આકાશ વિજયવર્ગીયએ બેટ વડે અધિકારીઓને ઢોર માર માર્યો હતો
આવા લોકોનું સ્વાગત કરનારાઓને પણ પાર્ટીમાંથી બહાર કરી દેવા જોઈએઃમોદી
મોદીના કહ્યાં બાદ શું આકાશ વિજયવર્ગીયને પાર્ટીમાંથી કાઢી મૂકવામાં આવશે?
Face Of Nation: ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયના બેટકાંડ બાદ ભારતીય જનતા પાર્ટીના કેટલાંક નેતાઓના રંગ દેખાવા લાગ્યા છે. 26 જૂને ઈન્દોરના ધારાસભ્ય અને ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયના (કુ)પુત્ર આકાશે ઈન્દોર નિગમના કેટલાંક અધિકારીઓને બેટથી માર માર્યો હતો. જે મુદ્દે રહિ રહિને પણ વડાપ્રધાન મોદીએ રોષ વ્યક્ત કર્યો છે અને આવા નેતાઓ વિરૂદ્ધ કડક કાર્યવાહીની હિમાયત કરી છે. દિલ્હીમાં ભાજપની સંસદીય દળની બેઠકમાં પીએમ મોદીએ બેટિંગબાજ આકાશ વિજયવર્ગીય પર સખત વલણ બતાવ્યું છે. તેમને નામ લીધા વિના જ કહ્યું કે, કોઈનો પણ દીકરો હોય, તેની આવી કરતૂત ચલાવી લેવામાં નહીં આવે, જે લોકોએ સ્વાગત કર્યું છે. તેમને પાર્ટીમાં રહેવાનો કોઈ અધિકાર નથી, દરેકને પાર્ટીમાંથી તગેડી મૂકવામાં આવે
જામીન પર છૂટ્યાં બાદ પણ આકાશના સમર્થકોએ જાણે તે કોઈ જંગ જીતીને આવ્યો હોય તેમ જેલમાંથી બહાર આવતાંની સાથે જ તેનું ફુલહારથી સ્વાગત કર્યું હતું. ભાજપના મહાસચિવ અને આકાશના પિતા કૈલાશ વિજયવર્ગીયને પણ દીકરાની કરતૂત દેખાઈ ન હતી અને દીકરાને બે શબ્દ કહેવાને બદલે અધિકારીઓને કાચા ખેલાડી ગણાવ્યા હતા અને ભવિષ્યમાં તેઓ આવી ભૂલ નહીં કરે તેમ જણાવ્યું હતું. આરોપી ધારાસભ્ય આકાશે પણ જામીનમાંથી છૂટ્યા બાદ અફસોસ વ્યકત કરવાને બદલે ધમકી આપતો હોય તેવી ભાષામાં કહ્યું હતું કે ભગવાન ભવિષ્યમાં બીજી વખત બેટિંગ કરવાની તક ન આપે. હકિકતમાં સત્તાના કેફમાં રાચતાં ભાજપના કેટલાંક નેતાઓની આ જ હકિકત છે. ત્યારે આવા નેતાઓના કાન આમળવાની જરૂર છે. ઘટનાના એક સપ્તાહ બાદ પીએમ મોદીએ મૌન તોડ્યું છે અને આવા નેતાઓ વિરૂદ્ધ કડક વલણ અપનાવ્યું છે. મોદીએ કહ્યું કે આવા લોકોને પાર્ટીમાં રહેવાનો કોઈ અધિકાર નથી, આ લોકોને તાત્કાલિક પાર્ટીમાંથી તગેડી મૂકવા જોઈએ. આ ઉપરાંત જે લોકો આકાશની આ કરતૂત બાદ તેમનું સમર્થન કરી રહ્યા હતા તેવા લોકો પણ પાર્ટીમાં રહેવા લાયક નથી. મોદીએ ખરેખર આ ઘટના પર રોષ વ્યક્ત કર્યો છે કે વિપક્ષને કંઈ કહેવાની તક ન મળે તે માટે આ મુદ્દે બોલ્યાં છે તે તો તેઓ જ જાણે. પણ સવાલ એવો થાય કે શું મોદીનો પડ્યો બોલ ઝીલનારાં આ મુદ્દે આકાશ વિજયવર્ગીયને પાર્ટીમાંથી બહારનો રસ્તો બતાવશે?
આકાશે નિગમકર્મી સાથે બેટથી મારઝુડ કરી હતીઃ 26 જૂને નિગમ અધિકારી ધીરેન્દ્ર બાયસ ટીમ સાથે જર્જરિત મકાનને તોડી પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન આકાશ ત્યાં આવ્યા અને ટીમને કોઈ પણ કાર્યવાહી કર્યા વિના ત્યાંથી પરત ફરવા માટે કહ્યું હતું. પરંતુ અધિકારીઓએ કાર્યવાહી ચાલુ રાખી અને આકાશે બેટથી અધિકારીને માર માર્યો હતો. શુક્રવારે બાયસની તબિયત બગડવાના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
26 જૂનથી ઈન્દોર જેલમાં બંધ હતા આકાશઃ અધિકારીઓએ મારઝુડના કેસમાં આકાશનની 26 જૂને પોલીસે ધરપકડ કરી હતી. કોર્ટે તેમને 11 જૂલાઈ સુધી કસ્ટડીમાં ઈન્દોર મોકલી દીધા હતા. જેના બીજા દિવસે તેમને સત્ર કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. અહીંથી કેસ એસસી/એસટી કોર્ટમાં ટ્રાન્સફર કરી દેવાયો હતો. ગુરુવારે એસસી/ એસટી કોર્ટે અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ આકાશના વકીલે ભોપાલ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.