Home Uncategorized ટેક્સાસમાં 18 વર્ષિય વિદ્યાર્થીએ કર્યો ગોળીબાર, 18 બાળક અને 3 શિક્ષક સહિત...

ટેક્સાસમાં 18 વર્ષિય વિદ્યાર્થીએ કર્યો ગોળીબાર, 18 બાળક અને 3 શિક્ષક સહિત 21ના મોત, ડઝનથી વધુ ઘાયલ, અમેરિકામાં 4 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર!

Face Of Nation 25-05-2022 : અમેરિકન ગન કલ્ચરની વરવી સાબિતીરૂપે બનેલી એક ઘટનામાં ટેક્સાસની એક પ્રાથમિક શાળામાં 18 વર્ષીય એક શૂટરે 18 બાળક અને 3 શિક્ષકને ગોળીઓથી વીંધી નાખીને મોતને ઘાટ ઉતારી દીધા છે. 13 બાળક, સ્કૂલના સ્ટાફ મેમ્બર્સ અને કેટલાક પોલીસકર્મીઓ પણ આ ગોળીબારમાં ઘાયલ થયા છે. આ હુમલાખોર પણ જવાબી કાર્યવાહીમાં માર્યો ગયો છે. ટેક્સાસ પોલીસે જણાવ્યું હતું કે હુમલાખોર યુવક પોતાના વાહનમાંથી નીકળીને સ્કૂલમાં પ્રવેશ્યો હતો. તેની પાસે એક હેન્ડગન અને એક રાઇફલ હતી.
આરોપીની ઓળખ સલ્વાડોર રામોસ તરીકે થઈ
ટેક્સાસ ગવર્નર એબોટે જ્યારે જણાવ્યું કે, આરોપીની ઓળખ સલ્વાડોર રામોસ તરીકે થઈ છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક યુવકનો ફોટો વાયરલ થયો છે. આ ઈન્સ્ટાગ્રામ પેજ સલ્વાડોર રામોસનું માનવામાં આવે છે. આ સિવાય પેજ પર રાઈફલનો ફોટો પણ પોસ્ટ કરવામાં આવ્યો છે. માનવામાં આવે છે કે, આ જ ટેક્સાસ ફાયરિંગનો શંકાસ્પદ વ્યક્તિ છે. જોકે આ તસવીર વિશે હજી ઓફિશિયલ ખુલાસો થયો નથી. આ ઈન્સ્ટાગ્રામ પેજ પણ આ દુર્ઘટનાના થોડા સમય પછી હટાવી દેવામાં આવ્યું હતું. તો બીજીતરફ ટેક્સાસ પોલીસના જણાવ્યા અનુસાર, હુમલાખોરનું પણ જવાબી કાર્યવાહીમાં મોત થયું છે. અંધાધૂંધ ગોળીબાર કરનારો આ હુમલાખોર યુવક પણ ઉવાલ્ડે હાઈસ્કૂલનો ભૂતપૂર્વ વિદ્યાર્થી રહ્યો હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.
18 ભૂલકાં અને 3 શિક્ષકનો સમાવેશ થાય
ટેક્સાસના ઉવાલ્ડેમાં આવેલી રોબ એલીમેન્ટરી સ્કૂલમાં 18 વર્ષના યુવકે અંધાધૂંધ ગોળીબાર કર્યા હતા. ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટ્ટે જાણકારી આપતાં કહ્યું હતું કે આ ફાયરિંગની ઘટનામાં 21નાં મોત થયાં છે, જેમાં 18 ભૂલકાં અને 3 શિક્ષકનો સમાવેશ થાય છે. જોકે એક સ્થાનિક હોસ્પિટલે એમ જણાવ્યું હતું કે બે વ્યક્તિનાં મોત થયાં છે અને ડઝન જેટલા લોકો ઘાયલ થયા છે. ઘટનાની સ્પષ્ટ વિગતો હજુ આવી રહી છે.
