Face Of Nation: શહેરના રાજીવ ગાંધી ભવન ખાતે આજે 150 ગાંધીજીની જન્મજયંતી અને રાજીવ ગાંધીની 75મી જયંતીને લઈ કોંગ્રેસની એક બેઠક મળી હતી. આ બેઠકમાં ખાલી પડેલી વિધાનસભાની 7 બેઠકોની પેટાચૂંટણી અંગે પણ ચર્ચા થઈ હતી. આ ચર્ચા દરમિયાન રાધનપુર બેઠકની પેટાચૂંટણી અંગે ચર્ચા ચાલી રહી હતી ત્યારે કોંગ્રેસના મહામંત્રી રઘુ દેસાઈ અને સેવાદળના રાષ્ટ્રીય પ્રમુખ લાલજી દેસાઈ વચ્ચે કોંગ્રેસના બે પૂર્વ પ્રદેશ પ્રમુખોની હાજરીમાં જ બોલાચાલી અને મારામારી થઈ હતી. રઘુ દેસાઇ અને લાલજી દેસાઈ રાધનપુર બેઠકની પેટાચૂંટણી લડવા માંગતા હોવાથી મામલો બિચક્યો હતો. ઉલ્લેખનીય છે કે અગાઉ ચાણસ્મા બેઠક માટે આ બંને ઉમેદવારો આમને સામને હતા.ગુજરાતમાં વિધાનસભાની ખાલી પડેલી 7 બેઠકોની પેટાચૂંટણી દિવાળી પહેલા યોજાઈ એવી શક્યતાઓ છે, ત્યારે આ પેટાચૂંટણીની સાથે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાના રાજીનામા બાદ રાધનપુર અને બાયડ વિધાનસભાની પેટાચૂંટણી પણ યોજાશે. લોકસભા ચૂંટણીમાં ભાજપના ચાર ધારાસભ્યોનો વિજય થતાં અમરાઈવાડી, થરાદ, ખેરાલુ અને લુણાવાડા બેઠક ખાલી પડી છે. જ્યારે મોરવા હડફ બેઠક પરથી ભૂપેન્દ્ર ખાંટનું ધારાસભ્ય પદ રદ થતા આ બેઠક પણ ખાલી છે.