ફેસ ઓફ નેશન, 01-02-2021 : ઇતિહાસ સાક્ષી છે કે, ગમે તેવા તીસમારખાં નેતા આવ્યા અને પ્રજા પ્રેમી બન્યા છતાં સમય સમયે પરિવર્તન થયું અને થતું રહેશે તેમ કહેવામાં કોઈ બે મત કે અતિશયોક્તિ નથી. સરકાર ગમે તેની હોય, પરંતુ વાણી સ્વતંત્રતા ઉપર તરાપ મારવાનો કોઈને હક્ક નથી. મુંબઈ પોલીસે પત્રકાર અર્નબ ગોસ્વામી ઉપર ગુનો નોંધી ધરપકડ કરી ત્યારે પોતાને સંવેદનશીલ ગણાવતા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટવીટ કરીને પોલીસની અને મુંબઈ સરકારની કામગીરીની ટીકા કરી. જો કે, તેમણે શું કર્યું હતું તે તો ભૂલી જ ગયા. ગુજરાતમાં પત્રકાર ઉપર રાજદ્રોહ લગાવીને બીજા રાજ્યમાં પત્રકાર ઉપર કેસ થતા તેના સમર્થનમાં ઉતરીને વિજય રૂપાણી શું દેખાડવા માંગતા હતા તે સમજાયું નહીં.
પહેલા ગુજરાતમાં અને હવે ભારતમાં એવો માહોલ થઈ ગયો છે કે, પોતાના વિષે સારું બોલે એ મીડિયા હાઉસ સારા અને તટસ્થ બાકી સચ્ચાઈ અને નીડરતાથી જે સમાચારો રજૂ કરે તે વિરોધી અથવા કોંગ્રેસી, આવો એક માહોલ ભાજપ સરકારે સુનિયોજિત રીતે ઉભો કરી દીધો છે. આ માહોલ પાછળ ભાજપનું આઇટી ક્ષેત્ર મજબૂતાઈથી કામ કરે છે. જેને લઈને પ્રજા સતત ગેરમાર્ગે દોરાય છે.
જો કોઈ પોસ્ટ કે લખાણ સરકાર વિરુદ્ધ લખાય તો ઉપરથી આદેશ મળતાની સાથે જ પોલીસ અને જેની ઉપર “સરકારી” છાપ પડી ગઈ છે તે ક્રાઇમ બ્રાન્ચ ગણતરીની મિનિટોમાં તેમને ઝડપી પાડે છે. જો કે આજદિન સુધી ભાજપના આઇટી સેલ કે ગુપ્ત રીતે આઇટીનું કામ કરનારા અને વિવાદિત પોસ્ટો કરનારા ક્યારેય ઝડપાતા નથી. જો કાયદો સરખો હોય અને પોલીસ નિષ્પક્ષ હોય તો ભાજપના ઘણા નેતાઓ કે ભાજપના આઇટી સેલ કે જેઓ વિવાદિત પોસ્ટ કરે છે તેમની વિરુદ્ધ પણ ગુનો નોંધાવો જોઈએ.
ગુજરાતમાં ભાજપ સરકાર પ્રત્યે ભલે પ્રજાને પ્રેમ અને લાગણી હોય પરંતુ પડદા પાછળની હકીકતો ઘણી જુદી છે. જે પ્રજા સુધી પહોંચી શકતી નથી. મીડિયા સ્વતંત્ર રીતે તેની કામગીરી કરી શકતું નથી કે કોઈ વ્યક્તિને વાણી સ્વતંત્રતાના હકો મળતા નથી. ખેર ! આ બધી વાતો વિસ્તૃતમાં આગામી અહેવાલમાં કરીશું. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાને અને પોતાની સરકારને સંવેદનશીલ ગણાવે છે ત્યારે સ્વાભાવિક પ્રશ્ન થાય કે શું ખરેખર સંવેદનશીલ ગણવાને તેઓ લાયક છે ? જેના જવાબમાં અમે અંગતરીતે ના કહીશું. જો કે પત્રકારનો અંગત કોઈ મત હોતો નથી. તેના માટે તેની નીડરતા અને સત્યતા જ મહત્વની છે. જો કે આજે સરકારોની તાનાશાહીને કારણે પત્રકારોમાં નીડરતા અને સત્યતા ભાગ્યે જોવા મળે છે. જેને પરિણામે સરકારો પત્રકારોને દબાવવા અને ધમકાવવા હિંમતવાન બની ગઈ છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી કદાચ એ વાત ભૂલી ગયા કે, રાજ્યનો રાજા એટલો સક્ષમ હોવો જોઈએ કે, પોતાના માટે સારું અને ખરાબ બોલનાર કે પોતાની સરકારની કે કામગીરીની ટીકા કરનારને સહન કરી શકે. વિજય રૂપાણી એટલા સક્ષમ સાબિત ન થયા કે તેઓ મુખ્યમંત્રી પદેથી બદલાશે તેવો અહેવાલ પચાવી ન શક્યા. જો કે ફેસ ઓફ નેશને શક્યતા જ લખી હતી છતાં રૂપાણીને માઠું લાગી ગયું અને ફેસ ઓફ નેશનના માલિક ઉપર રાજદ્રોહ ઠોકી દીધો. કદાચ વિજય રૂપાણી સમયના પરિવર્તનમાં નહિ માનતા હોય, તેમને એવું હશે કે સરકાર આજીવન તેમની જ રહેવાની છે.
ફેસ ઓફ નેશન નીડરતાથી સમાચારો રજૂ કે કરતું રહ્યું છે અને કરતુ રહેશે. સરકાર રાજદ્રોહ લગાવે તેનાથી રાજદ્રોહી સાબિત થવાતું નથી. જો કે નીડર અને તટસ્થ પત્રકારોને આવા અનેક રાજદ્રોહ લાગે છતાં તેની અસર થતી નથી કે તેની કલમ પણ ડગતી નથી. ફેસ ઓફ નેશન હંમેશા પ્રજાના હિતમાં નીડરતાથી તટસ્થ સમાચારો રજૂ કરતું રહ્યું છે અને કરશે. ફેસ ઓફ નેશન સરકારનું કે ભાજપનું કે ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું વિરોધી નથી કે પ્રજાને ભડકાવવામાં પણ માનતું નથી કે અહેવાલો પણ એવા રજૂ કરતું નથી. છતાં સરકાર, મુખ્યમંત્રી એવું માનતા હોય કે, અમે વિરોધી લખીએ છીએ તો તે તેમનો પ્રશ્ન છે. મીડિયાની કે પ્રજાની વાણી સ્વતંત્રતા ઉપર તરાપ મારવાનો તેમનો કે કોઈ પણ પક્ષની સરકારનો અધિકાર નથી. (આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)