Face Of Nation, Ahmedabad : ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં દારૂ બેફામ વેચાય છે. અમદાવાદના પોશ વિસ્તારમાં જેની ગણના થાય છે તેવા સોલા સાયન્સ સીટી વિસ્તારમાં દેશી દારૂ પી ને એક મહિલા કલાકો સુધી રસ્તા ઉપર સુઈ રહી હતી. સોલા ઓવરબ્રિજ નીચે આવેલા ભમ્મરિયા વિસ્તારમાં ઘણા સમયથી દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થાય છે. દારૂ વેચનારી આ હાટડી રેલવે નજીક હોઈ અનેક લોકો દેશી દારૂની પોટલીઓ લઈને રેલવે ઉપર બેસીને પીવે છે જેથી દારૂ પીધા બંધ ભાન ન રહેતા ટ્રેનમાં અકસ્માતનો ભય પણ વઘી જાય છે. આ વિસ્તારમાં અનેકવાર મહિલાઓ દેશી દારૂ પીને રસ્તા ઉપર સુઈ ગઈ હોવાના બનાવો બને છે તેમ છતાં સ્થાનિક પોલીસ કડકાઈથી કામ લેતી ન હોવાની ફરિયાદો ઉઠી છે. સોલા ઓવર બ્રિજ નીચે આ મહિલા જ્યાં સુઈ રહી હતી ત્યાંથી અનેક લોકો પસાર થઈ રહ્યા હતા. મહિલાને જોનારા લોકોએ જણાવ્યું હતું કે, આ મહિલા સવારે કેટલાક પુરુષો સાથે મળીને દેશી દારૂ પી રહી હતી અને દારૂ પીધા બાદ બબાલ થતા મહિલાને ત્યાં જ મૂકીને અન્ય લોકો જતા રહ્યા હતા. પોલીસે આ મામલાને ગંભીરતાથી લઈ યોગ્ય કાર્યવાહી કરવી અત્યંત જરૂરી બની છે કારણ કે, મહિલા દારૂના નશામાં આમ રસ્તા ઉપર રઝળતી રહેશે અને કોઈ અઘટિત ઘટના ઘટશે તો તેના જવાબદાર કોણ ગણાશે ? જેથી પોલીસે આ મામલાને અત્યંત ગંભીરતાથી લઈ તાત્કાલિક દેશી દારૂના અડ્ડાઓ બંધ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવી હિતાવહ બની છે.