Face Of Nation Special Report, (Dhaval Patel) : લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજ્યમાં જોઈએ તેવો ચૂંટણીનો માહોલ જામતો દેખાતો નથી. સતત વધતી ગરમી તેનું મુખ્ય કારણ છે અને સાથે સાથે કાર્યકરોને પણ હવે જોઈએ તેટલો રસ ચૂંટણી પ્રચારમાં રહ્યો નથી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગાંધીનગર બેઠક ઉપરથી પોતાની ઉમેદવારી નોંધાવી છે ત્યારે સામે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ડો. સી.જે.ચાવડાએ ચૂંટણી જીતવા માટે ઘેર ઘેર પ્રચાર શરૂ કરીને ગાંધીનગરમાં તેમની આબરૂ સચવાઈ રહે તેવા પ્રયાસો શરૂ કર્યા છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ નો સરખેજ, ઘાટલોડિયા, સોલા અને નારણપુરા વિસ્તાર ભાજપનો ગઢ રહ્યો છે ત્યારે આ બેઠકો ઉપર ભાજપ કોઈ પણ ચહેરાને ઉતારે તે જીતે જ એવી છાપ ઉભી થયેલી છે જેથી અમિત શાહ માટે આ બેઠકોના મત મળશે કે કેમ તેનો સવાલ જ ઉભો થતો નથી પરંતુ સામે ગાંધીનગરની પરિસ્થિતિ સાવ વિરોધાભાસ છે. ગાંધીનગર સહિત આસપાસના ગામડાઓમાં કોંગ્રેસના ઉમેદવાર ડો. સી.જે.ચાવડાનો દબદબો રહ્યો છે. જેથી આ વખતે અમિત શાહ અડવાણીની ગત ચૂંટણીની 4,50,000થી વધુની લીડથી આગળ વધી શકશે નહીં તેવું હાલનું રાજકીય વાતાવરણ જોતા લાગી રહ્યું છે. જો અમિત શાહ અડવાણીની લીડ તોડશે તો ભાજપમાં નરેન્દ્ર મોદી પછી તેમનું નામ આવશે અને જો લીડ નહીં મળે તો તેમની આબરૂનું ધોવાણ થશે.
સામાન્ય રીતે વર્ષ 2014ની ચૂંટણીના પરિણામો ઉપર નજર નાખીએ તો ભાજપના ઉમેદવાર એલ.કે.અડવાણીને સૌથી વધુ મત 1,78,931 ઘાટલોડિયા વિસ્તારમાંથી મળ્યા હતા અને સૌથી ઓછા મત 73,786 કલોલ વિસ્તારમાંથી મળ્યા હતા. આ પરિણામોમાં ગાંધીનગર મતવિસ્તારની હદમાં આવતા અમદાવાદના વિધાનસભા વિસ્તારો નિર્ણાયક રહ્યા હતા. જયારે 2017 વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો, ગાંધીનગર નોર્થમાં કુલ 2,28,632 મતદારોમાંથી 74,406 મત ભાજપના અશોક પટેલને મળ્યા હતા જયારે 80,146 મત સી.જે.ચાવડાને મળ્યા હતા જેમાં 50 % મત સાથે કોંગ્રેસના સી.જે.ચાવડાની જીત થઈ હતી. કલોલમાં કુલ 2,20,168 મતદારોમાંથી 74,921 મત ભાજપના ડો.