
નોંધનીય છે કે, 2019ની લોકસભા ચૂંટણીના કારણે ગયા વર્ષે સપ્ટેમ્બર 2018માં થનારી પાર્ટીની ચૂંટણી ટાળી દેવામાં આવી હતી. ત્યારે પાર્ટીએ નક્કી કર્યું હતું કે પદ પર રહેલા દરેક લોકો ચૂંટણી પરિણામ સુધી તેમનું કામ ચાલુ રાખશે. તે વિશે એક પ્રસ્તાવ પણ પસાર કરવામાં આવ્યો હતો.
સત્તામાં આવ્યા પછી બીજેપી તેના વિસ્તરણ તરફ આગળ વધી રહી છે. આ બેઠકમાં બીજેપીના સભ્યપદનું માળખું નક્કી કરવામા આવશે. સભ્યોનું માળખુ નક્કી થયા પછી જ દરેક રાજ્યોમાં ચૂંટણી સંગઠન થશે. તે માટે અમિત શાહે અલગથી 18 જૂને મહાસચિવની બેઠક બોલાવી હતી. તેમાં મહાસચિવોને સભ્યોનું માળખું તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવશે. તે સાથે જ આગામી રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકની તારીખ અને સ્થાન નક્કી કરવામાં આવશે.
બેઠકમાં આ વર્ષે થનારી વિધાનસભા ચૂંટણી વિશે પણ ચર્ચા-વિચારણાં કરવામાં આવશે. મહારાષ્ટ્ર, ઝારખંડ અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણી થવાની છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચૂંટણીના કારણે જ આ રાજ્યોમાં સંગઠન ચૂંટણી પણ ટાળવામાં આવી છે.