Home Uncategorized પ્રજા જે માંગે છે તે સરકાર આપે છે, અતિશયોક્તિ લોકશાહીના પતનનું નિમિત્ત...

પ્રજા જે માંગે છે તે સરકાર આપે છે, અતિશયોક્તિ લોકશાહીના પતનનું નિમિત્ત બને છે

ફેસ ઓફ નેશન, 18-03-2021 : ગુજરાતમાં ચૂંટણીના માહોલમાં જે કોરોના ભુલાઈ ગયો હતો તે કોરોનાએ આજે ફરી માથું ઉંચકી લીધું છે અને બેકાબુ બની ગયો છે. જે સમયે કડકાઈ દાખવવાની હતી તે સમયે ભાજપ સરકારે ચૂંટણી જીતવા માટે કોરોનાને અભેરાઈએ ચઢાવી દીધો, રસીની જાહેરાતો કરીને લોકોને કોરોના મુક્ત થયા હોવાનો અહેસાસ કરાવી દીધો. ચૂંટણી હતી ત્યાં સુધી ઉન્માદ અને ઉત્સાહમાં કોરોનાના કેસો બાબતે ગંભીરતા દાખવવામાં આવતી નહોતી અને જેવી ચૂંટણી પુરી થઇ તે બાદ કોરોનાએ માથું ઉંચકી લીધું અને આખરે ભોગવવાનું એ પ્રજાને આવ્યું કે જે ચૂંટણીમાં પોતાની તાનાશાહી કરતા નેતાઓને જવાબ ન આપી શકી.
ચૂંટણી જીત્યા બાદ રીતસર ભાજપ પક્ષ ઉન્માદમાં આવી ગયો અને મોટેરા સ્ટેડિયમના લોકાર્પણ, મેચ, દાંડી યાત્રા સહિતના કાર્યક્રમો એવા મોટાપાયે યોજ્યા કે જેમાં જંગી જનમેદની એકઠી થાય. સરકારને પ્રજા કરતા પોતાની વાહવાહીની અને પોતાના પ્રચાર પ્રસારની વધુ પડી હતી. પ્રજાએ પણ મોટેરા સ્ટેડિયમમાં પડાપડી કરી મૂકી અને અંતે એવો મેસેજ આપ્યો કે, પ્રજા જે માંગે છે તે જ સરકાર આપે છે, સરકારમાં બેઠેલા ભાજપના નેતાઓ પણ ક્યાંક ને ક્યાંક અતિશયોક્તિમાં લોકશાહીનું અને તેના મૂલ્યોના પતન તરફ જઈ રહી છે. મોટેરા સ્ટેડિયમ સહિતના જંગી મેદની એકઠી થાય તેવા કાર્યક્રમોથી પોતાનું અને પોતાના પરિવારજનોની સુરક્ષાનો વિચાર કરી પ્રજા જો દૂર રહી હોત તો સરકારની આંખો ચોક્કસ ખુલી હોત અને કોરોનાના કેસો કાબુમાં પણ લઇ શકાયા હોત પરંતુ પ્રજાએ પણ ઘણી ભૂલો કરી જેની ચુકવણી આજે કરવી પડી રહી છે.
ગુજરાતમાં કોરોનાના કેસોએ ફરીથી માથું ઊંચક્યું છે. રાત્રી કર્ફ્યુ થી લઈને શાળા કોલેજો અને બસો બંધ કરવાના નિર્ણયો લેવાઈ રહ્યા છે. લોકોના મનમાં ફરી એક વાર શંકા ઉઠી છે અને ચર્ચાઓ ઉઠી છે કે, આગામી સમયમાં લોકડાઉન થશે. સરકારને જે કાર્યક્રમો કરવા હતા તે ધામધૂમથી કરી લીધા. હવે કોરોનાના નામે પ્રજા ઉપર કડકાઈ દાખવવાનું શરૂ કરી દીધું છે. આ બધા વચ્ચે જયારે કેટલાક લોકો એમ કહે કે, સરકારના પગલાંઓ આવકાર દાયક છે ત્યારે હાસ્યાસ્પદ સ્થિતિ ઉભી થાય છે. જો કે મૂંગા મ્હોએ તમામ બાબતો સહન કરીને પ્રજા જ આવકાર આપતી થઇ જાય ત્યારે નેતાઓ કે સરકારનો કોઈ વાંક કાઢવો યોગ્ય ન કહેવાય કે કોઈ કોમેન્ટ કરવી પણ યોગ્ય ન કહેવાય. મીડિયા જો સચ્ચાઈ લખે તો તેને પણ કોંગ્રેસી કે ભાજપ વિરોધીનું પ્રમાણ આપતી પ્રજા પાસે શું અપેક્ષા રાખી શકાય કે શું કહી શકાય તે પણ એક વિચારવા જેવી બાબત છે. ખેર ! કોરોનાના કેસો કાબુમાં લેવા સરકાર પ્રજાનું હિત વિચારી અસરકારક કામગીરી કરે તેની તાતી જરૂરિયાત છે.
ઇતિહાસ સાક્ષી છે અને હિટલર જેવા નેતાઓ સાબિતી પુરે છે કે, પ્રજા દ્વારા રાજાને અપાતો અતિ પ્રેમ લોકશાહીનું અને પ્રજાના પતન તરફ ધકેલાય છે. જે દેશમાં વિરોધ પક્ષ મજબૂત ન હોય કે પ્રજાની સરકાર ઉપર પકડ ન હોય તે દેશમાં સરકાર ચલાવતા નેતાઓ જ સર્વોપરી બની જાય છે. સચ્ચાઈ લખતા પત્રકારોને દબાવવા પણ સરકાર હિંમતવાન થઇ ગઈ છે. પોતાને તાબે ન થનારા વિરુદ્ધ દે ઠોકાઠોક ખોટા કેસો કરીને હેરાન પરેશાન કરવામાં કોઈ કસર બાકી રાખવામાં આવતી નથી. ખેર ! સચ્ચાઈ લખવાની ફરજ છે અને એ અમે નિભાવીશું. અમે સરકારના વિરોધી નથી કે ભાજપના કોઈ મંત્રીઓ સાથે પણ વેરભાવ નથી પરંતુ સત્ય લખવું અમારી ફરજ છે. (આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)