Face Of Nation 14-02-2025 : અદાણીના કારનામા અંગે વિશ્વ સ્તરે લોકો પ્રશ્નો કરી રહ્યા છે. તાજેતરમાં મોદીના અમેરિકી પ્રવાસ દરમ્યાન એક પ્રેસ કોન્ફ્રન્સમાં પત્રકારે પૂછેલા સવાલના જવાબમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શરમજનક સ્થિતિમાં મુકાવવું પડ્યું હતું. જો કે, મોદી શાસનમાં જ જેનો મહેરબાનીથી ઉદભવ થયો છે તેવા અદાણીને કશું પણ કહી શકવાની સ્થિતિમાં નરેન્દ્ર મોદી કે ભાજપ નથી કેમ કે, ભાજપના શાસન બાદ અદાણીના શાસનની શરૂઆત થઇ છે. આ વાત જગજાહેર છે. અદાણી એ કોઈ વારસાગત પેઢી કે મહેનતથી ઉભી થયેલી કંપની નથી. બીજી બાજુ ભારતનો પ્રતિષ્ઠિત કે જેને રાષ્ટ્રપતિ ટ્રમ્પના શપથ સમારોહમાં સ્થાન મળ્યું તેવા અંબાણી પરિવાર છે. અંબાણીની રિલાયન્સ કંપનીની શરૂઆત ધીરુભાઈ અંબાણીએ કરી હતી અને આ કંપની ધીરુભાઈની અથાગ મહેનત અને પરિશ્રમ બાદ ઉભી થયેલી છે, નહીં કે કોઈ મહેરબાનીથી. હવે, મહેનત અને મહેરબાનીથી ઉભા થયેલા લોકોમાં ફર્ક હોય જ તે વાત નકારી કાઢવા જેવી પણ નથી. મોદી હંમેશા કોઈ બાબત આવે તો ભારતવાસીઓના નામે ચઢવી દે છે તો હવે શું અદાણી અંગેનો સવાલ થાય ત્યારે તે ભારતીયો માટે શરમજનક ન કહેવાય ?
પીએમ મોદીને તેમની અમેરિકા મુલાકાત દરમિયાન પત્રકારે પૂછ્યું હતું કે શું રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથેની મુલાકાતમાં ગૌતમ અદાણીના કેસ પર કોઈ ચર્ચા થઈ હતી. જેના જવાબમાં પીએમએ કહ્યું કે “અમારી વચ્ચે આવી કોઈ અંગત બાબતો પર વાતચીત થઈ નથી. બીજી વાત એ છે કે આવી અંગત બાબતો માટે બંને દેશોના વડાઓ ન તો મળે છે, ન બેસે છે, અને ન તો વાત કરે છે.” મોદીના હાવભાવ પોતે શરમજનક સ્થિતિમાં મુકાઈ ગયા હોય તેવા સ્પષ્ટ વર્તાઈ રહ્યા હતા. તેમના ચહેરા ઉપરથી સ્પષ્ટ દેખાઈ આવતું હતું કે તેઓને આ સવાલ આંતરરાષ્ટ્રીય સ્તરે અસર કરી ગયો છે અને શરમજનક સ્થિતિમાં મુકાવવું પડ્યું છે. જો કે મોદીએ જ ઉભા કરેલા ગૌતમ અદાણી અને તેમની કંપનીના કારનામા આજે તેમને જ સામે સવાલ બનીને પાછા આવી રહ્યા છે. આવા સવાલ ભારતમાં કોઈ પત્રકાર પૂછી શકે તેવી પરિસ્થિતિ જ નથી પણ ભારતમાં જો કોઈ પત્રકાર આવો સવાલ પૂછે તો તેને ઘણું ભોગવવાનો વારો આવે તે વાતમાં કોઈ બે મત નથી. નરેન્દ્ર મોદી એક ગભરુ નેતા છે તેમની તાકાત નથી કે તેઓ જાહેરમાં પ્રેસ કોન્ફ્રન્સ કરીને સવાલ જવાબ કરી શકે. જો કે તેમની નીતિઓ અને નિયમો ફક્ત ભારતમાં ચાલે વિદેશમાં થોડી ચાલે ? વિદેશમાં તો મોદીએ દરેક સવાલોના જવાબોનો સામનો કરવો પડે તેમાં કોઈ બે મત નથી.
જો અદાણીના ઉદ્દભવથી લઈને અત્યાર સુધીની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો અદાણીએ ભાજપનું મોટું કૌભાંડ જાહેર થાય તેમ કહેવામાં કોઈ બે મત નથી. પરંતુ ભાજપની સત્તા છે ત્યાં સુધી અદાણીનો કોઈ વાળ વાંકો કરી શકે તેમ નથી. અદાણીની કંપનીની આડમાં ભાજપનું મોટું નાણાકીય ભંડોળ રહેલું હોવાના પણ અનેક આક્ષેપો થયા છે. પરંતુ આ તમામ આક્ષેપો અંગે આજદિન સુધી ભાજપના નેતાઓ ક્યારેય કશું બોલી શક્યા નથી કે જવાબ આપી શક્યા નથી. હવે આ સવાલો દિવસે દિવસે આંતરરાષ્ટ્રીય બની રહ્યા છે જે આવનાર દિવસોમાં મોદી માટે માથાના દુખાવા સમાન બની જશે તેમ કહેવામાં કોઈ નવાઈ નહીં. ભારત સાથેના સંબંધો અને વ્યાપારની વાત અંગે ટ્રમ્પે એક બિઝનેસમેન તરીકે ભારતની વ્યાપાર નીતિ પર ના માત્ર ટિપ્પણી કરી પરંતુ કડક નિર્ણયો પણ લીધા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુકમાં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).