Home Uncategorized સોમનાથ ટ્રસ્ટના આગેવાનના ઇશારે વેપારીને ફાયદો કરાવવા અંબાજીમાં મોહનથાળ બંધ!, “રજૂઆતો”નું માત્ર...

સોમનાથ ટ્રસ્ટના આગેવાનના ઇશારે વેપારીને ફાયદો કરાવવા અંબાજીમાં મોહનથાળ બંધ!, “રજૂઆતો”નું માત્ર નાટક, નિર્ણય રદ્દ થશે

Face Of Nation 05-03-2023 : સોમનાથ મંદિર ટ્રસ્ટમાં મહત્વની જવાબદારી સંભાળતા અને ભાજપમાં દબદબો ધરાવતા વ્યક્તિને ઇશારે અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરી દેવામાં આવ્યો છે. આ વ્યક્તિ નંદિની ચિક્કીના માલિકો સાથે ઘરોબો ધરાવે છે. જેથી સોમનાથ મંદિરમાં પણ પ્રસાદમાં નંદિની ચિક્કીનું વિતરણ કરવા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોવાની માહિતી પ્રકાશમાં આવી છે.
એક ભાજપી નેતાની ભલામણ બાદ ચિક્કિના ધંધામાં વધુ નફો રળી લેવા અંબાજી મંદિરમાં પણ મોહનથાળ બંધ કરીને ચિક્કીનો પ્રસાદ ચાલુ કરવામાં આવ્યો હોવાની ચર્ચાઓ ઉઠી છે. બનાસકાંઠા કલેકટરે પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે, માઈભક્તોની રજૂઆતોના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે પણ સચ્ચાઈ કઈક જુદી જ છે. કલેકટરે નર્યું જુઠાણું ચલાવી “રજૂઆતો”નું બહાનું ધરીને મોહનથાળનો પ્રસાદ બંધ કરવાની હિંમત દેખાડી છે. હકીકતમાં એવી કોઈ રજૂઆતો વિદેશથી કે સ્થાનિક કક્ષાએથી થઇ નથી. વિદેશમાં અંબાજીનો દરરોજે કન્ટેનરોના કન્ટેનર ભરીને પ્રસાદ જતો હોય તેમ કલેકટરે વિદેશમાં મોકલવા અને ભક્તોની રજૂઆતોનું નર્યું જુઠ્ઠું બહાનું ઉભું કરી દીધું છે.
ખરા અર્થમાં મોહનથાળ બંધ કરવાની તંત્રની રણનીતિ આજથી બે વર્ષ પહેલાંથી શરૂ થઈ ગઈ હતી, પરંતુ ચૂંટણી માથે હોઈ એવો કોઈ નિર્ણય લેવામાં ઉતાવળ કરવામાં આવી નહોતી કે જેનાથી સરકારને છાંટા ઊડે. જેથી તે સમયે ચીક્કી અને મોહનથાળ બંનેનો પ્રસાદ વહેચવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જે ભક્તને મોહનથાળ જોઈએ તેને મોહનથાળ આપવો અને જેને ચીક્કી જોઈએ તેને ચીક્કી આપવી. જો કે આ નિર્ણય બાદ પણ ચીક્કીનું વેચાણ વધી રહ્યું નહોતું, ભક્તો મોહનથાળના પ્રસાદનો જ આગ્રહ રાખતા હતા જેને લઇને ચીક્કી બનાવનારી કંપનીને કોઈ નફો કે ફાયદો થતો નહોતો. જેને લઇને ચૂંટણી પૂરી થતાની સાથે જ સોમનાથ ટ્રસ્ટના આગેવાન વ્યક્તિના ઇશારે ભાજપના એક નેતાની ઈચ્છાએ સમગ્ર કામગીરી પાર પાડવાનું કામ કલેકટરના માથે આવ્યું અને આયોજનબદ્ધ રીતે ભક્તોની રજૂઆતના નામે કલેકટર આનંદ પટેલે અંબાજીમાં આપવામાં આવતો મોહનથાળનો પ્રસાદ બંધ કરી દીધો. આ નિર્ણય બાદ ભકતોમાં ઉગ્ર નારાજગી જોવા મળતાં હવે ફરી આ નિર્ણયને રદ્દ કરવા માટે ભાજપના કેટલાક નેતાઓએ તજવીજ હાથ ધરી છે.
આ મામલો છેક મુખ્યમંત્રી સુધી પહોંચ્યો અને મુખ્યમંત્રીએ પણ મોહનથાળ બંધ ન કરવા અંગે સૂચન કર્યું હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી છે. કલેકટર દ્વારા કરવામાં આવેલી આ કામગીરી સીધી ચીક્કીના વેચાણમાં વધારો કરવા અને વેપારીને ફાયદો કરાવવા કરવામાં આવી હોવાની સ્પષ્ટ ચાડી ખાય છે. વર્ષોથી ચાલતી આવતી પરંપરામાં રૂકાવટ નાખવી કે નિયમોમાં બદલાવ કરવો તે યોગ્ય નથી. આ નિર્ણયથી તો એમ લાગે છે કે, આવતીકાલે કેટલાક લોકો એવી રજૂઆત કરશે કે, દૂરથી માતાજીના દર્શન કરવામાં તકલીફ પડે છે તો કલેકટર માતાના ગર્ભગૃહને જાહેર જનતા માટે ખુલ્લો મૂકીને અંદર જવાની છૂટ આપી દેશે ? આ એક આસ્થાનું પ્રતીક છે, સ્થાન છે જ્યાંના નિર્ણયો અનેક લોકોની આસ્થા સાથે જોડાયેલા હોય છે. આ કઈ કલેકટરનું ઘર નથી તો રાતે સ્વપ્ન આવ્યું ને સવારે નિર્ણય લઈ લીધો. પ્રસાદ એ કલેકટરની ઈચ્છા અનુસાર થતો બદલાવ ન હોઈ શકે. ભક્તોને ઉપવાસ હોય તો ચીક્કીનો પ્રસાદ આપવામાં આવતો જ હતો, પરંતુ હવે માત્ર ચીક્કી જ આપવી તે નિર્ણય આસ્થાને ઠેસ પહોંચાડનાર છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુકમાં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).