Home Uncategorized સમગ્ર વિશ્વ રસીની શોધમાં હતું ત્યારે ભારતમાં વડાપ્રધાનના આદેશથી દીપ પ્રાગટ્ય અને...

સમગ્ર વિશ્વ રસીની શોધમાં હતું ત્યારે ભારતમાં વડાપ્રધાનના આદેશથી દીપ પ્રાગટ્ય અને ઢોલ-નગારા વાગ્યા છતાં કોરોના વકર્યો

ફેસ ઓફ નેશન, 07-04-2021 : કોરોનાએ હાહાકાર મચાવી દીધો. ચો તરફ વિશ્વના તમામ દેશો પોત પોતાની તાકાત લગાવીને આ રોગ સામે લડવા અને આ રોગને નાથવાના પ્રયાસમાં લાગી ગયા છે. આ એક મહામારીએ સમગ્ર વિશ્વને હંફાવી દીધું છે અને લોકોની જીવનશૈલી ઉપર સીધી અસર થઇ છે. આ રોગની શરૂઆતમાં વિશ્વના તમામ દેશોએ પોતપોતાની રીતે લોકડાઉન આપ્યા અને આ રોગને ફેલાતો અટકાવવા અથાગ પ્રયાસો કર્યા. સમગ્ર વિશ્વ રસીની શોધમાં હતું ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કહેવાથી ક્યારેક લોકો મીણબત્તી અને દીવડાઓ પ્રગટાવીને તો ક્યારેક ઢોલ નગારા વગાડીને કોરોનાને નાબૂદ કરવા લાગી ગયા હતા. વડાપ્રધાનની આ કેવી તરકીબ હતી કે આ કેવો વિચાર હતો તે સમજાયું નહીં પણ તેમના આદેશે આખો ભારત દેશ પણ દીવડાઓ અને ઢોલનગારા સાથે રસ્તે આવી ચઢ્યો હતો તે જોતા ખરેખર સવાલ થઇ જતો હતો કે શું કોરોના દીપના પ્રકાશથી આંધળો થઈને મરી જશે કે પછી ઢોલ નગારાના અવાજથી બહેરો થઈને મરી જશે. આ બધાનો કોઈ અર્થ નહોતો તેમ છતાં વડાપ્રધાનના આદેશને લઈને લોકોએ દીપ પ્રાગટ્યથી માંડીને ઢોલનગારાઓ વગાડ્યા જેનું પરિણામ આજે લોકોની સામે છે. ચિંતાજનક રીતે વધીઓ રહેલો કોરોના એ પ્રજાની જાગૃતતાને પછી પણ પહેલા નેતાઓના નિમ્ન કક્ષાના રાજકારણને આભારી છે તેમ કહેવામાં કોઈ બે મત નથી. ભાજપની આપખુદશાહી વધતી જઈ રહી છે. ભાજપના નેતાઓને કે પક્ષને જે કરવું હોય એ કરવાની છૂટ હોય છે. તેમના માટે ક્યારેય કોઈ કાયદાઓ કે સીમાઓ કે આપત્તિ નડતી નથી. આપત્તિને પણ અવસરમાં પલ્ટી નાખવાની રાજકીય કળા ભાજપ પાસે અનોખી છે. જો કોઈ સાચું બોલે કે લખે તો તેને તંત્રના જોરે દબાવી દેવાનો અથવા તો ભાજપના આઇટી સેલને કામે લગાડીને લખનાર કોંગ્રેસી કે દેશ વિરોધી હોવાનો પ્રચાર કરી દેવાનો એટલે ભાજપ દુધે ધોયેલું થઈ જાય.
શરમજનક બાબત છે કે નિમ્નકક્ષાના રાજકારણની કિંમત આજે આખો દેશ ચૂકવી રહ્યો છે. કોઈની પાસે હિંમત નથી કે સરકારને સવાલ કરી શકે કે, દેશને આવી પરિસ્થિતિમાં લઈ જવા પાછળ આખરે જવાબદાર કોણ ? નેતાઓએ પોતાના સ્વાર્થ સાધવા ચૂંટણીઓ યોજી, મેળાવળા કર્યા અને આખરે કેસો વધ્યા એટલે લોકડાઉન, કર્ફ્યુના નામે પ્રજાને ચાબુક મારવાના ચાલુ કર્યા અને એવું બતાવવા લાગ્યા કે અમને પ્રજાના જીવની પડી છે. ખરેખર પ્રજાના જીવની પરવા હોત તો મેળાવળા અને ચૂંટણીઓના નાટકો જ ન કર્યા હોત. સૌથી વધુ ભાજપના નેતાઓએ જ સરકારની કોરોના ગાઇડલાઇનનો ભંગ કર્યો છે છતાં ક્યાં પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો અને ક્યાં નેતા સામે કાર્યવાહી કરવામાં આવી. કોઈ નહીં. જો કે પ્રજા ઉપર અનેક કેસો ઠોકી દેવામાં આવ્યા. રાજકીય નેતાઓની ચાપલુસી અને વર્દી ગીરવે મૂકીને કાયદાની ઐસી કી તૈસી કરનારા અને પોતાની જાતને બાહોશ માનનારા સિંઘમના સ્ટેટસો મુકનારા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ પ્રજાને દંડેને દંડે ફટકારી, ગુનાઓ પણ નોંધ્યા. જો કે એકેય નેતા સામે ગુનો નોંધવાની કોઈએ હિંમત ન કરી. સાલું સવાલ અહીં થાય છે કે કાયદાના નામે પ્રજાને હેરાન કરવા નીકળી પડતા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓની બહાદુરી તે સમયે ક્યાં જતી રહે છે જયારે નેતાઓ કાયદાના ભંગ કરે છે અને ભોગવવું પ્રજાએ પડે છે.
ખેર ! આજે વધતા જતા કોરોનાની જવાબદારી કોણ સ્વીકારશે તેની વાત આવીને ઉભી છે. પ્રજા બિચારી બા[બાપડી બનીને રહી ગઈ છે અને નેતાઓ તેમને ઠીક લાગે તેમ જાહેરાતો અને કામગીરી કરી રહ્યા છે. ખરેખર આજની કોરોનાને લઈને દેશની અને ગુજરાતની સ્થિતિ જોઈને સવાલ ચોક્કસ થાય છે કે આ સ્થિતિ માટે જવાબદાર કોણ ? પ્રજા કે રાજા ? આ બંનેમાંથી એક જવાબદાર ચોક્કસ છે. પ્રજા જવાબદાર એટલે નથી કે તેણે રાજાના હુકમોનું પાલન કર્યું છે છતાં કેસો વધ્યા છે ત્યારે રાજાએ એવા કેવા હુકમો કર્યા કે જેની કોઈ અસર ન વર્તાઈ અને કોરોનો સતત વધતો રહ્યો. રાજા સામે સવાલ કરવાની કે અવાજ ઉઠાવવાની કોઈની હિંમત નથી એટલે પ્રજા પાસે મૂંગા મ્હોએ સહન કર્યા સિવાય કોઈ વિકલ્પ નથી. (આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)