ફેસ ઓફ નેશન, 15-04-2021 : કોરોનાએ સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું છે. આ મહામારીનો સામનો કરવા વિશ્વના તમામ દેશો આકરા પાણીએ છે. તમામ દેશની સરકારો પોતપોતાના અથાગ એવા પ્રયાસો કરી રહી છે કે જેનાથી કોરોના ઉપર કાબુ મેળવવામાં આવે અને આ રોગમાંથી તેના દેશવાસીઓને બચાવી લેવામાં આવે. ગુજરાતમાં આજે ઉંધી સ્થિતિ છે. ગુજરાતની સરકારની જ કેટલીક ગંભીર બેદરકારીને કારણે આજે માણસ ચોધાર આંસુએ રડી રહ્યો છે અને મદદ ઝંખી રહ્યો છે. લાચાર બનેલો માનવી આજે સત્તાએ કરેલી કેટલીક ભૂલ ગંભીર રીતે ભોગવી રહ્યો છે. રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે અને સ્મશાને ટ્રાફિક જામ થયો હોય તેવા દ્રશ્યો ખડા થયા છે જે હ્ર્દય કંપાવી નાખે તેવા છે.
સત્તા પોતાની જવાબદારી નિભાવવામાં નિષ્ફ્ળ નીવડી છે. કોરોનાના કાળા પ્રકોપે રસ્તાઓ સુમસામ બની ગયા છે. લોકો ચિંતાતુર અને ડરના માર્યા કોરોનાગ્રસ્ત પોતાના પરિવારજનોની સારવાર માટે આમતેમ ભટકી રહ્યા છે, રઝળી રહ્યા છે, કગરી રહ્યા છે કે અમારા પરિવારજનોને બચાવી લો. હોસ્પિટલે બેઠેલા ડોક્ટર નામના ભગવાનને પણ તમામ દર્દીઓને બચાવી લેવા છે પરંતુ તેની પાસે બેડ, ઓક્સિજન અને વેન્ટિલેટરની અછત છે. અનેક એવા કિસ્સાઓ બન્યા છે કે, જે સારવાર માટે તડપ્યા છે અને અંતે મોતને ભેટ્યા છે. અત્યન્ત કપરી પરિસ્થિતિનો સામનો આજે ગુજરાતના લોકો કરી રહ્યા છે. ક્યારેય ન જોયેલી હોનારત આજે કઠણ હ્ર્દયના માનવીને પણ હચમચાવી નાખે તેવા દ્રશ્યો દેખાડી કરી રહી છે.
રીતિરિવાજ કોરાણે મૂકી દેવામાં આવ્યા છે. મૃત્યુ પછીની મોકાણ પણ બંધ થઇ ગઈ છે અને સ્મશાને ટ્રાફિક જામ થઇ ગયો છે. મૃતકોને અગ્નિદાહ આપવા પણ વેઇટિંગમાં નામ લખાવવું પડે છે. કેટલીક જગ્યાએ તો મૃતકને ચાર કાંધ આપનાર પણ કોઈ નથી. માનવી એ કદીયે ન કલ્પેલી સ્થિતિ આજે નજરે જોઈ રહ્યો છે છતાં કશું કરી શકે તેમ નથી. સગાવ્હાલા અને પોતાના નજર સામે સારવાર માટે તડપી રહ્યા છે. હોસ્પિટલો પાસે પૂરતા બેડ, ઓક્સિજન કે વેન્ટિલેટર નથી જેથી સારવાર કરવી શક્ય નથી જેને પરિણામે દર્દીઓ દમ તોડી રહ્યા છે. ખરેખર ભયાનક સ્થિતિની સામે માણસ લડી રહ્યો છે.
પ્રજાજનોએ ધીરજ રાખીને શક્ય તેટલો સમય ઘરની ચાર દીવાલો વચ્ચે વિતાવવો વધુ હિતાવહ બન્યો છે. પોતાને અને પોતાના પરિવારજનોને બચાવવા માટે લોકોએ કાળજી રખવાની જરૂરિયાત છે. ડર રાખ્યા વિના ઘરેલુ આયુર્વેદિક ઉપચારો થકી તંદુરસ્ત અને સ્વસ્થ રહેવું જરૂરી છે. ઘરના વડીલો અને નાના બાળકો ખાસ કાળજી રાખે તેનું ધ્યાન રાખો. આ મહામારીમાંથી બચવા માટે હવે માનવસેવા અને માણસાઈ સિવાય બીજું કઈ કામ આવે તેમ નથી. સરકાર ઉપર વિશ્વાસ અને ભરોસો રાખવા કરતા પોતાનાથી શક્ય એટલા તમામ પ્રયાસો કરવામાં આવે કે પોતે અને પોતાની આસપાસના લોકો આ રોગની ઝપટે ન ચઢે. હવે જરૂર છે ભગવાનની હયાતીના પુરાવાની. આ કાળમાંથી અમને બચાવી લે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)
રાજસત્તા કોઈ આપત્તિને પહોંચી વળવા અસમર્થ જણાય તો પ્રજાએ પ્રજાધર્મ નિભાવવા આગળ આવવું જોઈએ