Home News પ્રજાની સ્વંય શિસ્ત અને શાસકના કડક નિર્ણયને કારણે મહારાષ્ટ્રમાં સતત ઘટી રહ્યા...

પ્રજાની સ્વંય શિસ્ત અને શાસકના કડક નિર્ણયને કારણે મહારાષ્ટ્રમાં સતત ઘટી રહ્યા છે કોરોનાના કેસો, જુઓ આંકડા

Face Of Nation, 27-04-2021 : પ્રજાની સ્વંય શિસ્ત અને શાસકના કડક નિર્ણયના કારણે આજે મહારાષ્ટ્રમાં કોરોનાના કેસો સતત ઘટી રહ્યા છે. દિવસે દિવસે ઘટતા આ આંકડાઓ પાછળ કડક લોકડાઉનએ મહત્વની ભૂમિકા ભજવી છે. સમગ્ર ભારતમાં કોરોનાના સૌથી વધુ કેસો મુંબઈમાં નોંધાયા છે જેને લઈને સરકારે કડક લોકડાઉન કરવાનો નિર્ણય લીધો. આ નિર્ણયને આવકાર આપી પ્રજા પણ સ્વંય શિસ્તના ભાગરૂપે અપનાવીને પાલન કરી રહી છે. જેની સીધી અસર છેલ્લા પંદરેક દિવસથી જોવા મળી રહી છે.
મુંબઈ રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે હવે 18 વર્ષથી ઉપરના લોકોને કોરોનાની વેક્સિન મફત આપવામાં આવશે, જ્યારે મુંબઇમાં નવા દર્દીઓની સંખ્યામાં છેલ્લા એક અઠવાડિયાથી સતત ઘટાડો થઈ રહ્યો છે. ચિંતાની વાત એ છે કે રાજ્યમાં નવા સંક્રમિત લોકોની સંખ્યા હાલ 60,000ની ઉપર છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 66,191 નવા કેસ મળી આવ્યા છે. આ દરમિયાન 61,450 લોકો સાજા થયા અને 832નાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં અત્યારસુધીમાં 42 લાખ 95 હજાર 27 લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમાંથી 35 લાખ 30 હજાર 60 લોકો સાજા થયા છે, જ્યારે 64,760 લોકોનાં મોત નીપજ્યાં છે. હાલમાં મહારાષ્ટ્રમાં 6,98,354 (લગભગ 7 લાખ) દર્દી સારવાર લઈ રહ્યા છે. આ પ્રમાણે મહારાષ્ટ્ર વિશ્વનું ચોથું એવું સ્થાન બન્યું છે, જ્યાં સૌથી વધુ એક્ટિવ દર્દીઓ છે. મહારાષ્ટ્ર કરતાં વધારે એક્ટિવ દર્દીઓ અમેરિકા, બ્રાઝિલ અને ફ્રાન્સમાં છે. જો કે લોકડાઉન બાદ મહારાષ્ટ્રમાં કેસો સતત ઘટી રહ્યા છે.
શાસક માટે પ્રજાનું હિત સર્વોપરી હોય છે. પ્રજાના હિત અને આરોગ્યની કાળજી માટે શાસકે ગમે તેવા આકરા નિર્ણયો લેવા પડે તે લેવા જરૂરી હોય છે. ખાસ કરીને આપત્તિ વેળાએ શાસકે પ્રજાધર્મ નિભાવવાની અને કડક નિર્ણયો લઈને પ્રજાને ગમે તે ભોગે આફતમાંથી ઉગારવાનો જ તેનો લક્ષયાંક હોવો જોઈએ પરંતુ ખુરશી અને સત્તા બચાવવાની લ્હાયમાં શાસકો હવે કડક નિર્ણયો લેતા ખચકાઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. (તસ્વીર પ્રતીકાત્મક છે)

જુઓ આંકડાઓ :
4 એપ્રિલ: 11163
7 એપ્રિલ : 10428
9 એપ્રિલ : 9200
11 એપ્રિલ : 9000
13 એપ્રિલ : 7898
15 એપ્રિલ : 8217
16 એપ્રિલ : 8839
18 એપ્રિલ : 8400
19 એપ્રિલ : 7381
20 એપ્રિલ : 7214
21 એપ્રિલ : 7684
22 એપ્રિલ : 7410
23 એપ્રિલ : 7221
24 એપ્રિલ : 5888
25 એપ્રિલ : 5542
26 એપ્રિલ : 3,876