ફેસ ઓફ નેશન, 12-04-2021 : આવતીકાલથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થાય છે. તેવામાં ગુજરાતના મોટાભાગના યાત્રાધામોએ મંદિરો દર્શન માટે બંધ કરવાની જાહેરાત કરી દીધી છે. યાત્રાધામ એ એક એવું સ્થાન છે જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સમગ્ર રાજ્યમાંથી ઉમટી પડે છે. આ એક આસ્થાનો વિષય છે. પરંતુ બીજી બાજુ ગુજરાત મેડિકલ કટોકટીના આરે આવીને ઉભું છે. ચિંતાજનક રીતે કોરોનાના કેસો સતત વધતા જઈ રહ્યા છે. હાઇકોર્ટે પણ આ બાબતની ગંભીરતાથી નોંધ લઈ ચિંતા વ્યક્ત કરી છે. તેવામાં અંબાજી મંદિર ભક્તો માટે ખુલ્લું રાખવામાં આવ્યું છે. ચૈત્રી નવરાત્રીમાં દર વર્ષે મોટી માત્રામાં લોકો દર્શનાર્થે આવે છે તેમ છતાં મંદિરના સત્તાધીશોએ હજુ સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય લીધો નથી. જે એક ખુબ જ શરમજનક બાબત કહી શકાય તેમ છે. બનાસકાંઠાના કલેકટર આનંદ પટેલ મંદિરના ચેરમેન છે.
શ્રદ્ધાનો વિષય મહત્વનો છે પરંતુ સાથે એ વાત પણ મહત્વની છે કે, જયારે મેડિકલ આપત્તિ આવે કે જેનાથી એક કરતા વધુ લોકો ભેગા થતા હોય તેવા સ્થળોને બંધ કરવાની ફરજ પડે તો બંધ કરવા જરૂરી બની જાય છે. ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આવતીકાલે એટલે કે મંગળવારે ઘટસ્થાપનનો કાર્યક્રમ યોજાશે. આ દરમ્યાન ભક્તો દર્શનાર્થે ઉમટી પડશે. ચૈત્રી નવરાત્રીનો સમય હોવા છતાં હજુ સુધી મંદિર ટ્રસ્ટે મંદિર બંધ રાખવાનો નિણર્ય લીધો નથી.
આ બાબતે ફેસ ઓફ નેશન દ્વારા અંબાજી મંદિરના વહીવટદાર એસ.જે.ચાવડાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ચાવડાએ જણાવ્યું હતું કે, મંદિર બંધ કરવાનો હજુ સુધી કોઈ નિણર્ય લેવામાં આવ્યો નથી. આવતીકાલે મંદિર ભક્તો માટે દર્શનાર્થે ચાલુ જ રહેશે. અંબાજીમાં કેસો નહિવત હોવાનો પણ લૂલો બચાવ તેમણે કર્યો હતો. જો કે તેઓ એટલું નથી જાણતા કે, અંબાજીમાં આવતા લોકો જુદા જુદા શહેરોમાંથી આવે છે અને તેવા લોકો અહીંથી એકબીજાના સંપર્કમાં આવીને તેમના વિસ્તારમાં અન્યોના સમ્પર્કમાં આવે છે અને પરિણામે કોરોના ફેલાય છે.
અધિકારીઓની આવી બેદરકારીથી જ કેસો વધે છે. કેસો વધ્યા બાદ આવા અધિકારીઓ દોડતા થઈ જાય છે અને વિલાયેલું મોઢું કરીને લમણે હાથ દઈને બેસી જાય છે. જો કે શરૂઆતમાં સાવધાની વર્તે તો મોટી આપત્તિ અટકાવી શકાય છે. પરંતુ જે ભૂલ નેતાઓએ કરી તે જ ભૂલ ભણેલા અધિકારીઓ કરે ત્યારે તો તેમની આવડત ઉપર પ્રશ્ન થાય છે કેમ કે આખરે સર્વે કર્તાહર્તા અને નિર્ણયાત્મક તેઓ જ હોય છે. ખેર ! આશા રાખીએ કે, અંબાજીત ટ્રસ્ટ તાકીદે કોઈ યોગ્ય નિર્ણય લેશે. (આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)
રાજસત્તા કોઈ આપત્તિને પહોંચી વળવા અસમર્થ જણાય તો પ્રજાએ પ્રજાધર્મ નિભાવવા આગળ આવવું જોઈએ