Home Uncategorized દક્ષિણ ગુજરાતમાં આક્રમક વર્ષા: કપરાડા તાલુકામાં 10 હજાર લોકો મુશ્કેલ સ્થિતિમાં,NDRF તૈનાત

દક્ષિણ ગુજરાતમાં આક્રમક વર્ષા: કપરાડા તાલુકામાં 10 હજાર લોકો મુશ્કેલ સ્થિતિમાં,NDRF તૈનાત

Face Of Nation:દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ આક્રમક તેવર અપનાવતા તમામ તાલુકાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. ગત રોજ સાંજથી ધોધમાર રૂપે વરસેલા વરસાદમાં કપરાડામાં સૌથી વધુ પાંચ ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે સુરત, ઓલપાડ, કામરેજ, માંરોળ, વાપી, વઘઈમાં 4 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. ભારે વરસાદના પગલે દક્ષિણ ગુજરાતની તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે. જ્યારે ત્રણ જેટલા ડેમો પણ ઓવરફ્લો થઈ ગયા છે. દક્ષિણ ગુજરાતના અનેક કોઝ વે પાણીમાં ગરકાવ થઈ ગતા અનેક ગામડાઓ સંપર્ક વિહોણા થઈ ગયા છે. હાલ તો વલસાડ, ઓલપાડ અને નવસારીમાં એનડીઆરએફની ટીમે તૈનાત છે.કપરાડા તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસી રહેલા વરસાદના કારણે ચેક ડેમ કોઝવે તેમજ રસ્તાનું ધોવાણ થયેલ છે. નાનાપોઢા – કપરાડા નેશનલ માર્ગ માંડવા માતુનીયા ખાતે અને કુંભઘાટ માર્ગ ઉપર ખાડા પડી ગયા છે . કેટલાક નીચાણવાળા ધરાવતા ચેકડેમ કમ કોઝ વે સતત ત્રીજા દિવસે પણ ડુબાણમાં રહ્યા છે. જેના કારણે લોકોનો અન્ય ગામ સાથેનો સંપર્ક ખોરવાયો છે અને શાળા અભ્યાસ કરતા બાળકો તેમજ રોજીરોટી માટે મજૂરી કરવા જતા લોકોની રોજગારી ખોરવાઇ છે. ચેકડેમ કોઝ વે ઊંચા કરવા અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં વહીવટી તંત્ર આ બાબતે કોઈ ધ્યાન આપતું નથી. જેને લઈ હજુ 10 હજારથી વધુ લોકો મુશ્કેલીમાં છે.

વલસાડ અને હનુમાનભાગડા,લીલાપોરને જોડતા પીચિંગ અને વલસાડ ખેરગામને જોડતાં પારડીસાંઢપોર કૈલાસ રોડના ઔરંગા બ્રિજ પરથી ઉપરવાસના ભારે વરસાદના કારણે પાણી ફરી વળ્યા હતા. ઠેર ઠેર પાણી પાણી જોવા મળ્યા હતા. બ્રિજ પરથી સંપૂર્ણ અવરજવર સવાર સુધી બંધ રહી હતી. બે દિવસથી ઉપરવાસમાં ભારે વરસાદ થતાં મધુબનમાં 102519 ક્યુસેક પાણીની આવક ચાલુ રહી હતી.જ્યારે ડેમમાંથી 8 દરવાજા 3 મીટર સુધી ખોલીને 95952 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.મહુવા તાલુકાના 13 કોઝવે પાણીમાં ડૂબી જતાં 26 ગામના લોકોને અસર થઇ છે. જ્યારે માંડવીના 4 કોઝવે ડૂબી ગયા છે. બીજી તરફ ડોલવણના પણ 2 કોઝવે ડૂબી જતા 8 ગામના લોકોને સંપર્ક તૂટી ગયો છે. વહેવલ અને તરકાણી ગામને જોડતો કોષ ખાડી પરનો કોઝવે. કોષ અને ઉપલી કોષને જોડતો કોષ ખાડી પરનો કોઝવે. ઘાણી અને બામણામાળને જોડતો ઓલણ નદી પરનો કોઝવે. ભગવાનપુરા અને સાંબા ગામને જોડતો ઓલણ નદી પરનો કોઝવે. સેવાસણ અને વાછરવાડ ગામને જોડતો ટોકરવા ખાડી પરનો કોઝવે. મહુવાના અલગઢ અને વલોડના અલગઢ ગામને જોડતો કોઝવે. કઢૈયા અને ડુંગરી ગામને જોડતો ધુમાસી ખાડી પરનો કોઝવે. નળધરા અને ડુંગરી ગામને જોડતો ધુમાસી ખાડી પરનો કોઝવે. ઘડોઈ અને ગોપલા ગામને જોડતો કોઝવે. મહુવરીયા અને હળદવા ગામની વચ્ચે કોતર પર આવેલ કોઝવે. ધોળીકુઈ અને દેદવાસણ ગામને જોડતો કોતર પર આવેલ કોઝવે. વાઘેશ્વર અને ઘડોઈ ગામને જોડતો કોઝવે. ધામખડી અને માછીસાદલા ગામને જોડતો ઓલણ નદી પર આવેલો કોઝવે. ડાંગના નડગચોંડ, સુપદહાડ, કુમારબંધ, ઘોડવહળના કોઝ વે સતત ત્રણ દિવસથી પાણીમાં ગરકાવ છે.