Face Of Nation, 23-09-2021 : ગુજરાતીમાં કહેવત છે કે, છીંડે ચડે એ ચોર. ચોરી કરો એ ગુનો નથી પણ પકડાઈ જાઓ ત્યારે ગુનેગાર બની જાઓ. ખેર ! અત્યારે વાત કરીએ દેશના સૌથી મોટા અને ખુબ ચર્ચિત એવા મુન્દ્રા ડ્રગ્સકાંડની. ગુજરાતના મુન્દ્રા પોર્ટ ઉપરથી બે કન્ટેનર ભરીને ડ્રગ્સ પકડાયું છે. જો કે આ ડ્રગ્સની બજાર કિંમત તો હજુ સુધી સત્તાવાર રીતે નક્કી થઇ શકી નથી પરંતુ સૌથી મોટો સવાલ એ થાય છે કે અદાણીની દેખરેખ હેઠળ રહેલા મુન્દ્રા પોર્ટમાંથી અત્યારસુધી કેટલા ડ્રગ્સના કન્ટેનર ઘુસાડવામાં આવ્યા હશે ?
દેશમાં ડ્રગ્સનો સૌથી મોટો જથ્થો પકડાવાના કેસમાં ડીઆરઆઈની એક ટીમે દિલ્હીથી બે અફઘાની નાગરિક સહિત ત્રણ લોકોની અટકાયત કરી છે. જો કે આ સમગ્ર મામલે મુંદ્રા પોર્ટ જેની દેખરેખ હેઠળ છે એ અદાણી ઉપર પણ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. અદાણી હાલ આ મામલે નેશનલ સિક્યોરિટીનો મામલો હોઈ ડીઆરઆઈ અને એનસીબીની જવાબદારી છે તેમ કહીને હાથ અધ્ધર કરી રહ્યું છે તે કેટલું યોગ્ય છે તે પણ એક પ્રશ્ન છે. સામાન્ય દારૂનો જથ્થો કે બોટલો પકડાય ત્યારે પોલીસ જે સ્થળેથી દારૂ પકડાયો હોય તે સ્થળને પણ સીલ કરી સ્થળ માલિક વિરુદ્ધ ગુનો નોંધે છે ત્યારે આ તો નેશનલ સિક્યોરિટીનો મામલો છે અને તેમાં અદાણી વિરુદ્ધ કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન થાય કે કોઈ પૂછતાછ ન થાય તે એક મોટો સવાલ પણ છે.
દારૂનો જથ્થો પકડાતા કે કોઈ હાઈફાઈ ગુનો નોંધાતા ગુજરાત રાજ્યના ડીજીપી કે ગૃહમંત્રી પ્રેસ કોન્ફરન્સ કરતા હોય તો આટલા મોટા મામલે કેમ હજુ સુધી કોઈ પણ જવાબદાર નેતા કે અધિકારીઓએ નિવેદન આપ્યું નથી તે પણ અદાણી અને સરકારની ચુપકીદી અંગે મિલીભગતની ચાડી ખાય છે. ટેલ્કમ પાઉડર સાથે ડ્રગ્સ ઈમ્પોર્ટ કરનાર દંપતિને લઈ ડીઆરઆઈએ તપાસનો દોર મુંદ્રા, ગાંધીધામ, માંડવી, અમદાવાદ, દિલ્હી અને ચેન્નઈ સુધી લંબાવ્યો છે. મુંદ્રાના અદાણી પોર્ટ ઉપર વિજયવાડાની આશિ ટ્રેડિંગ કંપનીના સેમી પ્રોસેસ્ડ સ્ટોન ટેલ્કમ પાઉડરના કન્ટેનર આવ્યાં હતાં તેમાં હેરોઈન ડ્રગ્સ હોવાની બાતમીથી ડીઆરઆઈની ટીમે તપાસ કરી હતી.
જો કે ડ્રગ્સની બાતમીથી ડીઆરઆઈએ રેડ કે ચેકીંગ કર્યું હતું તો અત્યાર સુધી બાતમી વિના કેટલાય કન્ટેનર ઘુસી ગયા હશે તે પણ તપાસનો વિષય છે. બે કન્ટેનર પકડાયા અને મોલનારે ક્યારે હિંમત કરી હશે તે વિચારવા જઈએ તો પણ ખબર પડે કે જો અહીંથી ડ્રગ્સને મોટાપાયે ઘુસાડવાનું સરળ હશે ત્યારે જ ટેલ્કમ પાવડરની આડમાં આ કન્ટેનર ઘુસાડવાની મોકલનારે હિંમત કરી હશે. આ અગાઉ કેટલાય કન્ટેનરો ટેલ્કમ પાઉડરની આડમાં દેશમાં ઘૂસી ગયા હશે અને અનેક યુવાઓની જિંદગી બરબાદ કરી નાખી હશે. જો કે અદાણી સરકારના ખાસ ઉધોગપતિ હોવાની લોકોમાં છાપ હોવાથી સરકાર પણ અદાણી વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરશે નહીં તે વાત નક્કી છે. સમગ્ર મામલાને દબાવી દેવાના અથાગ પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે.
હાલ આટલો મોટો ડ્રગ્સ કાંડ માત્ર ચેન્નઇના વિજયવાડામાં રહેતા દંપતી ગોવિંદારાજુ દુર્ગા પૂર્ણ વૈશાલી અને તેના પતિ મચ્છાવરમ સુધાકરના નામે નાખીને તપાસ એ તરફ ઢાળવામાં આવી રહી છે. હેરોઈનનો આ જથૃથો અફઘાનિસ્તાનના કંદહાર સ્થિત હસન હુસેન લિમિટેડના નામે એક્સપોર્ટ કરવામાં આવ્યો હતો. આમ, અફઘાનિસ્તાનથી હેરોઈનનો જથ્થો આવ્યો હોવાથી ડ્રગ્સની હેરાફેરીમાં આઈએસઆઈ અને તાલિબાનની સંડોવણી હોવાની સંભાવના પણ એજન્સીઓ જોઈ રહી છે. એવામાં ડીઆરઆઈએ દિલ્હીથી બે અફઘાની નાગરિક અને એક સ્થાનિક શખ્સની અટકાયત કરી તપાસ શરૂ કરી છે. હેરોઈન ઈમ્પોર્ટ કરનાર દંપતિના 10 દિવસના રિમાન્ડ ચાલી રહ્યાં છે. આ રિમાન્ડ દરમ્યાન શું વિગતો બહાર આવે છે તે તપાસનો વિષય છે સાથે જ અત્યારસુધીમાં કેટલા કન્ટેનરો ઘુસ્યા હશે તે પણ મહત્વનો તપાસનો વિષય છે. જો કે આ મામલે હવે તપાસ એજન્સીઓ શું કરે છે તે ઉપર સૌની નજર છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)
કોરોનાથી થયેલા મોત માટે વળતર નક્કી કરાયું, પીડિત પરિવારને મળશે 50 હજાર