Face Of Nation, 21-04-2021 : મર્યાદા પુરષોત્તમ રામની નહીં અત્યારે પ્રજાને દવા અને ઇન્જેક્શન સાથે ઓક્સિજનની જરૂર છે. વડાપ્રધાન દેશને સંબોધવાના છેના મેસેજ આવતાની સાથે જ દેશની મોટાભાગની જનતા ટીવી સામે ગોઠવાઈ ગઈ હતી. લોકોને આશા હતી કે વડાપ્રધાન કોરોનાની મહામારી અંગે એવી કોઈ વાત કરશે કે જેને લઈને લોકોમાં રાહત થશે અથવા તો લોકડાઉનની જાહેરાત કરવામાં આવશે કે જેનાથી આ રોગને ફેલાતો અટકાવવા તેની ચેઇન તોડી શકાય. અનેક ધારણાઓ બાદ લોકોએ વડાપ્રધાનને સાંભળ્યા પછી સોશિયલ સાઇટ્સ ઉપર વડાપ્રધાનના ભાષણ ઉપર અનેક ટિપ્પણી કરતી રમૂજો મૂકી હતી. લોકોએ વડાપ્રધાનના આ ભાષણનો સાર હવે પ્રજા રામભરોસે છે તેવો કાઢ્યો છે.
“રાષ્ટ્જોગ સંદેશનો સાર, પોતપોતાનું કરી લો, સરકાર કાંઈ કરી શકતી નથી, સૌ રામ ભરોસે” આવી અનેક વાતો સોશીયલ મીડિયામાં રમૂજ સ્થાને વાયરલ થઈ છે. કોરોનાને નાથવામાં કેન્દ્ર સરકાર અસરકારક કામગીરી કરવામાં નિષ્ફ્ળ નીવડી છે. સરકારનું ધ્યાન બંગાળની ચૂંટણીમાં રહ્યું જેને પરિણામે મોટાભાગના નેતાઓ બંગાળના મેદાને ચૂંટણીનો જંગ જીતવા ઉતરી પડ્યા છે. કેન્દ્રની ભાજપ સરકાર માટે કોરોના કરતા બંગાળનો ચૂંટણી જંગ જીતવો વધુ જરૂરી છે. પ્રજાના સ્વાસ્થ્ય કરતા સત્તા મહત્વની બને છે ત્યારે તેવા નેતાઓ પ્રજા માટે ક્યારેય તારણહાર સાબિત થતા નથી આ એક નગ્ન સત્ય છે.
જે લોકો મોદીની વાહવાહી કરતા હતા તેવા લોકો આજે મોદીને ભાંડતા થઇ ગયા છે, આવા લોકો આજે મોદી શાસનને લઈને પસ્તાળ પાડી રહ્યા છે. સરકાર પોતાની ભૂમિકા ભજવવામાં નિષ્ફ્ળ નીવડી છે. મોદીને સ્ટેડિયમના ઉદ્બઘાટનો અને ચૂંટણીઓ કરવી હોય છે ત્યારે જનમેદની જોઈએ છે પણ આ જનમેદનીમાં કોરોના એટલો વકરે છે કે તે જીવલેણ બની જાય છે. વડાપ્રધાનને થ્રિ લેયરથી પણ વધુની સુરક્ષા, કાળજી અને સિક્યોરિટી મળે છે. પ્રજાને જરૂરિયાત સમયે વલખા માર્યા સિવાય કઈ મળતું નથી.
લોકો આ રોગથી મૃત્યુ પામી રહ્યા છે, સમયસર સારવાર મળતી નથી તેવામાં વડાપ્રધાને આજે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, અગાઉ વૈશ્વિક મહામારી સામે લડવા માટે આપણી પાસે મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ન હતું. પર્યાપ્ત લેબ ન હતી. PPEનો વિકલ્પ ન હતો. બિમારીની સારવાર માટે જાણકારી ન હતી. પણ ખૂબ જ ઓછા સમયમાં આપણે આ બાબતમાં સુધારો કર્યો છે. આજે આપણા ડોક્ટરોએ કોરોનામાં નિપૂર્ણતા હાંસલ કરી લીધી છે. તેઓ કોરોનાની સારવાર કરવા ઉપરાંત દર્દીઓના જીવનને પણ બચાવી રહ્યા છે.
પ્રધાનમંત્રી આ અગાઉ 7 વખત દેશને સંબોધિત કરી ચુક્યા છે
પ્રથમઃ 19 માર્ચ-29 મિનિટ ભાષણ, જનતા કર્ફ્યૂની અપીલ
બીજુઃ 24 માર્ચ-29 મિનિટનું ભાષણ 21 દિવસના લોકડાઉનની જાહેરાત
ત્રીજુઃ 3 એપ્રિલ- 12 મિનિટ વીડિયો સંદેશ, 9 મિનિટ લાઈટ બંધ કરવાની અપીલ
ચોથુઃ 14 એપ્રિલ-25 મિનિટનું ભાષણ, દેશમાં 3 મે સુધી લોકડાઉન વધારવામાં આવ્યુ
પાંચમુંઃ 12 મે-33 મિનિટનું ભાષણ, આત્મનિર્ભર ભારત અભિયાન માટે 20 લાખ કરોડ રૂપિયાનું પેકેજ
છઠ્ઠુઃ 30 જૂન- 17 મિનિટનું ભાષણ, અન્ન યોજના નવેમ્બર સુધી વધારવાની જાહેરાત
સાતમુઃ 20 ઓક્ટોબર-બિહારમાં વોટિંગથી 8 દિવસ અગાઉ તેમણે અપીલ કરી-જ્યાં સુધી કોરોનાની દવા ન શોધાય ત્યાં સુધી કોઈ નરમ વલણ નહીં. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)