Face Of Nation:અમદાવાદઃ શહેરના ઘાટલોડિયાના કે.કે.નગર સ્થિત ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાયનાન્સમાં ફાયરિંગ સાથે લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એક શખ્સ હથિયાર લઈને ફાયનાન્સ કંપનીમાં ફાયરિંગ કરી લૂંટ કરવા ગયો હતો. જો કે લોકોએ હિંમત દાખવીને આરોપી ચિરાગ ભાવસારને ઝડપી પાડ્યો છે. જેને પગલે ઘાટલોડિયા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યાર બાદ પોલીસે આરોપીની વધુ પૂછપરછ કરી હતી. જેમાં આરોપીએ ખુલાસો કર્યો હતો કે તેના પર 8 લાખનું દેવું થઇ ગયું હતું જેના કારણે તેણે લૂંટનો પ્લાન ઘડ્યો હતો.
8 લાખનું દેવું વધી જતા પ્લાન ઘડ્યો હતો
નિર્ણયનગરમાં પરિવાર સાથે રહેતો આરોપી ચિરાગ ભાવસાર વ્યવસાયે ગ્રાફિક ડિઝાઈનર છે. ચિરાગને જુગારમાં 8 લાખનું દેવું થઇ ગયું હતું. જેના પગલે તેણે લૂંટ કરવાનો પ્લાન ઘડ્યો હતો. અગાઉ તેણે ઇન્ડિયા ઇન્ફોલાઇન કંપનીમાં સોના પર લોન લીધી હતી માટે તેણે અહી જ લૂંટ કરવાનું નક્કી કર્યું હતું. પ્લાનને અંજામ આપવા માટે તેણે રાજસ્થાનના આબુમાંથી રિવોલ્વર ખરીદી હતી. બપોરના સમયે કંપનીમાં જઇને બેન્કમાં મેનેજરને ધક્કો મારી લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે મેનેજર હિંમત દાખવીને નજીક રહેલો પાણીનો ગ્લાસ તેના પર ફેંક્યો હતો, જેના કારણે પાણી ચિરાગની આંખમાં જતું રહ્યું હતું અને અન્ય કર્મચારીઓએ તેને ઝડપી પાડ્યો હતો. એ સમયે ચિરાગે ફાયરિંગ કર્યું હતું પરંતુ નીચે જમીન તરફ ફાયરિંગ થતાં કોઇ જાનહાનિ થઇ ન હતી. પોલીસે ચિરાગની ધરપકડ કરી છે.