મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે અમદાવાદમાં 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો,ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં.
Face Of Nation:અમદાવાદ: રવિવારે સવારથી બફારા અને અસહ્ય ઉકળાટ બાદ મોડી રાત્રે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. રાત્રે 1 વાગ્યાની આસપાસ વીજળીના કડાકા અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં 4 ઈંચ વરસાદથી પાણી જ પાણી થઈ ગયું હતું. જ્યારે ઉત્તર ગુજરાતમાં 3 ઈંચ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં.
મોડી રાત્રે વીજળીના કડાકા અને ભારે પવન સાથે અમદાવાદમાં 4 ઈંચ જેટલો સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો. અમદાવાદના મોટેરા, ગોતા, રાણીપ, સેટેલાઈટ, નારણપુરા, સરખેજ, એસ જી હાઈવે સહિત તમામ વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો હતો. જ્યારે ભારે પવનથી બોપલ, ઘુમા અને ચાંદખેડા વિસ્તારમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી. આ સાથે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. અમદાવાદમાં સૌથી વધુ વરસાદ પૂર્વ ઝોનમાં ખાબક્યો હતો.
આ ઉપરાંત મોડી રાત્રે ગાંધીનગરમાં વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. ગાંધીનગરમાં 2 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો જેના કારણે ગાંધીનગરમાં પણ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતાં.
અરવલ્લી જિલ્લામાં વીજળીના કડાકા સાથે મધરાતે ધોધમાર વરસાદ ત્રાટક્યો હતો. બાયડ, મેઘરજ, મોડાસા સહિતના વિસ્તારોમાં બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.