https://youtu.be/QlSspkzgRAo
Face Of Nation, 25-04-2021 : ગુજરાતમાં કોરોના તાંડવ કરી રહ્યો છે. લોકો સારવાર માટે તડપી રહ્યા છે, તરસી રહ્યા છે, રીતસર કગરી રહ્યા છે છતાં સારવારના અભાવે અંતે મોતને ભેટી રહ્યા છે. સરકારની કામગીરીની ચારે તરફ ટીકાઓ થઇ રહી છે. થોડા સમય અગાઉ વિજય રૂપાણીએ આપેલો એક ઇન્ટરવ્યૂ આજે સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયો છે. લોકો આ વીડિયોની હાસ્યાસ્પદ રીતે મજા લઇ રહ્યા છે. આ વીડિયોમાં રૂપાણી જે રીતે ડંફાસ મારી રહ્યા છે તે સાંભળતા જ લોકોને સ્વાભાવિક એમ બોલવાનું મન થઇ જાય કે, સાહેબ ! શાંતિ રાખો, સાવ આમ દે ઠોક ન હોય. જો તમે આ વીડિયોમાં સાચી વાતો જ કહી રહ્યા છો અને ગુજરાતની જનતા આગળ ડંફાસ નથી મારી રહ્યા તો પછી ગુજરાતની સ્થિતિ કેમ આજે ખરાબ છે ? જવાબદાર તમે છો અને તમારી સરકારના અધિકારો પણ. કેમ કે, સ્ટેડિયમના ઉદ્ઘાટનો અને ચૂંટણી વેળાએ કોરોનાના કેસો ઘટી ગયા હોવાનું ચિત્ર ઉભું કર્યું અને પ્રજાએ પણ કોરોના સામે જીત મેળવી હોય તેમ સરકારના આંકડાઓ ઉપર ભરોસો રાખીને બેખૌફ બની ગઈ હતી. જેને કારણે કોરોના વકર્યો અને એવો વકર્યો કે તેને કાબુમાં લેવા હવે શું કરવું તે એક મોટો પ્રશ્ન થઇ ગયો. કેટલાય લોકો ઓક્સિજન અને સારવારના અભાવે મૃત્યુ પામી રહ્યા છે. જે સરકાર માટે અને જવાબદાર અધિકારીઓ માટે ખુબ જ શરમજનક બાબત છે.
કોરોનાની બીજી લહેર યુવાઓ માટે વધુ ઘાતક સાબિત થઈ છે. બીજી લહેરમાં 21થી 40 વર્ષની ઉંમરના 40 ટકા યુવા સંક્રમિત થયા છે. પહેલી લહેરમાં આ આંકડો 31 ટકા હતો. મૃત્યુના કિસ્સા પણ યુવાઓમાં નોંધાઇ રહ્યા છે. હાલમાં જે દર્દીઓ પોઝિટિવ આવે છે તેમાંથી અંદાજે 50 થી 60 ટકા દર્દીઓ યંગ છે જેમાંથી અડધોઅડધ દર્દીઓ ઓકિસજન કે વેન્ટિલેટર પર સારવાર લેવી પડે છે. આનો અર્થ એ થયો કે, યુવાઓમાં ફિટનેસ વધુ હોવા છતાં તેમને ચેપ લાગે છે અને તેમના શરીરમાં પણ વાઈરલ લોડ ઉંમરલાયક વ્યકિતના શરીરમાં ફેલાય છે તેટલી જ ગતિએ અને તેવી જ રીતે ડેમેજ કરે છે.
ચૂંટણી પછી કોરોનાના કેસ વધી રહ્યા હતા ત્યારે પણ તંત્રએ અગોતરું કશું જ આયોજન કર્યું ન હતું. ફેબ્રુઆરીના અંત બાદ જ્યારે કોરોનાના કેસ એકદમથી વધ્યા ત્યારે દોડાદોડી કરી પણ ત્યાં સુધીમાં સ્થિતિ બગડી ચૂકી હતી. નધણિયાત તંત્ર અને નપાણિયા નેતાઓને કારણે ગુજરાતની સ્થિતિ આજે બદતર થઇ રહી છે. લોકો હોસ્પિટલ માટે દોડી રહ્યા છે પણ બેડ ન મળતા નાછૂટકે ઘરે સારવાર કરવા મજબૂર થયા છે. આવા દર્દીઓ માટે ઓક્સિજન લેવા તેમના પરિવારજનો કે મિત્રો કતારોમાં ઊભા રહે છે પણ હવે કતારો બાદ પણ ઓક્સિજન ન મળતા હોમ આઈસોલેશનમાં રહેલા મજબૂર દર્દીઓ મોતને ભેટી રહ્યા છે તેવું ભયાવહ ચિત્ર સામે આવ્યું છે.
વાતોના વડા કરવા કરતા વિજય રૂપાણીએ દિવસે દિવસે બગડતી જતી સ્થિતિને સુધારવા માટે વિચારો કર્યા હોત તો આજે ગુજરાતની આ સ્થિતિ ન હોત તેમ કહેવામાં કોઈ બે મત નથી. ગુજરાતની પ્રજા તો ઠીક હવે સમજુ બાળકો પણ કહી રહ્યા છે અને માની રહ્યા છે કે, વિજય રૂપાણી મુખ્યમંત્રી તરીકે ચાલે જ નહીં છતાં ભાજપ તેમને સહન કરી રહ્યું છે તે એક મોટી વાત છે. ખેર ! અમે પત્રકારત્વ ધર્મ નિભાવી રહ્યા છે. વિજય રૂપાણી અમારા દુશમન નથી કે અમારે તેમને મુખ્યમંત્રી પદેથી હટાવવા પ્રજાને ભડકાવવાના ઈરાદાથી સમાચારો લખવાનો આશય પણ નથી. પરંતુ સત્ય લખવાનો અમારી ફરજ છે જે અદા કરી રહ્યા છીએ. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)