સ્કૂલમાં ગોળીબારની ઘટનાથી યુએસ સરકારમાં હલચલ
ટેક્સાસના ઉવાલ્ડેની સ્કૂલમાં બનેલી ગોળીબારની ઘટનામાં 14 માસૂમ વિદ્યાર્થી સહિત 15 લોકોનાં મોતથી અમેરિકી સરકારમાં હલચલ મચી ગઈ છે. આ ઘટના બાદ સેનેટર જોન કોર્નિન ટેક્સાસ જવા રવાના થયા છે. તેમણે કહ્યું હતું કે ટેક્સાસ તેમનું હોમ સ્ટેટ છે અને તેઓ ઘટનાસ્થળે જવા રવાના થઈ ગયા છે. તેમણે કહ્યું હતું કે આ ઘટના ખોફનાક છે. તેઓ ટેક્સાસની આ સ્કૂલની ઘટના પાછળનો હેતુ શું હતો એ જાણવાની કોશિશ કરશે.
હેરિસ પણ ટેક્સાસની આ ઘટના અંગે બ્રીફ આપશે
વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરિન જિન-પિયરે એક ટ્વીટ દ્વારા જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ જો બાઈડન ટેક્સાસની સ્કૂલમાં થયેલા અંધાધૂંધ ગોળીબારની ઘટના અંગે આજે રાત્રે 8.15 વાગ્યે બ્રિફ આપશે. ટ્વીટમાં જણાવ્યું હતું, ‘રાષ્ટ્રપ્રમુખ બાઈડન એલિમેન્ટરી સ્કૂલમાં ગોળીબારની ખોફનાક ઘટના અંગે બ્રીફ આપશે. તેમની પ્રાર્થના આ ભયાનક ઘટનાથી પ્રભાવિત પરિવારોની સાથે છે. તેઓ આજે રાતે જાપાન પ્રવાસથી વ્હાઈટ હાઉસ પરત આવ્યા પછી સંબોધન કરશે.’ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ પણ ટેક્સાસની આ ઘટના અંગે બ્રીફ આપશે.
આપણામાં એક્શન લેવાનું સાહસ હોવું જોઈએ : હેરિસ
અમેરિકન ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસે ઘટના વિશે દુખ વ્યક્ત કર્યું છે. હેરિસે કહ્યું કે, હને બહુ થઈ ગયું, એક દેશ તરીકે આપણી પાસે કાર્યવાહીનું સાહસ હોવું જોઈએ અને એક સ્ટેન્ડ લેવાનું સાહસ હોવું જોઈએ. તેમણે કહ્યું કે, આવી ઘટનાઓ ફરી ના થાય તે માટે એક યોગ્ય પબ્લિક પોલિસી બનવી જોઈએ.
અમેરિકામાં ગન કલ્ચરથી હત્યાઓનો સિલસિલો યથાવત્
હજુ નવ દિવસ પહેલાં જ ન્યૂયોર્કના બફેલોમાં 18 વર્ષીય શ્વેત હુમલાખોર પેટન ગેનડ્રોને એક સ્ટોરમાં ઘૂસીને અંધાધૂંધ ગોળીબાર કરીને 10 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા, જ્યારે અન્ય ત્રણ લોકો ઘાયલ થયા હતા. હેટ ક્રાઈમની ઘટનામાં અશ્વેત લોકોને નિશાન બનાવ્યા હતા.
ટેક્સાસમાં છાશવારે ગોળીબારની બનતી ઘટનાઓ
અમેરિકાના ટેક્સાસમાં 3 વર્ષ અગાઉ મિડલેન્ડ અને ઓડેસા શહેરની વચ્ચે થયેલા ગોળીબારમાં 5 લોકોનાં મોત થયાં હતાં અને 21 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. હુમલાખોરો બાઈક પર આવ્યા હતા અને પોસ્ટ વિભાગનું વાહન હાઇજેક કર્યું હતું અને પછી આસપાસના લોકો પર આડેધડ ગોળીબાર કર્યા હતા. અમેરિકી એજન્સી એફબીઆઈના આંકડા મુજબ, એક વર્ષમાં અમેરિકામાં હેટ ક્રાઈમ 30 ટકા વધ્યો. 2020માં હેટ ક્રાઈમની 11129 અને 2019માં 8559 ઘટનાઓ બની હતી. અમેરિકામાં અશ્વેતો પર હુમલાની ઘટનાઓમાં પણ 45 ટકાનો વધારો નોંધાયો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).