Home Politics અમિત શાહ આજે રાત્રે આવશે અમદાવાદ, આવતી કાલે મળશે ભાજપનાં ધારાસભ્યોની બેઠક

અમિત શાહ આજે રાત્રે આવશે અમદાવાદ, આવતી કાલે મળશે ભાજપનાં ધારાસભ્યોની બેઠક

Face Of Nation, 11-09-2021:  ગુજરાતનાં રાજકારણમાં મુખ્યમંત્રીનાં રાજીનામાં રૂપી ભૂકંપ બાદ હવે ભારતીય જનતા પાર્ટીનાં ચાણક્ય અમિત શાહ ગુજરાત આવી રહ્યા છે. આજે રાતે અમિત શાહ ગુજરાત પહોંચશે અને અમિત શાહની ગુજરાત મુલાકાતમાં આગામી 24 કલાકમાં જ ગુજરાતનાં નવા મુખ્યમંત્રીની જાહેરાત કરવામાં આવે તેવી પૂરી શક્યતા છે. અમિત શાહગુજરાતનાં દિગ્ગજ નેતા છે ત્યારે અમિત શાહ જે નામ પર અંતિમ નિર્ણય લે તેની સામે કોઈ ભાજપ નેતા વાંધો પણ ન ઉઠાવે તે મુખ્ય કારણ છે.

નોંધનીય છે કે આગામી વર્ષ 2022માં જ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે ત્યારે ભારતીય જનતા પાર્ટી એવા નેતાની જ પસંદગી કરશે જેનાં નેતૃત્વમાં વિધાનસભાની ચૂંટણી લડી શકાય.

ભાજપનાં ધારાસભ્યોમાં ભારે બેચેની છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પોતાના બધા જ ધારાસભ્યોને આવતીકાલે ગાંધીનગરમાં હાજર રહેવાના આદેશ આપ્યા છે. આવતીકાલે જ ભારતીય જનતા પાર્ટી દ્વારા ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી છે. એવામાં કાલે જ નવા મુખ્યમંત્રીની જાહેરાત કરી દેવામાં આવશે તેવી પ્રબળ શક્યતા છે. ભારતીય જનતા પાર્ટીની પરંપરા અનુસાર ધારાસભ્ય દળની બેઠકમાં બધા જ ધારાસભ્યો સામે નામની જાહેરાત કર્યા બાદ સર્વસંમતિથી મુખ્યમંત્રીની જાહેરાત થઈ શકે છે.

વિજય રૂપાણીએ આજે સરદારધામનાં એક કાર્યક્રમમાં હાજરી આપી અને તે બાદ સીધા જ  રાજભવનમાં જઈને મોટા નેતાઓ સાથે રાજીનામું આપ્યું હતું. ગુજરાતમાં વિજય રૂપાણીની સાથે ભાજપનાં કેન્દ્રીય નેતૃત્વનાં દિગ્ગજ નેતાઓ તથા ગુજરાત મંત્રીમંડળનાં તમામ સભ્યો હાજર રહ્યા હતા. વિજય રૂપાણીનાં રાજીનામાં બાદ ગુજરાતનાં રાજકારણમાં ભૂકંપ આવી ગયો છે ત્યારે ભાજપ કાર્યકર્તાઓમાં ભારે અફરાતફરી વચ્ચે ભાજપનાં કમલમમાં મોટા નેતાઓ દ્વારા બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે.

આજે વિજય રૂપાણી રાજીનામું આપી રહ્યા છે ત્યારે આગામી મુખ્યમંત્રી ચહેરાને લઈને ચાલી રહેલ અટકળોમાં ગોરધન ઝડફિયા સૌથી આગળ ચાલી રહ્યા છે. હવે ગુજરાતની કમાન ગોરધન ઝડફિયાને સોંપી દેવામાં આવે અને તેમને જ CM બનાવવામાં આવશે તેવી પ્રબળ શક્યતા છે. ગોરધન ઝડફિયા ગુજરાતનાં ખૂબ મોટા નેતા છે પરંતુ છેલ્લા ઘણા વર્ષથી તેઓ લાઈમ લાઇટથી થોડા દૂર રહ્યા છે.