Home World અફઘાનિસ્તાનમાં આત્મઘાતી હુમલો, એક બાળક સહિત 11નાં મોત

અફઘાનિસ્તાનમાં આત્મઘાતી હુમલો, એક બાળક સહિત 11નાં મોત

  • ઇસ્લામિક સ્ટેટે આત્મઘાતી હુમલાની જવાબદારી લીધી
  • સુરક્ષાદળોને નિશાને બનાવીને કરાયો હતો હુમલો

Face Of Nation:અફઘાનિસ્તાનના પૂર્વ નાંગરહાર પ્રાંતના પાટનગર જલાલાબાદમાં એક હુમલાખોરે પોલીસની તપાસ ચોકી પાસે આત્મઘાતી હુમલો કર્યો હતો. આ હુમલામાં 11 લોકોનાં મોત થયા છે અને 13 લોકો ઘવાયા છે. નાંગરહારના રાજ્યપાલના પ્રવક્તા અતાહુલ્લાહ ખોગયાનીએ જણાવ્યું હતું કે, ઇસ્લામિક સ્ટેટ આતંકવાદી સંગઠનની અફઘાન શાખાએ હુમલાની જવાબદારી લીધી છે. મૃતકોમાં એક બાળક પણ સામેલ છે, ત્યાંજ ત્રણ બાળક ઘાયલ થયા છે.

તેમણે જણાવ્યું હતું કે, આ હુમલામાં 13 અન્ય લોકો ઘાયલ થયા છે જેમાંથી કેટલાકની સ્થિતિ ગંભીર છે. આ હુમલો સુરક્ષાદળોને નિશાનો બનાવીને કરવામાં આવ્યો હતો. આ વિસ્તારને ઇસ્લામિક સ્ટેટનો ગઢ માનવામાં આવે છે. તાલિબાન અને ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ અફઘાનિસ્તાન સુરક્ષાદળો પર અવારનવાર હુમલા કરતા રહે છે.

ત્યાંજ અફઘાનિસ્તાન સરકારે જણાવ્યું હતું કે, સરકારે અટકાયેલી શાંતિ પ્રક્રિયાને વેગ આપવાના ઉદ્દેશથી સદ્ભાવના સ્વરૂપે દેશની વિવિધ જેલમાં બંધ 490 તાલિબાની કેદીઓને મુક્ત કર્યા છે. સરકારી મીડિયા સેન્ટરના પ્રમુખ ફિરોઝ બાશારીએ જણાવ્યું હતું કે, જેલમાંથી મુક્ત કરાયેલા કેદીઓમાંથી કેટલાક બીમાર હતા અને કેટલાકની સજા પૂરી થવામાં એક વર્ષ બાકી હતું. જૂનમાં ઇદના અવસરે રાષ્ટ્રપતિ અશરફ ગનીએ 887 કેદીઓને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.