Face Of Nation:કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે દેશની કથળતી જતી અર્થવ્યવસ્થા અંગે પ્રેસ કોન્ફરન્સ કરી છે. તેમણે કહ્યું કે, દુનિયાના બાકીના દેશો પણ મંદીનો સામનો કરી રહ્યા છે. અન્ય દેશોની તુલનાએ ભારતની અર્થવ્યવસ્થા ઘણી સારી હોવાનો દાવો કરતાં તેમણે કહ્યું કે, વૈશ્વિક મંદીને સમજવાની જરૂર છે. ભારતમાં વર્તાતી આર્થિક મંદી માટે તેમણે અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડ વોરને કારણભૂત ગણાવ્યું હતું. તાત્કાલિક પગલાં તરીકે સીતારમણે કેપિટલ ગેઈન પરનો સરચાર્જ નાબુદ કરવાની જાહેરાત કરી હતી.
સીતારમણે કહ્યું હતું કે, મંદીની સમસ્યા માત્ર ભારતને જ નહિ, દુનિયાના અન્ય દેશોને પણ કનડી રહી છે. આર્થિક સુધારા અંગે તેમણે કહ્યું હતું કે આ એક સતત ચાલતી પ્રક્રિયા છે જે હજુ પણ ચાલતી જ રહેશે. ભારતની આર્થિક વ્યવસ્થાને તેમણે અન્ય વિકાસશીલ દેશોની સરખામણીએ વધુ મજબૂત અને તરલ ગણાવી હતી.વર્તમાન સરકારે લાગુ કરેલ આર્થિક સુધારાઓ અંગે તેમણે કહ્યું હતું કે ઈનકમ ટેક્સ રિટર્ન ભરવાનું અગાઉ કરતાં વધુ સરળ બન્યું છે. જીએસટીની પ્રક્રિયા હજુ વધુ આસાન બનાવવામાં આવશે. ભારતના વિકાસ દરને પણ તેમણે સંતોષકારક ગણાવ્યો હતો. ભારતીય અર્થતંત્રને વેગ આપવાના પ્રયાસ તરીકે નાણાંમંત્રીએ કેપિટલ ગેન અને ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટમેન્ટ પરનો સરચાર્જ પરત ખેંચવાની જાહેરાત કરી હતી.નાણાંમંત્રીએ કહ્યું કે, લિક્વિડિટી વધારવા માટે પ્બલિક સેક્ટર બેન્કોને 70 હજાર કરોડ રૂપિયા આપવામાં આવશે. સંપત્તિ ગિરવે મુકીને લોન લેનારા લોકોને મુશ્કેલી ન પડે તે માટે બેન્કોને ચોક્કસપણે લોન ક્લોઝરના દસ્તાવેજો 15 દિવસમાં પાછા આપવા પડશે.