ફેસ ઓફ નેશન, 11-04-2021 : મુખ્યમંત્રી એટલે રાજ્યના રાજા. જેના માટે પ્રજાની સુખાકારી, સુરક્ષા અને શાંતિ પ્રાધાન્ય હોય છે અને તે જ તેનો લક્ષ્ય હોય છે. પરંતુ જયારે રાજા જ પ્રજાને આફતમાંથી બચાવવાની હિંમત નથી ધરાવતા કે રાજા જ એવા કાર્યો કરે કે જેનાથી પ્રજાની આફતમાં વધારો થાય ત્યારે તે રાજા રાજા કહેવડાવાને લાયક નથી રહેતા. સ્ટેડિયમના લોકાર્પણથી માંડીને ચૂંટણીના નામે એટલા તમાશા થયા કે આજે ગુજરાતની પ્રજા તેની કિંમત ચૂકવી રહી છે. સ્ટેડિયમ લોકાર્પણ અને ચૂંટણીમાં ભાજપે પોતાના સ્વાર્થ માટે એવું વાતાવરણ ઉભું કરી દીધું હતું કે જાણે કે કોરોના નાબૂદ થઇ ગયો. પ્રજા પણ સરકાર ઉપર વિશ્વાસ મૂકીને એવું માનવા લાગી હતી કે કોરોના હવે કાબુમાં આવી ગયો. પરંતુ આજે જે સ્થિતિ લોકોની સામે છે તે જોઈને ગુજરાતની તમામ જનતા સરકાર ઉપર રોષ વ્યક્ત કરી રહી છે. ગુજરાતની સ્થિતિ એટલી હદે બગડતી જઈ રહી છે કે, રાજ્યના વડા એટલે કે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પ્રશ્ન કરવાનું ચોક્કસથી મન થાય કે, વિજય રૂપાણી તમે સીએમને લાયક છો ?
આજે ગુજરાતની એવી સ્થિતિ છે કે, લોકો જિંદગી બચાવવા વલખા મારી રહ્યા છે. ઇન્જેક્શન મેળવવા લાંબી કતારોમાં લોકો ઉભા રહ્યા છે અને ભાજપના નેતાઓ ઇન્જેક્શનો મળશે તેવી જાહેરાતો કરીને આવા સમયે પણ પોતાની વાહવાહી મેળવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. પત્રકારો પણ સરકારના દબાણમાં આવી ગયા છે. સરકારને ન ગમે તેવું લખો એટલે સરકારી તંત્ર લખનાર વિરુદ્ધ હરકતમાં આવી જાય છે. ગુજરાતની સ્થિતિ જોઈને એક પત્રકાર તરીકે હવે એમ થાય છે કે, ગમે તે થાય ભોગવી લઈશું પણ સાચું નહીં લખીએ તો પરિસ્થિતિ વધુ ખરાબ બનશે અને નેતાઓ બેફામ બનશે. પ્રજા આજે લાચાર છે અને મદદ માટે પોકાર કરી રહી છે. સરકારના તમાશાનું પરિણામ આજે પ્રજા ભોગવી રહી છે. સરકારના એવા કોઈ અસરકારક પગલાં જણાતા નથી તો બીજી બાજુ સીએમ વીજય રૂપાણી પણ સીએમ તરીકેની ભૂમિકા નિભાવવામાં નિષ્ફ્ળ નીવડ્યા હોય તેમ લાગી રહ્યું છે. પત્રકારો જો કોઈ સવાલ કરે તો “મને ખબર નથી” કહીને છટકી જતા મુખ્યમંત્રી માટે શરમજનક કહેવાય કે તેમના રાજ્યમાં થતી જાહેરાત કે નિર્ણયો અંગેની તેમને ખબર ન હોય. લાચારી માણસને કોરોનાની સારવાર માટે રેમેડિસિવીર ઇન્જેક્શન માટે આમતેમ ભટકાવી રહી છે, મેડિકલ સ્ટોરોમાં ઉપલબ્ધ નથી, હોસ્પિટલોમાં સ્ટોક નથી અને ભાજપના કાર્યાલયે વેચાઈ રહ્યા છે. ખરેખર હવે હદ આવી રહી છે માનવતા મદદ ઝંખી રહી છે અને ભાજપના નેતાઓ જાહેરાતો કરીને વાહવાહી મેળવવામાં લાગી ગયા હોય તેવું લાગી રહ્યું છે. દરેક આફત એવી નથી હોતી જેને અવસરમાં જ પલટાવવી પડે.
