Face Of Nation 04-1-2023 : મહંત નરસિંહદાસજી મહારાજે અમદાવાદમાં રથયાત્રા શરૂ કરાવી હતી. 2 જુલાઈ 1878ના રોજ સૌ પ્રથમ અમદાવાદમાં રથયાત્રા નીકળી હતી. આમ વર્ષો બાદ આજે પણ ભવ્ય રીતે રથયાત્રા નીકળે છે અને ભગવાન સ્વયં નગરચર્યાએ નીકળી નગરજનોને દર્શન આપે છે. છેલ્લા 145 વર્ષથી અવિરત રથયાત્રા યોજવામાં આવી રહી છે તે જૂના રથ છે તેના દ્વારા જ રથ યાત્રા નીકાળવામાં આવે છે. પરંતુ હવે નવા રથમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી, ભાઈ બલભદ્રજી નગરચર્યાએ નીકળશે. તો બીજીતરફ અમદાવાદના જગન્નાથ મંદિરથી નીકળતી રથયાત્રા 2023માં નવા રથ સાથે નીકળશે અને આ નવા રથ બનાવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. જગન્નાથ મંદિર પ્રશાસન દ્વારા 4 મહિનામાં રથ તૈયાર કરવા માટે સૂચન કરવામાં આવ્યું છે. નવા રથ સાથે 2023ની રથયાત્રા નીકળે તે માટે ઝડપથી કામગીરી કરાઈ રહી છે.
સાગ-સિસમના લાકડાનો ઉપયોગ કરાયો છે
જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ જણાવ્યું કે, ભગવાન જગન્નાથના રથ બનાવવાનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. જેમ જેમ જરૂર પડે તેમ રથ બનાવવા માટેનું મટિરિયલ મંગાવીએ છીએ. મંદિરના પરંપરા પ્રમાણે જ નવા રથની સાઈઝ છે અને તે જ રીતની ડિઝાઇન બનાવવામાં આવી છે. સાગ અને સિસમના લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ લાકડું વઘઈથી મંગાવવામાં આવ્યું છે.
80 વર્ષ સુધી ચાલે તેવી મજબૂતાઈવાળા હશે
રથ બનાવતા પ્રવીણભાઈ સુથારે દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, રથ બનતા અંદાજિત ચાર મહિના જેટલો સમય લાગશે. અમારા કારીગરો રેગ્યુલર બેઝ પર કામ કરે છે. અમને ટ્રસ્ટ દ્વારા જે ડિઝાઇન આપવામાં આવી છે, તે પ્રમાણે અમે ત્રણેય ભગવાનના નવા રથ તૈયાર કરી રહ્યા છે. જૂનારથ કરતાં નવા રથમાં થોડા ફેરફાર કર્યા છે. રથ બનાવવા માટે અમે સાગના લાકડાનો તેમજ પૈંડા બનાવવા માટે સિસમના લાકડાનો ઉપયોગ કરીએ છીએ. રથના પિલરમાં થોડો ફેરફાર કરાવ્યો છે. નવા રથ એકવાર બન્યાં પછી 80 વર્ષ સુધી ચાલે તે પ્રમાણેના મજબૂતાઈવાળા હશે.
ત્રણે રથની થીમ કઈ રીતની હશે
પ્રથમ રથની ડિઝાઇન દેવી-દેવતાઓની મૂર્તિઓ અને સુદર્શન ચક્રની થીમ પર બનશેબીજા રથ શુભદ્રાજીના લાલ,અને પીળા રંગ સાથે નવ દુર્ગાની થીમ પર બનાવાશેત્રીજા બળભદ્રજીના રથને ચાર અશ્વની થીમ પર બનાવશે ..જૂના રથ કરતા નવા બનનાર ત્રણેય રથ નજીવા ફેરફાર કરાયા છે, રથના પિલરમાં પણ ફેરફાર કરાયો છે.
અમદાવાદના સુથાર દ્વારા રથ બનાવાઈ રહ્યા છે
જગન્નાથજી, બલભદ્રજી, સુભદ્રાજી એમ ભગવાન સહિતના ત્રણેય રથ અમદાવાદના સુથાર દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેના માટે દરરોજ 10 કલાક કારીગરો કામ કરે છે. એક મહિનાથી રથ બનાવવાનું કામ ચાલુ છે અને હજુ પણ ચાર મહિના સંપૂર્ણ રથ બનતા લાગશે. ભગવાનના રથ બનાવવાનું કામ અમદાવાદમાં છેલ્લા 35 વર્ષથી સુથારી કામ કરતા સુથારને આપવામાં આવ્યું છે. જે અલગ અલગ જગ્યાએ 20થી વધારે રથ તૈયાર કરી ચૂક્યા છે.
145 વર્ષ જૂના રથ દર્શન માટે મૂકાશે
2023ની રથયાત્રામાં જુના રથ નહિ જોવા મળે. નવા રથ બનતા વર્ષો જૂની પરંપરા બદલાશે. નવા રથ બનતા 145 વર્ષ જૂના રથ અત્યારે મંદિર પરિસરમાં લાવવામાં આવ્યા છે. જ્યાં તેને દર્શન માટે મૂકાશે જેથી મંદિરમાં આવતા ભક્તો દર્શન કરી શકે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુકમાં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).