Face Of Nation, 26-04-2021 : ગુજરાતમાં કોરોનાની સારવારના અભાવે અનેક લોકો મૃત્યુ પામી રહ્યા છે. ઓક્સિજન, બેડ અને વેન્ટિલેટરની અછતના કારણે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે, હોસ્પિટલોમાં જગ્યા મળતી નથી. તંત્ર સતત એવી બુમરાણ મચાવી રહ્યું છે કે, શહેરની અને રાજ્યોની મોટાભાગની તમામ હોસ્પિટલો હાઉસફૂલ છે. તેવામાં સરકારી અધિકારીઓના સગાઓ અને મંત્રીઓને કે મંત્રીઓના સગાઓને તાત્કાલિક બેડ મળી જાય તે એક વિચારવા લાયક બાબત છે. બીજી બાજુ 108ના અણઘડ આયોજનના કારણે પણ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
અમદાવાદની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં અધિકારીઓ અને નેતાઓ માટે કેટલાક બેડ રિઝર્વ રાખવામાં આવ્યા હોવાની અનેક વાતોએ વેગ પકડ્યો છે. જેના પુરાવાના ભાગરૂપે જાહેર કહી શકાય તેવા બે કિસ્સા તાજેતરમાં બનેલા છે. એક છે ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલનો અને બીજો છે માજી ડેપ્યુ. મેયર પ્રમોદાબેન સુતરિયાના પરિવારનો. આ બંને કેસોમાં સામ્યતા એ છે કે, આ બંને લોકો કોઈ સરકારી એમ્બ્યુલન્સ કે કોઈ 108માં ગયા ન હોવા છતાં સારવાર માટે તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં તેમને બેડ મળી ગયો. આ બંને કિસ્સા કદાચ એ વાતની સાક્ષી પુરે છે કે, સરકારી હોસ્પિટલો અને ખાનગી હોસ્પિટલો નેતાઓ અને સરકારી અધિકારીઓ તથા તેમના સગા વ્હાલા માટે કેટલાક બેડ રિઝર્વ રાખે છે પરંતુ હોસ્પિટલના ગેટ ઉપર સારવારના અભાવે મૃત્યુ પામતા લોકોને બચાવી શકતા નથી. આ બે કિસ્સાઓ તો જાહેર છે પરંતુ એવા પણ ઘણા કેસો છે કે જે મંત્રીઓ અને અધિકારીઓના સગા વ્હાલા હોવાથી કે તેમની ભલામણથી તાત્કાલિક બેડ સુધી પહોંચીને સારવાર મેળવી શક્યા છે. આ એક ગંભીર બાબત ચોક્કસ છે કેમ કે આજે વાત કોઈ એક વ્યક્તિના સ્વાસ્થ્ય પૂરતી સીમિત નથી. આજે વાત છે સમગ્ર ગુજરાતવાસીઓનાં સ્વાસ્થ્યની. તેવામાં આ પ્રકારે થતી કામગીરી કદાપિ યોગ્ય નથી. તંત્ર ભલે સુરક્ષાના કારણો દેખાડીને કદાચ વીઆઈપી કે નેતાઓ કે અધિકારીઓના સારવાર માટે બેડ અલાયદા રાખે પણ તેને જાહેર કરવાની હિંમત પણ રાખવી જોઈએ. પ્રજાના પૈસે તાગડધિન્ના અને સુવિધાઓ ભોગવનારા નેતાઓ માટે ઉપલબ્ધ થતી તમામ સુવિધાઓ વિષે જાણવાનો પ્રજાને અધિકાર છે.
ગુજરાત આપત્તિમાં છે ત્યારે અધિકારીઓ તેમની મનમાનીથી નિર્ણયો લઇ રહ્યા છે. કેટલાય અધિકારીઓ એવા છે કે જે શાસકોને ગાંઠતા પણ નથી કેમ કે, આ જ શાસકોએ તેમનો ભરપૂર ઉપયોગ કર્યો છે.
હોસ્પિટલમાં જગ્યા ના હોવાને કારણે અનેક લોકો ઘરે સારવાર મેળવી રહ્યા છે. જેને કારણે ઇન્જેક્શન, ઓક્સિજન , હોસ્પિટલમાં બેડ સહિતની મદદ માટે સોશિયલ મીડિયામાં અનેક લોકોના નામ અને નંબર મૂકવામાં આવે છે,જેનો સંપર્ક કરવામાં આવે ત્યારે મોટા ભાગના હેલ્પલાઇન નંબર સ્વીચ ઓફ, ફોન ના ઉપાડવા અથવા રોંગ નંબર હોય તેવી પણ બુમરાણ મચી છે. ગુજરાતમાં છેલ્લા બે મહિનાથી કોરોના બેકાબૂ બની ગયો છે. તેમાં પણ 15 દિવસથી તો ઘરે ઘરે કોરોના હોય એવી સ્થિતિ ઉભી થઈ ગઈ છે. જેને પગલે લોકો બેડ, ઈન્જેક્શન, દવા, ઓક્સિમીટર, ઓક્સિજન વિના તડપી રહ્યા છે. કોરોનાએ આજે 5 લાખ કેસનો આંક વટાવી દીધો છે. પહેલા વેવમાં પહેલા 1 લાખ કેસ થતા 168 દિવસ લાગ્યા હતા. જ્યારે બીજા વેવમાં છેલ્લા 1 લાખ કેસ માત્ર 8 દિવસમાં નોંધાયા છે. જેના પરથી બીજું વેવ કેવું ઘાતક સાબિત થઈ રહ્યું છે તેનો અંદાજ આવી શકે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)
Home Uncategorized અમદાવાદની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં નેતાઓ અને અધિકારીઓ માટે કેટલાક બેડ રિઝર્વ...