રાજ્યમાં કઈ પણ થાય તો તેના જવાબદાર તરીકે પહેલા રાજા આવે છે. કેમ કે, મહત્વના તમામ નિર્ણયો તેમના દ્વારા જ લેવામાં આવે છે. અધિકારીઓ અને તંત્ર મુખ્યમંત્રીના આદેશથી જ કાર્ય કરે છે. જો ન કરતું હોય તો રાજાનો પાવર નથી હોતો તેમ માનવામાં આવે છે. વિજય રૂપાણીની ભાજપ સરકાર કે પોલીસ દ્વારા રાજદ્રોહ કરવામાં આવે તો અમારે પ્રજા માટે લખવાનું બંધ નથી કરી દેવાનું. આજે પ્રજા એ હદે આવી ગઈ છે કે, લાચાર બની ગઈ છે. કઠણ હ્ર્દયના માનવીનું પણ હૈયું કંપાવી નાખે તેવા દ્રશ્યો અનેક જગ્યાએ ઉભા થઇ રહ્યા છે. આ પરિસ્થિતિ માટે શું જવાબદાર છે ? આખા ભારત દેશને ખબર છે કે, સ્ટેડિયમના લોકાર્પણ અને ચૂંટણીના તમાશા વિજય રૂપાણીની ભાજપ સરકારે એ રીતે કર્યા કે જાણે કોરોના જતો રહ્યો અને એની સામેની જંગ વિજય રૂપાણીના નેતૃત્વમાં ગુજરાતે જીતી લીધી. સત્તાએ બેઠેલા વ્યક્તિ માટે પ્રજાના આરોગ્ય અને પ્રજાની સુરક્ષા પ્રાથમિકતા છે.
ગુજરાતની તમામ જનતા વિજય રૂપાણીને માત્ર રીબીન કાપનારા અને ઉદ્બઘાટનો કરનારા રબર સ્ટેમ્પ મુખ્યમંત્રી તરીકે ઓળખતી થઇ ગઈ છે. જે તેમના ખુદ માટે શરમજનક છે. પ્રજાને તેના રાજ્યના રાજા ઉપર વિશ્વાસ નથી કે તે જે નિર્ણય લેશે તે અમારી સુરક્ષા માટે જ હશે.
સરકારને અમારો આ અહેવાલ ગમે એના માટે નથી. અમે સરકારની આ અહેવાલ થકી નિંદા કરવાની પણ માનસિકતા નથી ધરાવતા કે એવા કોઈ પ્રયાસો પણ નથી કરતા કે, સરકાર ઉથલાવી નાખીએ કે પ્રજાને ભડકાવીએ. સરકારને અમારા અહેવાલથી હજુ વધુ એક રાજદ્રોહ કરવો હોય તો કરી શકે છે પણ પત્રકારત્વ ધર્મ અમે નિભાવીશું અને સચ્ચાઈ લખીશું. કેમ કે કોઈ પણ ભોગે સાચું લખવું એ અમારૂ કર્તવ્ય છે અને અમારી વિરુદ્ધ તમારે જે કાર્યવાહી કરવી હોય એ કરવી એ તમારો વિષય છે. ખેર ! રાજદ્રોહ કરવામાં જેટલું ધ્યાન રાખ્યું એટલું પ્રજાની સુરક્ષા માટે પણ આજે રાખે તે ગુજરાતના સીએમ, તંત્ર અને પોલીસ માટે અત્યન્ત જરૂરી છે. (આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)