Face Of Nation:સ્વતંત્રતા દિવસે બાલાકોટ પર એર સ્ટ્રાઇક કરનાર પાંચ પાયલટને વાયુસેના પદક (વીરતા) આપવામાં આવશે. સ્વતંત્રતા દિવસ પર વિંગ કમાન્ડર અમિત રંજન, સક્વોડ્રન લીડર રાહુલ બસોયા, પંકજ ભુજડે, બીકેએન રેડ્ડી, શશાંક સિંહને વાયુ પદક (વીરતા) આપવામાં આવશે. આ તમામ મિરાઝ 2000ના પાયલટ છે.
આ પહેલા સ્વતંત્રતા દિવસ પર ભારત સરકારે વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને વીર ચક્ર આપવાની જાહેરાત કરી હતી. આ સાથે જ બાલાકોટમાં આતંકી ઠેકાણાઓને નેસ્તનાબૂદ કરનાર ભારતીય વાયુસેનાના સ્ક્વોડ્રોન લીડર મિન્ટી અગ્રવાલને પણ યુદ્ધ સેવા મેડલ આપવમાં આવશે.નોંધનીય છે કે 14 ફેબ્રુઆરીના રોજ જમ્મુ-કાશ્મીરના પુલવામા ખાતે સીઆરપીએફના કાફલા પર આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલામાં 40થી વધારે ભારતીય જવાનો શહીદ થયા હતા. આ હુમલાના 13 દિવસ પછી ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં ઘૂસીને આતંકી કેમ્પોને નેસ્તનાબૂદ કરી દીધા હતા. આ હુમલામાં મોટી સંખ્યામાં આતંકીઓ માર્યા ગયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.એર સ્ટ્રાઇક દરમિયાન વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાને ભારતમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા પાકિસ્તાનના F-16 વિમાનને તોડી પાડ્યું હતું. આ દરમિયાન તેમનું પ્લેન ક્રેશ થયું હતું અને તેઓ પાકિસ્તાનની સરહદમાં પડ્યાં હતાં. જે બાદ ભારતના દબાણના વશ થઈને પાકિસ્તાને તેમને સલામત રીતે ભારત પહોંચાડ્યાં હતાં.