અતુલ પટેલને મળ્યા હતા જયારે 82,886 મત કોંગ્રેસના બળદેવજી ઠાકોરને મળ્યા હતા જેમાં 51 % મત સાથે કોંગ્રેસના બળદેવજી ઠાકોરની જીત થઈ હતી. સાણંદમાં કુલ 2,38,287 મતદારોમાંથી 67,692 મત ભાજપના કનુભાઈ પટેલને મળ્યા હતા જયારે 59,971 મત કોંગ્રેસના પુષ્પાબેન ડાભીને મળ્યા હતા જેમાં 37 % મત સાથે ભાજપના કનુભાઈ પટેલની જીત થઈ હતી. ઘાટલોડિયામાં કુલ 2,19,316 મતદારોમાંથી 1,78,931 મત ભાજપના ભુપેન્દ્ર પટેલને મળ્યા હતા જયારે 57,902 મત કોંગ્રેસના શશીકાંત પટેલને મળ્યા હતા જેમાં 73.9 % મત સાથે ભાજપના ભુપેન્દ્ર પટેલની જીત થઈ હતી. વેજલપુરમાં કુલ 3,06,185 મતદારોમાંથી 1,17,748 મત ભાજપના કિશોર ચૌહાણને મળ્યા હતા જયારે 95,181 મત કોંગ્રેસના મિહિર શાહને મળ્યા હતા જેમાં 54 % મત સાથે ભાજપના કિશોર ચૌહાણની જીત થઈ હતી. નારણપુરામાં કુલ 2,25,214 મતદારોમાંથી 1,06,458 મત ભાજપના કૌશિક પટેલને મળ્યા હતા જયારે 40,243 મત કોંગ્રેસના નીતિન પટેલને મળ્યા હતા જેમાં 71 % મત સાથે ભાજપના કૌશિક પટેલની જીત થઈ હતી. સાબરમતીમાં કુલ 2,47,192 મતદારોમાંથી 1,13,503 મત ભાજપના અરવિંદ પટેલને મળ્યા હતા જયારે 44,693 મત કોંગ્રેસના ડો.જીતુ પટેલને મળ્યા હતા જેમાં 69.2 % મત સાથે ભાજપના અરવિંદ પટેલની જીત થઈ હતી.
પાટીદાર અનામત આંદોલન દરમ્યાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપર પાટીદારો ઉપર લાઠીચાર્જ સહિતના અનેક આક્ષેપો થયા હતા ત્યારે પાટીદાર સમાજે અમિત શાહને જનરલ ડાયર તરીકે સંબોધન કરીને પણ અનેક આક્ષેપો કર્યા હતા. જો કે આજે એવી સ્થિતિનું નિર્માણ થયું છે કે જે પાટીદારો અમિત શાહ વિરુદ્ધ આક્ષેપો કરતા હતા તે જ પાટીદારો માટે લોકસભાના ઉમેદવાર તરીકે અમિત શાહને જોવાનો વારો આવ્યો છે. હાલ પાટીદાર સમાજમાં અને ગ્રૂપોમાં અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. પાટીદારોનું માનવું છે કે, લોકસભાની ચૂંટણીમાં અમિત શાહની દાવેદારીથી પાટીદારોની આબરૂનો સવાલ ઉભો થયો છે. તો કેટલાક ભાજપમાં માનનારા પાટીદારો એ વાત સ્વીકારે છે કે, અમિત શાહે ખોટું કર્યું છતાં તેમની પાસે અન્ય કોઈ સારો વિકલ્પ નથી અને તેઓ કોંગ્રેસને મત આપવા માંગતા નથી ત્યારે આવી પરિસ્થિતિમાં નોટાનો ઉપયોગ કરીને અમિત શાહનો વિરોધ કરવાની પણ રણનીતિ બનાવી લીધી છે. ઉલ્લેખનીય છે કે, પાટીદાર સમાજને અનામત મળે તે હેતુથી હાર્દિક પટેલે અનામત આંદોલનના શ્રી ગણેશ કર્યા હતા જેને તમામ પાટીદારોનો પુરેપૂરો સહયોગ મળ્યો હતો પરંતુ ત્યારબાદની પરિસ્થિતિએ અને રાજકીય નેતાઓની સોગઠાં બાજીએ પાટીદાર શબ્દથી એક થયેલા કડવા અને લેઉવા સમાજના ફરીથી રીતસરના ભાગલા પડાવી દીધા હતા.