Face of Nation 08-02-2022 : અમદાવાદમાં વર્ષ 2008માં જુલાઈ મહિનામાં થયેલા સિરિયલ બ્લાસ્ટનાં કેસ અંગે મહત્વનો ચુકાદો કોર્ટે આપ્યો છે. આ કેસમાં કોર્ટે કુલ 77માંથી 49 આરોપીને દોષિત જાહેર કર્યા છે જ્યારે કોર્ટે શંકાના આધારે કુલ 28 આરોપીને નિર્દોષ જાહેર કર્યા છે. દોષિત ઠેરવાયેલા આરોપીઓની સજાનું આવતીકાલે એલાન થશે. આવતીકાલે આરોપીઓને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જ સજા સંભળાવવામાં આવશે. પુરાવાના અભાવે કોર્ટે 28 આરોપીને નિર્દોષ જાહેર કર્યા છે.
સરકારી વકીલ અમિત પટેલે ચુકાદા બાદ પ્રતિક્રિયા આપતા કહ્યુ કે, ચુકાદો હજી સુધી અમને વાંચવા આપ્યો નથી. આ કેસના મોટાભાગના સાક્ષીઓએ ફરિયાદ પક્ષના કેસને સમર્થન કર્યુ છે. નામદાર કોર્ટ આવતીકાલે સજા સંભળાવશે. 28 લોકોને પુરાવાના અભાવે છોડાયા છે.
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં સૌ પ્રથમવાર સ્પેશિયલ કોર્ટે વર્ચ્યુઅલ ચુકાદો આપ્યો છે. ચુકાદાને પગલે કોર્ટની બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. પહેલીવાર ચુકાદા સમયે અન્ય વકીલો, પક્ષકારોને કોર્ટમાં પ્રવેશ પર પ્રતિબંધ છે. બ્લાસ્ટ કેસ ચુકાદાને પગલે અન્ય વકીલોને કોર્ટ રૂમથી દૂર રખાયા છે. અમદાવાદની ખાસ કોર્ટના જજ એ.આર. પટેલે ચુકાદો સંભળાવ્યો છે. બ્લાસ્ટ કેસમાં આરોપીઓને અમદાવાદ, ગયા, મધ્યપ્રદેશ, જયપુર, બેંગ્લોર, કેરાલા, દિલ્હી, મુંબઈની જેલમાંથી આરોપીઓને વીડિયો કોન્ફરન્સિંગથી હાજર રાખવામાં આવ્યા.
2008માં થયા હતા સિરિયલ બ્લાસ્ટ
અમદાવાદ શહેરમાં 26 જુલાઈ, 2008ના રોજ 20 વિસ્તારમાં 21 બોમ્બબ્લાસ્ટ થયા હતા. જેમાં 56 લોકોનાં મોત થયા હતા અને 200થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. બોમ્બબ્લાસ્ટના કેસમાં અમદાવાદમાં 20 એફઆઈઆર, જ્યારે સુરતમાં 15 એફઆઈઆર નોંધવામાં આવી હતી. આ કેસમાં કુલ 99 આતંકવાદીને પ્રાથમિક તપાસમાં આરોપી ગણવામાં આવ્યા હતા. તે પૈકી 82 આતંકવાદીની ધરપકડ કરાઈ હતી. જ્યારે આઠ આરોપી હજુ ફરાર છે.
(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).