જૂનાગઢના RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવાની 20 જુલાઇ 2010ના રોજ હાઇકોર્ટ સામે જ હત્યા થઈ હતી
અમિત જેઠવાએ ગીરમાં ચાલતા ગેરકાયદે ખનન મામલે પીઆઈએલ કરી હતી
Face Of Nation:અમદાવાદઃ આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસમાં ભાજપના પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી તથા તેના ભત્રીજા શિવા સોલંકી સહિત 7 આરોપીઓને સીબીઆઈ કોર્ટે દોષિત જાહેર કર્યા છે. આ તમામ દોષિતોને 11 જુલાઈએ સજા સાંભળવવામાં આવશે. અમિત જેઠવા હત્યા કેસમાં શૈલેષ પંડ્યા, ઉદાજી ઠાકોર, શિવા પચાણ, શિવા સોલંકી, બહાદુરસિંહ વાઢેર (પોલીસ કોન્સ્ટેબલ), સંજય ચૌહાણ અને દિનુબોઘા સોલંકીને દોષિત જાહેર કર્યા છે.
દોષિતોને આજીવન કેદની સજા કરવા CBI વકીલની રજૂઆત
સીબીઆઈના વકીલે કોર્ટમાં દોષિતોને આજીવન કેદ અને સખતમાં સખત સજા કરવા રજૂઆત કરી હતી.જ્યારે
બચાવ પક્ષના વકીલે પૂર્વ સાંસદ દીનુ બોઘાની વધુ ઉંમર થઈ ગઈ હોવાથી ઓછી સજા કરવાની માંગ કરી હતી. ત્યાર બાદ
સીબીઆઈ કોર્ટએ તમામ આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો હતો.
192માંથી 155 સાક્ષી ફરી ગયા, સીબીઆઈ કોર્ટે 27 સાક્ષીની ફરીથી જુબાની લીધી
આ કેસની સુનાવણી દરમિયાન 192 સાક્ષીમાંથી 155 સાક્ષી ફરી ગયા હતાં. મોટી સંખ્યામાં સાક્ષીઓ ફરી જતાં અમિત જેઠવાના પિતા ભીખાભાઇ જેઠવાએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેને ધ્યાને રાખી હાઇકોર્ટે મહત્વના 27 સાક્ષીને રિકોલ કર્યા હતાં. રિકોલ કરાયેલા દિનુ બોઘાના ફાર્મ હાઉસના નોકર રામા આઝા સહિત 27 સાક્ષીઓની સીબીઆઇ કોર્ટમાં ફરીથી જુબાની લેવાઇ હતી. જેમાં પણ આ સાક્ષીઓ પોતાની જુબાનીમાં ફરી ગયા હતાં.
2010 હાઈકોર્ટ સામે જાહેરમાં અમિત જેઠવાની હત્યા થઈ હતી
જૂનાગઢના આરટીઆઇ એક્ટિવિસ્ટ 35 વર્ષીય અમિત જેઠવાની 20 જુલાઇ 2010ના રોજ હાઇકોર્ટ સામે આવેલ સત્યમેવ કોમ્પ્લેક્સ પાસે ગોળી મારી હત્યા કરાઈ હતી. સીબીઆઇએ આ કેસની તપાસ હાથ ધરી ભાજપના જૂનાગઢના પૂર્વ સાંસદ દિનુ બોઘા સહિત 7 આરોપી સામે કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી.
જે દિવસે અમિત જેઠવાએ ગેરકાયદે ખનન મામલે PIL કરી તે દિવસે જ હત્યા થઈ
આ તપાસમાં પ્રકાશમાં આવ્યું હતું કે, અમિત જેઠવાએ તે જ દિવસે હાઇકોર્ટમાં જૂનાગઢના ગીરના જંગલોમાં ચાલી રહેલા ગેરકાયદે ખનન અંગે પીઆઇએલ કરી હતી. અમિત જેઠવાની હત્યા પાછળ, દિનુ બોઘા સોલંકીનો હાથ છે તેવો આક્ષેપ અમિતના પિતા ભીખાભાઇએ કર્યો હતો. આ ઘટનામાં પોલીસે ભાજપના તત્કાલીન સાસંદ દિનુ સોલંકી અને તેના ભત્રીજા શિવા સોલંકીની ધરપકડ કરી હતી. પરંતુ ક્રાઇમ બ્રાન્ચે દિનુ બોઘા સોલંકીને ક્લિન ચીટ આપી દેતા, આ તપાસ સુરેન્દ્રનગરના એસપી રાઘવેન્દ્ર વત્સને સોંપાઇ હતી. રાઘવેન્દ્ર વત્સે દિનુ બોઘા સોલંકીને ક્લિન ચીટ આપતા 2012માં તેને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી. કોર્ટે ત્યારબાદ સીબીઆઇને કેસ સુપરત કરવાનો હુકમ કર્યો હતો. 2013માં સીબીઆઇએ તપાસ કરી દિનુ સોલંકીની ધરપકડ કરી હતી.