Home Uncategorized અમદાવાદ:ગણેશ જીનિસિસનો પાંચમો માળ ભડકે બળ્યો,મહામહેનતે આગ પર મળ્યો કાબુ,એકનું મોત

અમદાવાદ:ગણેશ જીનિસિસનો પાંચમો માળ ભડકે બળ્યો,મહામહેનતે આગ પર મળ્યો કાબુ,એકનું મોત

Face Of Nation:અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલા ગણેશ જીનિસિસ એપાર્ટમેન્ટમાં પાંચમાં માળે આગ લાગી હતી. શોર્ટ સર્કિટ કે પછી ગેસનો સિલિન્ડર ફાટવાને કારણે આ આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આગ પાંચમાં માળથી છઠ્ઠા માળ સુધી પ્રસરી ગઈ હતી. ફાયર બ્રિગેડને આગ પર કાબૂ મેળવવા માટે ખૂબ મહેનત કરવી પડી હતી. જોકે, આ દરમિયાન એવું પણ જોવા મળ્યું હતું કે ફાયર બ્રિગેડના સાધનો ખરા સમયે જ કામે લાગ્યા ન હતા. ફાયર બ્રિગેડની હાઇડ્રોલિક સીડી ખરા સમયે જ ચાલી ન હતી. આ ઉપરાંત ફોન કર્યા બાદ એક કલાક પછી ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચ્યું હોવાનો સ્થાનિક લોકોએ આક્ષેપ લગાવ્યો હતો. આગ બૂઝાવવાની કાર્યવાહી દરમિયાન ફાયરનો એક કર્મી બેભાન થઈ ગયો હતો.

આગની ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસર એમ.એફ. દસ્તુરે જણાવ્યું હતું કે આગમાં 35 લોકોને સલામત રીતે બહાર ખસેડવામાં આવ્યા છે. જેમાંથી સાત લોકેને ઊંચકીને બહાર કાઢવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્ત થયેલા લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.ચીફ ફાયર ઓફિસરના જણાવ્યા પ્રમાણે ચાલુ કામગીરી દરમિયાન કોઈએ ફાયર સિસ્ટમનો ઇલેક્ટ્રિક સપ્લાય બંધ કરી દીધો હતો. એટલું જ નહીં બિલ્ડિંગમાં પગથીયા તેમજ વેન્ટિલેશનની જગ્યા હોય ત્યાં બારીઓ બનાવી લેવામાં આવી હતી. આ જ કારણે ફાયર બ્રિગેડ અંદર પહોંચી શક્યું ન હતું. આ જ કારણે આગ ઉપરના માળ સુધી પ્રસરી હતી. લિફ્ટની આગળની જગ્યાએ પણ પ્લાયવૂડ લગાવી દેવામાં આવ્યું હતું. જેના કારણે પગથીયા સુધી આગ પહોંચી હતી. બિલ્ડિંગની ફાયર સિસ્ટમનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. આગ બૂઝાવવાની સિસ્ટમ બરાબર કામ કરી રહી હતી. બિલ્ડિંગના ફાયર સિસ્ટમનો ઇલેક્ટ્રિક સપ્લાય કોઈએ બંધ કરી દેતા આગ પર કાબૂ મેળવવામાં સમય લાગી ગયો હતો.