- વાવાઝોડું વિખેરાયા બાદ નૈઋત્યનું ચોમાસુ આગળ વધશે
- 17 જૂનની રાત્રે જામનગરની દરિયાપટ્ટી અને કચ્છની વચ્ચેથી નીકળી વિખેરાશે
Face Of Nation:રાજકોટ:સૌરાષ્ટ્ર પરથી વાયુનો ખતરો ટળી ગયો છે. પરંતુ, વાવાઝોડું હજુ પણ પોરબંદરથી 200 કિલોમીટર દૂર દરિયામાં સ્થિર થયું છે. હવામાન વિભાગના અધિકારીઓ કહી રહ્યા છે કે, 48 કલાક જેટલો સમય દરિયામાં ઘૂમરાયા બાદ વાયુ જામનગર નજીક વાડીનાર અને કચ્છ તરફ ધીમીગતિએ આગળ વધશે અને 17મી જૂનની રાત્રિ બાદ જમીન પર આવશે. આ સમયે અંદાજે 50થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. વાયુની અસર સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોને પણ થશે અને આગામી ચાર દિવસ સુધી અહિંયા પણ વરસાદ પડતો રહેશે. આ સાથે આજે રાજકોટમાં વહેલી સવારથી જ વાદળછાયુ વાતાવરણ છવાયું છે.
80થી 90 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો
હવામાન વિભાગના સૂત્રોએ વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, વાયુની તીવ્રતા ઓછી થઈ ગઈ છે. હાલ 50 નોટ એટલે કે 80થી 90 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. જેમ જેમ સમય વિતતો જશે તેમ તેમ વાયુનું જોર ઓછું થતું જશે. 17 જૂનની રાત સુધીમાં કચ્છની ખાડી પાસેથી પસાર થશે અને આગળ જઈને વિખેરાઈ જશે. ત્રણ દિવસ પહેલાં 12મી જૂને વાયુ અત્યંત શક્તિશાળી બન્યું ત્યારે ભેજ શોષી લીધો હતો આથી નૈઋત્યનું ચોમાસુ 15થી 25 દિવસ મોડું થવાની શકયતા ઊભી થઈ હતી. હવે 17મી જૂન સુધીમાં વાયુ જામનગર અને કચ્છના દરિયા વિસ્તારમાં ત્રાટકીને વિખેરાઈ જવાનું છે ત્યારે 18મી જૂન બાદ નવી સિસ્ટમ બન્યા બાદ નૈઋત્યનું ચોમાસું આગળ ધપશે.
ચાર દિવસ સુધી વરસાદી માહોલ રહેશે
હાલના તબક્કે પોરબંદરથી 200 કિલોમીટર સ્થિર થયેલા વાયુના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના શહેરોમાં ચાર દિવસ સુધી વરસાદી માહોલ રહેશે અને 1થી 5 ઈંચ સુધીનો વરસાદ પડતો રહેશે.વાવાઝોડું સંપૂર્ણપણે વિખેરાઈ ગયા બાદ ચોમાસું દૂર જવાના જે ચિંતાના વાદળો ઘેરાયા છે તે પણ દૂર થશે. એટલે 18મી જૂન સુધીમાં શું થાય છે તેના પર હવામાન વિભાગના અધિકારીઓની નજર છે.
ભારે પવનના કારણે મકાન ધરાશાયી થયું
તાલાલાનાં પીંખોર ગામે ભારે વરસાદ અને પવનના કારણે ખેડૂતનું વાડી વિસ્તારમાં આવેલું મકાન ધરાશાયી થયું હતું. જેમાં ખેડૂત ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.