Home News અમરેલી:સાવરકુંડલા નજીક રેલ્વેતંત્રની ઘોર બેદરકારી,ચાલુ માલગાડીના અમુક ડબ્બા છૂટા પડ્યા

અમરેલી:સાવરકુંડલા નજીક રેલ્વેતંત્રની ઘોર બેદરકારી,ચાલુ માલગાડીના અમુક ડબ્બા છૂટા પડ્યા

મરામતની કામગીરી પૂર્ણ થતા પુન: ટ્રેન વ્યવહાર શરૂ કરવામા આવ્યો હતો

Face Of Nation:અમરેલી: પીપાવાવ-સુરેન્દ્રનગર વચ્ચે દરરોજ મોટી સંખ્યામા માલગાડી દોડે છે. ત્યારે આજે પીપાવાવથી એક માલગાડી સુરેન્દ્રનગર તરફ જઇ રહી હતી ત્યારે સાવરકુંડલા નજીક અચાનક જ તેના ડબ્બા છૂટા પડી ગયા હતા. માલગાડી બે ભાગમાં વહેચાઇ જતા રેલવે તંત્ર દોડતું થઇ ગયું હતું. જો કે બાદમાં યોગ્ય મરામત હાથ ધરી માલગાડીને અહીંથી રવાના કરાઇ હતી.

ટ્રેન બે ટૂકડામાં વહેંચાઇ ગઇ હતી

આ ઘટના આજે પીપાવાવ સુરેન્દ્રનગર બ્રોડગેજ લાઇન પર બની હતી. પીપાવાવ પોર્ટમાંથી એક માલગાડી માલ ભરીને સુરેન્દ્રનગર તરફ જવા નીકળી હતી. આ માલગાડી જ્યારે સાવરકુંડલા-રાજુલા વચ્ચે ખડકાળા નજીક ફાટક નંબર 52 પાસે પહોંચી ત્યારે ટ્રેન અચાનક બે ટુકડામાં વહેચાઇ ગઇ હતી. કારણ કે વચ્ચેથી જ માલગાડીના ડબ્બાઓ છૂટા પડી ગયા હતા. જેના કારણે પીપાવાવ પોર્ટ તરફનો ટ્રેન વ્યવહાર સંપૂર્ણપણે થંભી ગયો હતો.

લાંબા સમય સુધી ટ્રેન વ્યવહાર ખોરવાયો

અચાનક ચાલુ ટ્રેને ડબ્બાઓ છૂટા પડી જતા અને ટ્રેન બે ભાગમાં વહેંચાઇ ગયાની જાણ થતા રેલતંત્રમા પણ અફડાતફડી મચી હતી અને તાબડતોબ મરામતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. લાંબા સમય સુધી અહીં ટ્રેન વ્યવહાર અટકી ગયા બાદ આખરે મરામતની કામગીરી પૂર્ણ થતા પુન: ટ્રેન વ્યવહાર શરૂ કરવામા આવ્યો હતો. આ બનાવમાં સદનશીબે કોઇ જાનહાની થવા પામી ન હતી.

અગાઉ પણ ટ્રેન અટકી પડ્યાની ઘટના બની હતી

દામનગરથી રાજુલા સુધી જતી માલગાડીઓને ચઢાણનો સામનો કરવો પડે છે. હેવી લોડવાળી માલગાડીઓ અહીંથી પસાર થતી હોય ત્યારે ભૂતકાળમાં અટકી પડી હોય તેવી ઘટનાઓ પણ બની ચૂકી છે.

સાવજો માટે જોખમી ટ્રેક છે

પીપાવાવથી સાવરકુંડલા સુધીનો રેલવે ટ્રેક અવારનવાર સાવજો માટે પણ જોખમી સાબિત થઇ ચૂક્યો છે. ટ્રેન હડફેટે સાવજોના મોતની અનેક ઘટનાઓ બની ચૂકી છે. સાવજો ટ્રેક પર હોય ત્યારે ટ્રેન અટકાવવી પડી હોય તેવી ઘટનાઓ પણ બની છે.