Home Uncategorized વાંચો ડ્રગ્સ કાંડ ભાગ : 3 : તંત્રની લાલીયાવાડી, અદાણી મુન્દ્રા પોર્ટ...

વાંચો ડ્રગ્સ કાંડ ભાગ : 3 : તંત્રની લાલીયાવાડી, અદાણી મુન્દ્રા પોર્ટ ઉપર 2018માં કરોડોના ખર્ચે લગાવેલા કન્ટેનર સ્કેનર બંધ હાલતમાં !

Face Of Nation, 24-09-2021 : કચ્છના અદાણી મુન્દ્રા પોર્ટ ઉપર પકડાયેલા ડ્રગ્સના બે કન્ટેનરે અત્યાર સુધી અદાણી પોર્ટ ઉપર થતા કાવાદાવાઓની અને અધિકારીઓની મિલીભગતની પોલ ખોલી નાખી છે. કન્ટેનરોમાં રહેલી વસ્તુઓ ચેક કરવા એને ખોલવું એ શક્ય નથી હોતું પરંતુ ડેક્લેરેશનના આધારે તેને ચેકીંગ કર્યા વિના જવા દેવામાં આવે છે. જો કે અધિકારીઓને બાતમી મળે તો જ તે પકડાય અન્યથા કોઈ કન્ટેનરને પકડવું એ અધિકારીઓ માટે આસાન નથી. તાજેતરમાં પકડાયેલા ડ્રગ્સકાંડની પણ વિગત એવી જ છે કે, બે કન્ટેનર અંગેની બાતમી અધિકારીઓને મળી હતી અને તે બાતમીના આધારે તેઓએ ચેકીંગ કરતા તેમાં ડ્રગ્સ હોવાનો પર્દાફાશ થયો હતો. બે ડ્રગ્સ એજન્ટો વચ્ચેના ઝઘડામાં ક્યારેક બાતમી મળી જાય અને અધિકારીઓ ફાવી જાય તેવો ઘાટ છે. જો કે અદાણીના મુન્દ્રા પોર્ટ ઉપર કરોડોના ખર્ચે વર્ષ 2018માં કન્ટેનર સ્કેનર મુકવામાં આવ્યું હોવા છતાં તે હાલમાં ચાલુ નહીં હોવાની માહિતી અદાણી પોર્ટ ઉપર કામ કરતા સરકારી અધિકારીઓ પાસેથી જ મળી છે.
અદાણી મુન્દ્રા પોર્ટ ઉપર ફરજ બજાવતા એક અધિકારીએ નામ ન આપવાની શરતે ફેસ ઓફ નેશનને માહિતી આપતા જણાવ્યું હતું કે, અદાણીના સમ્પર્ક સીધા સરકાર સુધી હોવાથી અહીં સરળતાથી કોઈ પણ કન્ટેનર બહાર નીકળી શકે છે. જે અદાણી પોર્ટ ઉપર પત્રકારોને પહોંચવા કિલ્લેબંધી છે તે અદાણી પોર્ટ ઉપરથી કન્ટેનર બહાર કાઢવા કે મોકલવા એ સેટિંગ હોય તો સરળતાથી પાર પડી જાય છે.
કચ્છના મુન્દ્રા અદાણી પોર્ટ ખાતે કન્ટેનર સ્કેનરનું લોકાર્પણ 2018માં કરવામાં આવ્યું હતું.મુન્દ્રાપોર્ટ પર આવતા તમામ કન્ટેનર સ્કેન કરવામાના આશયથી આ સ્કેનર વિકસાવવામાં આવ્યું હતું. જેનાથી કન્ટેનરમાં કોઈ પણ પ્રતિબંધિત ચીજવસ્તુઓ હોય તો તેને ખોલ્યા વિના ખબર પડી શકે. દેશમાં પ્રથમ ડ્રાઈવ થ્રુ કન્ટેનર સ્કેનર લગાડવામાં આવ્યું હતું. જે માત્ર 36 સેકન્ડમાં કન્ટેનરને સ્કેન કરી શકતું હતું. મુન્દ્રાપોર્ટ ખાતે લગાડવામાં આવેલ કન્ટેનર સ્કેનર કારણે દાણચોરી પર અંકુશ આવશે તેવી પણ વાતો તે સમયે જાહેર કરવામાં આવી હતી. જો કે હાલ આ તમામ સ્કૅનરો બંધ હાલતમાં હોવાની ચોંકાવનારી માહિતી સૂત્રો પાસેથી મળી છે. અહીં સવાલ પણ એ છે કે, જો આ સ્કેનર ચાલતું હોત તો સ્કેનથી જ કન્ટેનરનું ડ્રગ્સ પકડાઈ ગયું હોત. અધિકારીઓને બાતમીની જરૂર પણ ન પડી હોત. એટલે એ વાતની સત્યતામાં કોઈ બે મત નથી કે પોર્ટ ઉપર સ્કૅનરો બંધ હાલતમાં હશે.
