મેઘાણીનગરની ફાયનાન્સ કંપનીમાંથી 15 દિવસ અગાઉ મેનેજર અમીધર બારોટે ચોરી કરી
Face Of Nation:અમદાવાદ: મેઘાણીનગરમાં આવેલી ફાયનાન્સ કંપનીમાં 15 દિવસ અગાઉ મેનેજર અમીધર બારોટ લોકોના ગીરવે મુકેલા સોનાના રૂ. 2.32 કરોડના દાગીના અને રૂ.2 લાખની રોકડ રકમ ચોરીને નાસી ગયો હતો. આ મામલે પોલીસે મેનેજર અને તેના અન્ય બે સાથીઓને ઝડપી પાડ્યા છે. તેમજ પોલીસે પૂરેપૂરો મુદ્દામાલ પણ કબજે કર્યો છે.
મેઘાણીનગરમાં આવેલી આ ફાયનાન્સ કંપનીમાં ગત 12 જુનના રોજ કંપનીમાં કામ કરનાર મેનેજરે જ તિજોરીમાં રાખેલા 14 કિલો સોનાના દાગીના અને રોકડ રકમ એમ કુલ 2.32 કરોડની ચોરી કરી ફરાર થઈ ગયો હતો
આરોપી મેનેજર અને તે બે સાથી મહેસાણામાં ચોરીનો માલ મુકી માઉન્ટ આબુ ગયા
પોલીસે 4 અલગ અલગ ટીમ બનાવી અનેક શહેરોમાં તપાસ શરુ કરી હતી. આરોપી મેનેજર અમીધાર બારોટ અને તેના અન્ય બે સાથી દિલીપ રાઠોડ અને સુરજ રાઠોડ ચોરી કર્યા બાદ માઉન્ટ આબુ ગયા હતા અને ચોરીનો માલ મહેસાણા ખાતે એક મિત્રના ઘરે રાખ્યો હતો. ત્યારબાદ આરોપી જૂનાગઢ અને સુરત પણ ગયો હતો. પોલીસે બાતમીના આધારે બરોડા હાઈવે પરથી આરોપીઓની ધરપકડ કરી હતી.
ચોરેલા દાગીના ગીરવે મુક્યા
આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે સોનાના પેકેટો પૈકીનું એક પેકેટ મુથુટ ફાયનાન્સમાં ગીરવી મુક્યું હતું, જેના બદલે પૈસા લીધા હતા.આરોપીઓએ રૂ.1.50 લાખ જેટલી રકમ ખર્ચ કરી દીધી હતી. મુખ્ય આરોપી અમીધર બારોટ 1 મહિના અગાઉ જ મેનેજર તરીકે નોકરીએ લાગ્યો હતો. તેના મિત્ર દિલીપ રાઠોડના કહેવા પ્રમાણે તેણે કાવતરું ઘડ્યું અને ચોરી કરી હતી. બનાવના દિવસે આરોપી મેનેજરે સીસીટીવી બંધ કરી દીધા હતા અને પોતાની સાથે મોટી બેગ લઈને આવ્યો હતો અને અન્ય સ્ટાફને બહારથી સીધો આવ્યો હોવાનું જણાવ્યું હતું.
ઝોન 4 ડીસીપી નીરજ બડગુજરે જણાવ્યું હતું કે, મુથુટ ફાયનાન્સમાં આરોપીએ આપેલા સોનાનું પેકેટ કબજે કરવામાં આવશે, સાથે જ આરોપીઓ જે જગ્યાએ ગયા હતા ત્યાં જઈને પણ તપાસ કરવામાં આવશે.પકડાયેલા આરોપીઓના ગુનાહિત ઈતિહાસ વિષે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.