Home Uncategorized કાબુલમાં મિલિટ્રી હોસ્પિટલની પાસે બ્લાસ્ટ, 19ના મોત, 50 ઈજાગ્રસ્ત

કાબુલમાં મિલિટ્રી હોસ્પિટલની પાસે બ્લાસ્ટ, 19ના મોત, 50 ઈજાગ્રસ્ત

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ધમાકા અને ગોળી ચાલવાના સમાચાર છે. સત્તાવાર જાણકારી પ્રમાણે હુમલામાં 19 લોકોના મોત થવાની માહિતી છે સાથે 50 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ન્યૂઝ એજન્સી AFP પાસેથી મળેલી જાણકારી પ્રમાણે કાબુલ શહેરના સરદાર મોહમ્મદ દાઉદ ખાન મિલિટ્રી હોસ્પિટલની પાસે મંગળવારે બે ધમાકા થયા અને ત્યારબાદ ગોળી ચાલવાનો અવાજ સંભળાયો હતો. ઘટનાસ્થળની આસપાસ રહેતા લોકો દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં ધમાકા બાદની સ્થિતિ જોઈ શકાય છે.

ઘટનાને લઈને તાલિબાનના ડેપ્યુટી પ્રવક્તા બિલાલ કરીમીએ એસોસિએટેડ પ્રેસ (એપી) ને જણાવ્યું કે, કાબુલમાં સરદાર મોહમ્મદ દાઉદ ખાન સૈન્ય હોસ્પિટલની બહાર નાગરિકોને નિશાન બનાવીને વિસ્ફોટ કરવામાં આવ્યો. તેમણે ઘટનાસ્થળ પર અન્ય એક વિસ્ફોટ થવાની પુષ્ટિ કરી નથી. સાથે આ ઘટનાની હજુ કોઈ સંગઠને જવાબદારી લીધી નથી.

અત્યાર સુધી કોઈ ગ્રુપે આ હુમલાની જવાબદારી લીધી નથી પરંતુ આ હુમલાની પાછળ પણ ઇસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસનનો હાથ જણાવવામાં આવી રહ્યો છે. સરકારી બખ્તર સમાચાર એજન્સીએ પ્રયત્ક્ષદર્શિઓના હવાલાથી કહ્યુ કે, ઇસ્લામિક સ્ટેટના અનેક આતંકી હોસ્પિટલમાં દાખલ થયા અને સુરક્ષા દળો સાથે ટકરાયા હતા.

ઓગસ્ટમાં કાબુલ પર તાલિબાનના કબજા બાદથી અફઘાનિસ્તાનમાં સતત બોમ્બ ધમાકા થઈ રહ્યાં છે. આ ધમાકામાં અત્યાર સુધી 250 લોકોના મોત થઈ ચુક્યા છે, જ્યારે 400 જેટલા લોકોને ઈજા પહોંચી છે.