Face Of Nation:અમદાવાદમાં વટવા ખાતે નવાણીયા તળાવમાં થઇ ગયેલા ૧૨૦ જેટલા રહેણાંક અને કોમર્શિયલ પ્રકારના બાંધકામોના દબાણોને આજે ગુરૂવારે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા તોડી પડાયા હતા. તળાવની સરકારી જમીન પર દબાણો થઇ જતા વટવા મામલતદારે પોલીસ બંદોબસ્ત સાથે આજે દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરીને ૨૨,૯૬૬ ચો.મી.ની સરકારી જમીન દબાણ મુક્ત કરી હતી.
વટવામાં ૯૯ પંપિંગ સ્ટેશન કેનાલ રોડ પર આવેલા નવાણીયા તળાવની સર્વે નંબર ૬૨૭ વાળી જગ્યામાં કેટલાક સમયથી કાચા રહેણાંકના બાંધકામો થઇ ગયા હતા. તેમજ મોટાપાયે કોમર્શિયલ એકમો પણ ઉભા થઇ ગયા હતા. તાજેતરમાં જ જિલ્લા કલેક્ટરે સરકારી જમીન પરના દબાણો હટાવવાની સુચના આપી હતી. જેના અનુસંધાને વટવા મામલતદાર દ્વારા જમીન મહેસુલ કાયદાની કલમ ૬૧ તેમજ ૨૦૨ મુજબ તમામ દબાણકારોને નોટિસ આપીને દબાણો જાતે દુર કરવાની તાકિદ કરી હતી.ગઇકાલ તા.૨૪ જુલાઇ સુધીમાં દબાણો સ્વેચ્છાએ દુર કરવાનું અલ્ટીમેટલ હતું તેમ છતાંય દબાણો ન હટાવાતા આજે સવારે પોલીસ બંદોબસ્ત સાથે પાંચ જેસીબી મશીનની મદદથી તમામ પ્રકારના દબાણો તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ૧૨૦ જેટલા રહેણાંક-વાણિજ્યક પ્રકારના દબાણો હટાવાતા દબાણકારોમાં ઉશ્કેરાટ ફેલાયો હતો. જોકે પોલીસ બંદોબસ્ત સાથે આ કામગીરી હાથ ધરવામાં આવી હોવાથી કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કાબુમાં રહેવા પામી હતી.નોંધપાત્ર છેકે અમદાવાદ શહેર-જિલ્લાના ઘણા બધા તળાવો પુરીને તેના પર દબાણો થઇ ગયા છે. તેમજ ખૂલ્લી પડી રહેલી સરકારી જમીનો પર દબાણો થઇ ગયા છે. આ મામલે જિલ્લા કલેક્ટર દ્વારા તમામ પ્રકારના દબાણો દુર કરીને સરકારી જમીન તેમજ તળાવ દબાણ મુક્ત કરવાની ઝૂંબેશ હાથ ધરાઇ છે. આગામી સમયમાં આ ઝૂંબેશ યથાવત રખાશે.