Home News 400 રેમેડિસિવીરની બાતમી મળતા રેડ કરનારી ક્રાઇમબ્રાન્ચ ભાજપ જાહેરમાં 5000નો જથ્થો વેચવા...

400 રેમેડિસિવીરની બાતમી મળતા રેડ કરનારી ક્રાઇમબ્રાન્ચ ભાજપ જાહેરમાં 5000નો જથ્થો વેચવા નીકળ્યું ત્યારે ક્યાં હતી ?

ફેસ ઓફ નેશન, 12-04-2021 : ક્રાઇમબ્રાન્ચ અને પોલીસ ખાતામાં હવે ખાખીને સમર્પિત રહીને કાયદાના હીતમાં કામ કરનારા અધિકારીઓ ગણ્યા ગાંઠ્યા રહ્યા છે. જો કે તેઓનો પણ કોઈ વાંક નથી. કેમ કે રાજકીય આકાઓની સૂચનાથી તેઓ કામ ન કરે તો તેમની બદલી થઇ જાય અથવા તો એવી જગ્યાએ મૂકી દેવામાં આવે કે જ્યાં સજાના ભાગરૂપે મુકાયા હોય તેવું કહેવાય. રાજકીય ઈશારે ખોટા ગુનાઓ નોંધવા, લોકોને દમ મારવા પકડીને લઈ આવવા અને સરકાર વિરુદ્ધ બોલનારાઓને કે લખનારાઓને પકડી લાવીને કાયદાના નામે ધમકાવીને દાદાગીરી કરવી એ કામ હવે ક્રાઇમબ્રાન્ચ કરી રહી છે.
કહેવાય છે કે, ક્રાઇમબ્રાન્ચમાં રહેલા મોટાભાગના અધિકારીઓ રાજકીય નેતાઓની ભલામણથી મુકવામાં આવતા હોય છે. સત્તા સ્થાને રહેલા દિગ્ગ્જ નેતાઓની નજીક રહેલા અધિકારીઓને ક્રાઇમબ્રાન્ચ અથવા તો ક્રીમ પોસ્ટિંગ આપવામાં આવે છે. ગુજરાતમાં રેમેડિસીવરની અછત સર્જાઈ છે. લોકો પોતાના સગાવ્હાલાઓને કોરોનાથી બચાવવા માટે ઊંચી કિંમતો ચૂકવીને પણ બ્લેકમાં આ ઇન્જેક્શન લેવા તૈયાર થયા છે. લાઈનોમાં કલાકો સુધી ઉભા રહે છે છતાં સ્ટોક મળતો નથી તેવામાં ભાજપના નેતાઓ હજારોની સંખ્યામાં પોતાના વિસ્તારોમાં આવા સમયે પણ પોતાની વાહવાહી મેળવવા વેચવા મેદાને ઉતર્યા છે. છતાં આવા લોકો પોલીસ કે કાયદાની નજરે ચઢતા નથી અને તેમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી પણ થતી નથી તે ખુબ જ શરમજનક બાબત છે.
ગુજરાત રાજ્યના ડીજીપી આશિષ ભાટિયાએ પોલીસ તંત્રને ઇન્જેક્શનનાં કાળાં બજાર કરનારા લોકો સામે ફરિયાદ દાખલ કરી પગલાં લેવાનો આદેશ કર્યો છે, જેના પગલે પોલીસ હરકતમાં આવી છે. અગાઉ વડોદરામાં બે ફાર્મા કંપની સામે કાર્યવાહી કરાઈ હતી ત્યારબાદ આજે વધુ એક વાર અમદાવાદના ગોતામાં આવેલી એક ફાર્મ કંપનીમાં રેડ કરી હોવાના અહેવાલો બહાર આવ્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ગોતામાં આવેલી ધ્રુવી ફાર્માસ્યુટિકલમાં રવિવારે રાત્રે રેડ પાડી હતી, જેમાં 400 જેટલા ઇન્જેક્શનનો જથ્થો મળી આવ્યો હતો. જોકે આ બાબતે હજુ પોલીસે સત્તાવાર કોઈ માહિતી આપી નથી. ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ નિખિલ બ્રહ્મભટ્ટ અને સ્ટાફે ગોતામાં રેડ કરી હતી, જ્યાં ગેરકાયદે જણાતા 400 જેટલા ઇન્જેક્શન રખાયા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આ અંગે ક્રાઇમ બ્રાન્ચના એસીપી ડી. પી. ચુડાસમાએ જણાવ્યું કે, હાલના તબક્કે તપાસ ચાલી રહી છે. જો કે અહીં પ્રશ્ન થાય કે, ભાજપના પ્રદેશ પ્રમુખે જાહેર કર્યું ત્યારે આ પોલીસ ક્યાં હતી ? ભાજપના પ્રદેશ પ્રમુખ હતા એટલે શું એ કાયદેસરનો જથ્થો વેચી રહ્યા હતા ? તેમની પાસે મેડિકલનું લાઇસન્સ હતું ? અનેક સવાલો છે કે જેની તપાસ થવી જોઈએ તેમ છતાં પોલીસ આ મામલે ક્યારેય તપાસમાં નહીં ઉતરે કેમ કે તે ભાજપના પ્રદેશ પ્રમુખ છે ? (આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)