Home News ચેતી જજો… કર્ણાટક અને ગુજરાત બાદ હવે મુંબઈમાં ઓમિક્રોનની એન્ટ્રી

ચેતી જજો… કર્ણાટક અને ગુજરાત બાદ હવે મુંબઈમાં ઓમિક્રોનની એન્ટ્રી

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં પણ કોરોના વાયરસના ઓમિક્રોન વેરિએન્ટની એન્ટ્રી થઈ ગઈ છે. વિદેશથી મુંબઈની પાસે કલ્યાણ ડોબિવલી વિસ્તારમાં આવેલ એક વ્યક્તિમાં ઓમિક્રોન વેરિએન્ટની પુષ્ટિ થઈ છે. આ વાતની જાણકારી મહારાષ્ટ્ર સ્વાસ્થ્ય વિભાગના ડાયરેક્ટરે આપી છે. મહત્વનું છે કે આ પહેલા શનિવારે ગુજરાતમાં પણ એક ઓમિક્રોન વેરિએન્ટનો કેસ સામે આવ્યો છે. આ પહેલા કર્ણાટકમાં બે કેસ નોંધાયા હતા. આમ અત્યાર સુધી દેશમાં ઓમિક્રોનનો કુલ ચાર કેસ સામે આવી ચુક્યા છે.

ઓમિક્રોનથી સંક્રમિત થનારા વ્યક્તિની ઉંમર 33 વર્ષ છે અને તે હાલમાં દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યો છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વેરિએન્ટનો આ પ્રથમ કેસ છે, જ્યારે દેશમાં અત્યાર સુધી કુલ ચાર કેસ સામે આવ્યા છે. જેમાં સૌથી પહેલા બે કેસ કર્ણાટક અને પછી એક કેસ ગુજરાત અને હવે મહારાષ્ટ્રમાં કેસ સામે આવ્યો છે.

આખરે ઓમિક્રોન વાયરસે ગુજરાતમાં એન્ટ્રી કરી લીધી છે. જીવલેણ વાયરસની ગુજરાતમાં એન્ટ્રીથી આરોગ્ય વિભાગ દોડતુ થઈ ગયુ છે. ઓમિક્રોનનો વેરિયન્ટ ગુજરાતમાં એક્ટિવેટ થતા જ જામનગરના દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટાઈન કરવાની કામગીરી હાથ ધરાઈ છે. જામનગરનો શખ્સ ઝિમ્બાબ્વેથી પરત ફર્યો હતો. મોરકડાં ગામના વ્યક્તિની ટ્રાવેલ હિસ્ટ્રી આફ્રિકાથી આવ્યો હોવાનું જાણવા મળતા જ તેને તાત્કાલિક આઇસોલેટ કરવામાં આવ્યો હતો. આઇસોલેટ કરાયેલ પુરુષને ઓમિક્રોનનો વાયરસ છે કે નહીં તે માટે આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા હતા અને સેમ્પલ પુણેની લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા. રિપોર્ટ ન આવે ત્યાં સુધી આફ્રિકાથી આવેલ વ્યક્તિને આઇસોલેટ રાખવામાં આવ્યો હતો. પણ હવે તેમાં ઓમિક્રોન મળી આવતા આરોગ્ય વિભાગમાં પણ ફફડાટ ફેલાયો છે.