કચ્છનું અદાણી મુન્દ્રા પોર્ટ દાણચોરી માટે જાણીતું થઇ ગયું છે. છેલ્લા કેટલાક સમયથી અદાણી મુન્દ્રાપોર્ટ વિવિધ ચીજવસ્તુઓની દાણચોરીને કારણે જાણીતું બન્યું છે. મુન્દ્રાપોર્ટથી થતી દાણચોરી અટકાવવાની વાતો વહેતી કરવા માટે કન્ટેનર સ્કેનર લગાડવાની હિલચાલ ચાલી રહી હતી. અદાણી મુન્દ્રાપોર્ટમાં અગાઉ અનેકવાર સોના ચાંદી સહિતની દાણચોરી સામે આવી ચૂકી છે. અદાણી મુન્દ્રાપોર્ટથી દરવર્ષે 45 લાખ કન્ટેનરનું પરિવહન થાય છે. જેથી કન્ટેનર સ્કેનર લાગવાથી માત્ર 36 સેકન્ડમા કન્ટેનર સ્કેન થઈ જાય અને અંદર રહેલી ચીજવસ્તુઓ અંગે ખબર પડે તે હેતુથી 2018માં કરોડોના ખર્ચે સરકારે ડ્રાઈવ થ્રુ સ્કેનર નખાવ્યું હતું. જે માત્ર દેખાડો કરવા પૂરતું જ સાબિત થયું હતું. અદાણી મુન્દ્રાપોર્ટ ખાતે તે સમયે ડ્રાઈવ થ્રુ કન્ટેનર સ્કેનરની સાથે મોબાઈલ કન્ટેનર સ્કેનર પણ લગાડવામાં આવ્યું હતું. જો કે અત્યારે આ અત્યાધુનિક ટેકનોલોજી સાથેનું કન્ટેનર સ્કેનર દાણચોરી અટકાવવામાં ઉપયોગી સાબિત થઈ રહ્યું નથી અને બંધ હાલતમાં પડ્યું હોવાની માહિતી ફેસ ઓફ નેશનને મળી છે.
2018માં જયારે આ કન્ટેનર સ્કૅનરનું લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારે લોકોને મૂર્ખ બનાવવા એવી વાતો કરવામાં આવી હતી કે, “આજે મુન્દ્રાપોર્ટ ખાતે કન્ટેનર સ્કેનર વિધિવત શરૂ કરવામાં આવ્યું છે. મુન્દ્રાપોર્ટ પર કન્ટેનર સ્કેનર લાગવાથી દાણચોરી પર અંકુશ આવશે. સાથો સાથ સરકારની આવકમાં વધારો થશે. કન્ટેનર સ્કેનર કાર્યરત થવાથી કસ્ટમ વિભાગ કામગીરી પણ સરળ અને ઝડપી બનશે.કન્ટેનર ખોલ્યા વગર સ્કેન કરી શકશે.હાઈસ્પીડ સિસ્ટમ સજ્જ સ્કેનરમાં માત્ર 36 સેકન્ડમાં કન્ટેનર સ્કેન થઇ જશે. જેથી કસ્ટમ ક્લીયરીંગ કરવામાં સરળતા થશે.” જો કે આ સુફિયાણી વાતો ઝાઝો સમય રહી નહીં અને 2020માં જ એટલે કે બે વર્ષમાં જ તેની પોલ ઉઘાડી કરી નાખી. દેશમાં અદાણી મુન્દ્રાપોર્ટ કાર્ગો હેન્ડલિંગમાં બીજા સ્થાને છે. જ્યાં મોબાઈલ કન્ટેનર સ્કેનર 12 કરોડ રૂપિયાના ખર્ચે, જયારે ડ્રાઈવ થ્રુ કન્ટેનર સ્કેનર 50 કરોડ રૂપિયાના ખર્ચે લગાડવામાં આવ્યું હતું. જે આજે કાર્યરત નથી અને નેશનલ સિક્યોરિટીની વાતના સરેઆમ ધજાગરા ઉડી રહ્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)

નવા CMનો માસ્ટર સ્ટ્રોક : પ્રજાકીય કામ માટે હાજર રહો અન્યથા કાર્યવાહી માટે તૈયાર રહો, અધિકારીઓને કર્યા કડક આદેશ

નવા CMનો માસ્ટર સ્ટ્રોક : પ્રજાકીય કામ માટે હાજર રહો અન્યથા કાર્યવાહી માટે તૈયાર રહો, અધિકારીઓને કર્યા કડક આદેશ