પ્લાનિંગ સુપ્રિટેન્ડેન્ટને રોયલ ફ્રેન્ડશીપ ક્લબમા જોડવાના નામે નાણાં પડાવ્યા
Face Of Nation:અમરેલી:પીપાવાવ પોર્ટમા કન્ટેઇનર ઓપરેશન વિભાગમા પ્લાનીંગ સુપ્રિ. તરીકે નોકરી કરતા અધિકારીને એક યુવતી સહિત 14 શખ્સોએ હનીટ્રેપમાં ફસાવી રૂપિયા 13 લાખ જેવી રકમ ટુકડે ટુકડે ઓનલાઇન ટ્રાન્સફર કરાવી છેતરપીંડી આચરતા આ અંગે પીપાવાવ મરીન પોલીસમા ફરિયાદ નોંધાઇ છે. મહિલાને હોટેલના રૂમમા એકાંતમા મળવાની લ્હાયમા તેણે આ રકમ ગુમાવી હતી.
મોબાઈલ ચેટીંગ ક્લબમાં જોડાવવા માટે 1800 રૂપિયા ભર્યા
પ્લાનીંગ સુપ્રિ નિરવ કાંતીલાલ વાઘેલાએ આ બારામા પોતાને અમરેલીની જણાવતી હિયા ધાની નામની મહિલા ઉપરાંત રોયલ ફ્રેન્ડશીપ કલબના તુષાર રાઠોડ, મલય પટેલ સહિત 14 શખ્સો સામે મરીન પોલીસમા ફરિયાદ નોંધાવી છે. જેમા તેમણે જણાવ્યું હતુ કે તારીખ 14/4ના રોજ તેના મોબાઇલમા ચેટીંગ ક્લબમા જોડાવવા માટે મેસેજ આવ્યો હતો. જે નંબર પર ફોન કરતા તુષાર રાઠોડે રૂપિયા 1800 ભરો પછી કોઇ છોકરી સાથે વાત કરવા મળશે તેમ કહ્યું હતુ. અહીથી છેતરપીંડીની શરૂઆત થઇ હતી. આ રકમ ઓનલાઇન ટ્રાન્સફર કર્યા બાદ તેને હિયા ધાનીનો નંબર આપવામા આવ્યો હતો. આ મહિલાએ પોતાને અમરેલીની રહેવાસી ગણાવી પરમીશન આઇડી માટે રૂપિયા 8500ની રકમ માંગી હતી.
14 શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી
જે ભર્યા બાદ આ મહિલાએ પોતાનો પતિ બિહારમા રહે છે અને પોતે એકલી હોય સાથીની શોધમાં છે. તેવી રોમેન્ટિક વાતો કરી બંને જ્યારે હોટેલના રૂમમા મળે ત્યારે સિકયોરીટીના માણસો ધ્યાન રાખે તે માટે રૂપિયા 35 હજાર ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યારબાદ હોટેલ ફી પેટે રૂપિયા 52,700, મેડિકલ સર્ટી માટે રૂપિયા 75 હજાર આ તમામ રકમ પરત મેળવવા ઇન્કમટેકસ કોઇ ક્વેરી ન કાઢે તે માટે 1,14,000, એક વર્ષ આ મહિલા સાથે જોડાઇ રહેવા માટે રૂપિયા ત્રણ લાખ, મોડી રકમ ભરી હોય બંધ થઇ ગયેલી ફાઇલ ખોલાવવા માટે 1,40,000 અને આ તમામ રકમ પરત લેવા ગ્રીન કાર્ડ મેળવવા માટે રૂપિયા 7 લાખ તેણે ભર્યા હતા. ત્યારબાદ પણ આ શખ્સો વધુ રકમ ભરવા તેની પાસે જુદાજુદા બહાનાઓ કાઢતા હતા. પરંતુ પોતાની સાથે છેતરપીંડી થયાની જાણ થતા આખરે તેણે પીપાવાવ મરીન પોલીસ મથકે દોડી જઇ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. મરીન પોલીસે તમામ 14 શખ્સો સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.