Home Politics મહેબૂબાએ અમરનાથ યાત્રિકોની સુરક્ષા વ્યવસ્થા કાશ્મીરી લોકો માટે મુશ્કેલી રૂપ ગણાવી

મહેબૂબાએ અમરનાથ યાત્રિકોની સુરક્ષા વ્યવસ્થા કાશ્મીરી લોકો માટે મુશ્કેલી રૂપ ગણાવી

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ મામલામાં રાજ્યપાલની દરમિયાનગીરીની માગ કરી
મહેબૂબાએ કહ્યું- અમે અમરનાથ યાત્રાના વિરોધમાં નથી, પરંતુ તેનાથી કોઈને મુશ્કેલી ન થવી જોઈએ
અમરનાથ યાત્રા 1 જુલાઈથી શરૂ થઈ અને 15 ઓગષ્ટ સુધી ચાલશે

Face Of Nation:શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ અમરનાથ યાત્રિકો માટે કરવામાં આવેલી સુવિધાને કાશ્મીરી લોકો માટે મુશ્કેલી ગણાવી છે. મહેબૂબાએ કહ્યું કે, અમરનાથ યાત્રા માટે છેલ્લા ઘણા વર્ષોથી અહીંની જમીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, પરંતુ કમનસીબે આ વખતે વ્યવસ્થાઓ સ્થાનિક લોકોના વિરુદ્ધમાં છે. અમરનાથ યાત્રા 1લી જુલાઈથી શરૂ થઈને 15 ઓગષ્ટ સુધી ચાલશે.

મહેબૂબાએ કહ્યું કે, રાજ્યપાલ સત્યપાલ મલિકને અપીલ કરું છું કે, શ્રદ્ધાળુઓની સુરક્ષા વ્યવસ્થાને કારણે ઊભી થઈ રહેલી મુશ્કેલીઓ પર ધ્યાન આપો અને અસરગ્રસ્ત લોકોને રાહત આપો. અમને અમરનાથ યાત્રાથી કોઈ વાંધો નથી પણ તેનાથી કોઈ મુશ્કેલી ઊભી થવી ન જોઈએ.

સરકાર હુરિયત નેતાઓ સાથે વાતચીત કરે- મહેબૂબાઃ રવિવાવરે મહેબૂબાએ કેન્દ્ર સરકારને હુરિયત નેતાઓ સાથે વાતચીત કરવાનું સમર્થન કર્યું. તેમણે કહ્યું કે, હુરિયત નેતાઓએ કહ્યું છે કે સંગઠન વાતચીત કરવા માટે તૈયાર છે. એવામાં સરકારે આ તકનો ફાયદો ઉઠાવવો જોઈએ અને વાતચીત શરૂ કરવી જોઈએ.

યાત્રા દરમિયાન આવી વ્યવસ્થાઓઃ શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી ઉમંગ નરુલાના કહ્યાં પ્રમાણે, યાત્રાના રસ્તા પર પણ ઘણી જગ્યાઓએ ફાયર ફાઈટિંગ ટીમ, એક્સરે બેગેજ સ્કેનિંગ યુનિટ્સ અને 27 રેસ્ક્યૂ ટીમ પણ તહેનાત કરવામાં આવી છે. નીલગઢ, પાંજતારની અને પહેલાગામમાં હેલિપેડ બનાવવામાં આવ્યા છે. રસ્તામાં બારકોડ પોઈન્ટ્સ અને ટેલી કોમ્યુનિકેશનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસની 11 માઉન્ટેન રેસ્ક્યૂ ટીમ મહિલાઓ અને બિમાર યાત્રીઓની મદદમાં લાગી ગઈ છે. 12 એવલોન્ચ રેસ્ક્યૂ ટીમને પણ તહેનાત કરવામાં આવી છે.

આતંક વિરોધી અભિયાન અંતિમ તબક્કામાંઃ થોડા દિવસો પહેલા કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ વિરોધી અભિયાન અંતિમ તબક્કામાં છે. રાજ્યમાં આતંકવાદ ખતમ થવાના આરે છે. આશા છે કે આગામી વર્ષ 2020માં અમરનાથ યાત્રા માટે કોઈ પ્રકારની સુરક્ષા વ્યવસ્થાની જરૂર જ નહીં પડે.