Face Of Nation:ઈસરોએ ફરી એક વાર ચંદ્ર પર પોતાનું ઉપગ્રહ મોકલવા જઈ રહ્યું છે. આ ઉપગ્રહને 15 જુલાઈની સવારે 2.51 વાગ્યે આંધ્ર પ્રદેશના શ્રી હરિકોટાથી લોન્ચ કરવામાં આવશે. આ પહેલાં ઓક્ટોબર 2008માં ઈસરોએ ચંદ્રયાન-1 ઉપગ્રહને ચંદ્ર પર મોકલ્યો હતો. આ અભિયાન એટલાં માટે પણ ખાસ બની ગયું છે, કેમ કે આ પહેલું એવું અંતરગ્રહીય મિશન હશે, કે જેની કમાન બે મહિલાઓનાં હાથમાં છે. રિતૂ કરિધલ તેની મિશન ડાયરેક્ટર અને એમ. વનિતા પ્રોજેક્ટ ડાયરેક્ટર છે.
ઈસરોના અધ્યક્ષ ડો. કે સિવને ચંદ્રયાન-2ની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે, અમે મહિલાઓ અને પુરુષોમાં કોઈ અંતર રાખતા નથી. ઈસરોમાં અંદાજે 30 ટકા મહિલાઓ કામ કરે છે. આ પહેલી વાર નથી કે જ્યારે ઈસરોમાં મહિલાઓએ કોઈ મોટા અભિયાનમાં ભૂમિકા ભજવી હોય. આ પહેલાં મંગળ મિશનમાં પણ આઠ મહિલાઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી. તો આવો જાણીએ કોણ છે રિતૂ કરિધલ અને એમ. વનીતા.
રિતૂ રોકેટ વુમન ઓફ ઈન્ડિયાના નામથી ઓળખાય છે
ચંદ્રયાન-2ની મિશન ડાયરેક્ટર રિતૂ કરિધલને રોકેટ વુમન ઓફ ઈન્ડિયા પણ કહેવામાં આવે છે. તેઓ માર્સ ઓર્બિટર મિશનમાં ડેપ્યુટી ઓપરેશન ડાયરેક્ટર પણ રહી ચૂકી છે. કરિધલની પાસે એરોસ્પેસમાં એન્જિનિયરિંગની ડિગ્રી છે. તેઓ લખનઉ વિશ્વવિદ્યાલયમાંથી ગ્રેજ્યુએટ છે. વર્ષ 2007માં તેમને પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામ દ્વારા ઈસરો યંગ સાયન્ટિસ્ટ ઓવર્ડ પણ મળી ચૂક્યો છે. કરિધલ નાનપણથી જ વિજ્ઞાનમાં ખુબ જ દિલચસ્પી રાખતા હતા. તેઓ નાનપણમાં ચંદ્રનો આકાર વધવા અને ઘટવાને લઈ હેરાન થઈ જતા હતા. અને અંતરિક્ષના અંધારાની પેલે પારની દુનિયાને જાણવા માગતા હતા.
ફિઝિક્સ અને મેથ્સ રિતૂના ફેવરિટ વિષય છે. તે નાસા અને ઈસરો પ્રોજેક્ટ્સના પેપર કટિંગ સાથે રાખતા હતા. સ્પેસ સાઈન્સ સાથે સંકળાયેલી દરેક નાની વાત તેઓ સમજવાનો પ્રયાસ કરતા હતા. વિજ્ઞાન અને અંતરિક્ષને લઈ તેમનું આ ઝૂનૂન તેમને ઈસરો સુધી લઈ આવ્યું. તે કહે છે કે, પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી પૂરી થયા બાદ મેં ઈસરોમાં નોકરી માટે એપ્લાય કર્યું હતું. અને આ રીતે હું સ્પેસ સાયન્ટિસ્ટ બની શકી. તે લગભગ 20-21 વર્ષો સુધી ઈસરોના અનેક પ્રોજેક્ટમાં કામ કરી ચૂક્યા છે. તેમાં માર્સ ઓર્બિટર મિશન ખૂબ જ મહત્વપુર્ણ છે.
તેઓને એક પુત્ર અને એક પુત્રી છે. તે કહે છે કે, મા બન્યા બાદ તે ઘર રહીને પણ ઓફિસનું કામ કરતા હતા, અને ત્યારે તેમના પતિ બાળકોની દેખરેખ માટે તેમની મદદ કરતા હતા. જ્યારે તમારા પરિવારના સભ્યો તમારું ઝૂનુન અને મહેનચ જોવે છે, તો તે પણ તમારી સાથે જોડાય જાય છે.
પ્રોજેક્ટ ડાયરેક્ટર એમ. વનિતા
એમ. વનિતા ચંદ્રયાન-2માં પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે કામ કરે છે. વનિતાએ પાસે ડિઝાઈન એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલો છે. અને એસ્ટ્રોનોમિકલ સોસાઈટી ઓફ ઈન્ડિયાથી 2006માં બેસ્ટ વુમન સાયન્ટિસ્ટનો એવોર્ડ પણ મળેલો છે. તે ઘણાં વર્ષોથી સેટેલાઈટ પર કામ કરતાં આવ્યા છે. વનિતા આ પ્રોજેક્ટના તમામ પાસાઓ પર ઊંડાણપૂર્વક નજર રાખશે. પ્રોજેક્ટનું તમામ કામ તેમની દેખરેખમાં થશે.
શું છે ચંદ્રયાન-2 મિશન
ચંદ્રયાન-2 એક ખૂબ જ ખાસ ઉપગ્રહ છે. જેમાં એક ઓર્બિટર છે. એક વિક્રમ નામનું લેન્ડર છે. અને એક પ્રજ્ઞાન નામનું રોવર છે. પહેલી વખત ભારત ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિગ કરશે. જે સૌથી મુશ્કેલ કામ હોય છે. 3.8 ટન વજન ધરાવતાં ચંદ્રયાન-2ને જીએસએલવી માર્ક-થ્રી મારફતે સ્પેસમાં મોકલવામાં આવશે.